યુવાલ નોઆ હરારી: માનવજાતના ભૂતકાળથી AIના ભવિષ્ય સુધીની સફર:ઇતિહાસ લખે છે, ભવિષ્યની આગાહી કરે છે અને વર્તમાનને સમજાવવાનો પ્રયાસ કરે છે

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

કોઇ વખત એવું લાગ્યા કરે છે કે માનવજાતના અસ્તિત્વને અમૂક હજારો વર્ષ થઇ ગયા આ પૃથ્વી પર. કેટલીય સદીઓ વીતી, અગ્નિ, ખેતી, ચક્ર, યંત્રોથી લઇને અત્યારે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ સુધી માનવી પહોંચ્યો પણ છતાંય એની અમૂક મૂળભૂત સમસ્યાઓ એની એ જ રહી. જેમ કે દુનિયા આખીમાં રીસોર્સિસમાં અસમાનતા, વર્ગ અને જાતિભેદ, ભૂખમરો, પાણીની સમસ્યા, યુદ્ધો, ધર્મ, હિંસા અને સૌથી મોટી વાત બધું હોવા છતાં અને ના હોવા છતાં પણ માનવ મનની શાંતિ અને અજંપામાં કોઇ ફરક ખાસ નથી પડ્યો! માટે જગતભરના દાર્શનિકો, વૈજ્ઞાનિકો, સાધુ, સંતો, ધર્મગુરુઓ પાસે ઘરાકી ઘટતી જ નથી શાંતિની શોધના પ્રયાસમાં! વતનના પ્રકાશકોએ જ પુસ્તક નકારી કાઢ્યું
આવા જ એક સોશિયલ મીડિયા, યૂટ્યૂબ તો ઠીક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા-આધારિત ભૂતકાળ અને ભવિષ્ય અંગેની તેમની સ્પષ્ટ સમજણ, વિશ્લેષણ અને તે વાતને સરળ રીતે લોકો સમક્ષ મૂકવાની આવડતને કારણે, ફક્ત સિલિકોન વેલીના વૈશ્વિક ટેક અગ્રણીઓ, રાજકારણીઓ અને વિચારકો જ નહીં પણ જેમને થોડી ઘણી પણ આ બાબતે નિસ્બત હોય એ લોકોમાં તેમના કાર્યે ભારે રસ જગાડ્યો છે. અને જેમના અત્યંત સફળ પુસ્તક ‘સેપિયન્સ’ જેને એમના જ વતન, દેશ ઇઝરાયેલના અનેક પ્રકાશકો દ્વારા શરૂઆતમાં નકારી કાઢવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ સફળતા પામ્યું; તેનો 60થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો અને તેની કરોડો નકલો વેચાઇ. જે અત્યારે સેલિબ્રિટી વક્તા અને લેખક છે એવા “યુવાલ નોવા હરારી” ઇતિહાસ લખે છે. ભવિષ્યની આગાહી કરે છે અને વર્તમાનને સમજાવવાનો પ્રયાસ કરે છે!

હવે ટેક્નોલોજી ક્યાં લઇ જઇ રહી છે?
