રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દબાણ લાવતું યુરોપ પોતે પણ તેની પાસેથી મોટા પાયે તેલ-ગેસ ખરીદી રહ્યું છે. 2022થી અત્યાર સુધી યુરોપિયન દેશોએ રશિયા પાસેથી આશરે 30 લાખ કરોડ રૂપિયાનું ઈંધણ ખરીદ્યું છે. બીજી તરફ, યુરોપિયન સંઘે જુલાઈ 2025માં ગુજરાત સ્થિત નાયરા એનર્જીની રિફાઈનરી પર પ્રતિબંધો લગાવ્યા હતા, જેમાં રશિયાની તેલ કંપની રોઝનેફ્ટની ભાગીદારી રહી છે. 2026ના શરૂઆતના નવ મહિનામાં પણ આશરે 2.03 લાખ કરોડ રૂપિયાની ખરીદી થઈ. રશિયાના જણાવ્યા મુજબ, જે માર્ગો દ્વારા રશિયન ઊર્જા ખરીદવાની છૂટ છે, તેમના મારફતે યુરોપને તેલ અને ગેસનો પુરવઠો ચાલુ છે. રશિયા પાસેથી ઈંધણ ખરીદવાની છૂટના નિયમો અલગ-અલગ યુરોપના તમામ દેશોની સ્થિતિ એકસરખી નથી. બીજી તરફ, ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી અંગે અમેરિકન પ્રશાસન વધારાની આયાત ડ્યુટી લાદી ચૂક્યું છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે ભારત પરના દબાણ અને યુરોપિયન દેશોને મળેલી છૂટના નિયમો અલગ-અલગ કેમ છે. ભાસ્કર વિશ્લેષણ: ખરીદી બંધ કરવાથી યુરોપને મોંઘવારીનો ભય તેલ-ગેસ મોંઘા થઈ શકે છે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ યુરોપમાં ગેસ અને વીજળીના ભાવ વધ્યા હતા. અહેવાલમાં ગેસના ભાવમાં 46% અને વીજળીના ભાવમાં 21% સુધીનો વધારો થયાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયાથી સપ્લાય સંપૂર્ણપણે બંધ થવાથી ભાવ ફરી વધી શકે છે. આથી સામાન્ય લોકોના બિલ અને કંપનીઓના ખર્ચમાં વધારો થવાની ભીતિ છે. 2026માં પણ રશિયા પાસેથી ગેસની ખરીદી વધી યુરોપિયન સંઘની ઊર્જા નિયમનકારી એજન્સીના આંકડા મુજબ, જાન્યુઆરીથી મે 2026 દરમિયાન યુરોપમાં રશિયાથી પાઇપલાઇન મારફતે આવતી ગેસની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 7% વધી. રશિયાથી પ્રવાહી કુદરતી ગેસ એટલે કે એલએનજીની ખરીદી પણ 11% વધી. આથી સ્પષ્ટ થાય છે કે પ્રતિબંધો છતાં યુરોપની રશિયા પરની ઊર્જા નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. અન્ય દેશોમાંથી ગેસ ખરીદવો પણ સરળ નથી યુરોપ અમેરિકા અને અન્ય દેશોમાંથી પણ ગેસ ખરીદે છે. પરંતુ અન્ય દેશોમાંથી ગેસ મંગાવવા માટે અલગ વ્યવસ્થા અને ખર્ચની જરૂર પડે છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાને કારણે પણ ઊર્જા પુરવઠાને લઈને ચિંતા યથાવત છે. આવી સ્થિતિમાં રશિયા પાસેથી ખરીદી તાત્કાલિક બંધ કરવી યુરોપ માટે સરળ નથી. પહેલેથી થયેલા કરારો પણ એક મોટું કારણ યુરોપિયન કંપનીઓએ રશિયા સાથે લાંબા ગાળા માટે ગેસ ખરીદવાના કરારો કર્યા છે. યુરોપની ઊર્જા નિયમનકારી એજન્સી મુજબ, રશિયન એલએનજી ખરીદવા માટે કેટલીક કંપનીઓએ વાર્ષિક 20થી 32 અબજ ઘનમીટર સુધીના કરારો કર્યા છે. આ કરારો અને અન્ય સ્થળોથી ગેસ લાવવાની વ્યવસ્થા કરવામાં સમય લાગતો હોવાથી આયાત બંધ કરવી મુશ્કેલ છે. રશિયાની એલએનજીનો સૌથી મોટો ખરીદદાર EU છે ઊર્જા પર નજર રાખતી સંસ્થા સેન્ટર ફોર રિસર્ચ ઑન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ) મુજબ, ડિસેમ્બર 2022થી ઑગસ્ટ 2026 વચ્ચે રશિયામાંથી થતા એલએનજી નિકાસમાં યુરોપિયન સંઘ (EU)નો હિસ્સો 49% હતો. ચીનનો હિસ્સો 24% રહ્યો. પાઇપલાઇન દ્વારા મોકલવામાં આવતા રશિયન ગેસમાં પણ યુરોપિયન સંઘનો હિસ્સો 32% હતો. ચીનનો હિસ્સો 31% અને તુર્કિયેનો 29% રહ્યો. એટલે કે, રશિયામાંથી ગેસ ખરીદવામાં યુરોપ હજુ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયામાંથી એલએનજી ખરીદતા મુખ્ય યુરોપિયન દેશોમાં ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન ઉપરાંત નેધરલેન્ડ્સનો પણ સમાવેશ થાય છે. ———————— આ સમાચાર પણ વાંચો… મસ્કે યુક્રેનમાં સ્ટારલિંક ઇન્ટરનેટની સ્પીડ ઘટાડી: રશિયા સામે સેનાના ઓપરેશન પર અસર અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સે યુક્રેનમાં સ્ટારલિંક ઇન્ટરનેટની સ્પીડ પર મર્યાદા મૂકી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સલાહકાર સેરહી બેસ્ક્રેસ્ટનોવે બુધવારે જણાવ્યું કે આ નિર્ણયથી રશિયા સામે લડી રહેલી યુક્રેનિયન સેનાના અનેક ઓપરેશનો પર અસર પડી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
યુરોપે રશિયા પાસેથી 30 લાખ કરોડ રૂપિયાનું તેલ-ગેસ ખરીદ્યું:આ વર્ષે પણ આયાત ચાલુ, 2025માં ભારતની રિફાઇનરી પર પ્રતિબંધો લગાવ્યા હતા
📅 Published: October 15, 2026 |
📂 Category: International