1976માં ઇઝરાયેલમાં જેમનો જન્મ થયો તે યુવાલ એ ઇઝરાયેલની જ હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં અભ્યાસ કર્યો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં PhD ની ડિગ્રી મેળવી. પણ તેમની કૂતુહલતા અને ચકોર નજર અને ચિંતન ઓક્સફર્ડ યુનિવર્સીટીની phd ની ડિગ્રી સુધી સીમિત રહે તેમ નથી. માટે જ તેઓ લાખો વર્ષના માનવ ઇતિહાસને માત્ર રાજાઓ, યુદ્ધો અને સામ્રાજ્યની વાર્તા તરીકે જોતા નથી. તેઓ પૂછે છે માનવજાત આખરે પૃથ્વી પરની સૌથી શક્તિશાળી પ્રજાતિ બની કેવી રીતે? અને હવે ટેક્નોલોજી આપણને ક્યાં લઇ જઇ રહી છે? વિશ્વ ઇતિહાસ, મધ્યયુગીન ઇતિહાસ અને સૈન્ય ઇતિહાસ સાથે સંકળાયેલા, જેમના પુસ્તકોની અત્યાર સુધીમાં કરોડો નકલો 65થી વધુ ભાષાઓમાં વેચાઇ ચૂકી છે એવા યુવાલ નોવા હરારી અત્યારે વિશ્વના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય બુદ્ધિજીવીઓમાં ગણાય છે. આધુનિક માનવીની સફરમાં ડોકિયું
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના ફાયદા, ગેરફાયદાની ચર્ચામાં જ્યારે દુનિયા આખીના લીડર્સ, ટેક્નોલોજીસ્ટ, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો, ભાષાવિદો પડ્યા છે ત્યારે, હરારીને વૈશ્વિક ખ્યાતિ અપાવનાર પુસ્તક Sapiens: A Brief History of Humankind આપણને, માનવીના અસ્તિત્વના સમયથી આધુનિક માનવીની સફરમાં ડોકિયું કરવા પ્રેરે છે અને એનું કારણ છે પુસ્તકનો મૂળ વિચાર જે અત્યંત સરળ પરંતુ ચોંકાવનારો છે. આજે પૃથ્વી પર મનુષ્યની માત્ર એક જ પ્રજાતિ બચી છે- Homo sapiens. પરંતુ ભૂતકાળમાં પૃથ્વી પર માત્ર આપણે જ માનવ નહોતા. નિયાન્ડરથલ સહિત અનેક માનવ પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી.
તો પછી Homo sapiens(આજનો માનવી) જ કેમ ટકી ગયો? હરારીનું માનવું છે કે સદીઓથી માનવી ટકી ગયો અને ટકી રહ્યો છે એની પાછળ મોટું એક કારણ છે કે માનવી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી ટોળામાં ફરવાનો આદિ છે અને એ ટેવને કારણે સાથેના અજાણ્યા લોકો પર અસ્તિત્વ ટકાવી રાખવા વિશ્વાસ રાખવો પડે છે. સહકારથી કામ કરવું પડે છે અને હરારી આ વિચારને માનવ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ શક્તિ, લાક્ષણિકતા માને છે. તેમના મતે માણસની અસાધારણ ક્ષમતા માત્ર બુદ્ધિમાં નથી પરંતુ સામૂહિક રીતે કલ્પના, કામ કરવાની ક્ષમતામાં છે. એક ડગલું આગળ જઇને ‘Sapiens’માં હરારી માનવ ઇતિહાસને સમજાવવા માટે ત્રણ મોટી ક્રાંતિઓ પર ભાર મૂકે છે. Cognitive Revolution, Agricultural Revolution અને Scientific Revolution (જ્ઞાનાત્મક ક્રાંતિ, કૃષિ ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિ). 12 હજાર વર્ષ પહેલાં કૃષિ ક્રાંતિ આવી
હરારીના મતે લગભગ 70,000 વર્ષ પહેલા મનુષ્ય એ ભાષા વિકસાવી. જેના કારણે એની સંવાદ કરવાની, કલ્પના કરવાની અને સામૂહિક સહકારની ક્ષમતામાં મોટો ફેરફાર આવ્યો. ત્યારબાદ લગભગ 12,000 વર્ષ પહેલાં કૃષિ ક્રાંતિ આવી અને માણસે ખોરાકની શોધમાં શિકારી તરીકે દરબદર રખડવાનું છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું અને તેના કારણે સમૂહમાં એક જગ્યાએ નદી પાસે કે જ્યાં પાણી હોય ત્યાં રહેવાનું શરૂ કર્યું. પરંતુ અહીં હરારીનો એક રસપ્રદ પ્રશ્ન છે: શું ખેતીની ક્રાંતિ ખરેખર માનવજાત માટે વ્યક્તિગત રીતે વધુ સારી હતી? હંમેશા મૌલિક રીતે વિચાર કરતા હરારી જેનું નામ તેમનો જવાબ પણ પરંપરાગત ઇતિહાસથી અલગ છે. એમના નિરીક્ષણ પ્રમાણે ખેતીથી માનવ સંખ્યા વધી, શહેરો અને સામ્રાજ્યો ઊભાં થયા પરંતુ વ્યક્તિગત જીવન હંમેશાં વધુ સુખી થયું એવું જરૂરી નથી. વધુ ખોરાકની સાથે વધુ મહેનત, રોગચાળો, અસમાનતા અને યુદ્ધ પણ આવ્યા. માણસ જાતનું આગામી લક્ષ્ય શું હશે?
કાયમ ચિંતન કરતા રહેતા હરારી અહીં એક કલ્પનાત્મક પરંતુ ગંભીર પ્રશ્ન પૂછે છે. જો માણસ ભૂખમરો, રોગ અને યુદ્ધ જેવી જૂની સમસ્યાઓ પર વધુ નિયંત્રણ મેળવી લે તો પછી તેનું આગામી મોટું લક્ષ્ય શું હશે? અને હવે અહીં યુવાલનું ‘Sapiens’ પુસ્તક જેમ ભૂતકાળની વાત કરે છે ત્યારે એમનું ત્યાર પછીનું પુસ્તક Homo Deus: A Brief History of Tomorrow ભવિષ્ય તરફ નજર કરે છે અને આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાની મથામણ કરે છે. તેમના મતે માણસ કદાચ અમરત્વ, સુખ અને સુપર પાવર ક્ષમતાઓ મેળવવા તરફ આગળ વધી શકે છે. જિનેટિક એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી અને AI માણસને પોતાની શારીરિક, માનસિક મર્યાદાઓ બદલવાની શક્તિ આપી શકે છે પરંતુ આ સાથે એક ભય પણ છે. જો ટેક્નોલોજી માણસને વધુ શક્તિશાળી બનાવશે તો શું દરેક માણસને સમાન રીતે તેનો લાભ મળશે? હરારી ખાસ કરીને ચેતવણી આપે છે કે AI અને બાયોટેક્નોલોજી એવી દુનિયા બનાવી શકે છે જ્યાં સમાજમાં ડેટા અને અલ્ગોરિધમનું મહત્વ માનવ વ્યક્તિ કરતાં પણ વધારે બની જાય. અને યુવાલ નોહા હરારી તો એક સંવાદમાં અલ્ગોરિધમને આજના જમાનાના સરમુખત્યાર ગણે છે. 2018માં પ્રકાશિત થયેલા ગ્રંથ 21 Lessons for the 21st Century અને 2024નું તેમનું પુસ્તક Nexus: A Brief History of Information Networks from the Stone Age to AIમાં હરારી અત્યારે લાઇટથી પણ વધુ ગતિએ એ પ્રગતિ(!?) કરતી ટેક્નોલોજીને આજના માનવીય પ્રશ્નો સાથે સાંકળીને વાત કરે છે જે એમની ચિંતન ધારામાં, ત્રીજો મહત્વપૂર્ણ તબક્કો છે. વાચકને વિચારવા મજબૂર કરી દે તેવી શૈલી
હરારીની શૈલીની ખાસિયત એ છે કે તેઓ વાચકને શું વિચારવું કરતાં ઘણી વખત કેવી રીતે વિચારવું તે અંગે વિચારવા મજબૂર કરે છે માટે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફેક સમાચાર, રાષ્ટ્રવાદ, લોકશાહી, રોજગાર, આતંકવાદ, શિક્ષણ અને રાજકારણ જેવા મુદ્દાઓ પર હરારી વાચકને તૈયાર જવાબો આપવાને બદલે મુશ્કેલ પ્રશ્નો પૂછે છે. ઓગસ્ટ 2026માં હરારી એ AI અંગે વધુ ગંભીર ચેતવણી આપી છે. તેમણે દલીલ કરી છે કે સમાજે AI ને કાનૂની અધિકાર આપવાના પ્રશ્નનો સામનો AI પોતે પોતાના અધિકારો માટે લોકોના મંતવ્યોને પ્રભાવિત કરી શકે તે પહેલાં કરવો જોઇએ. તેમની ચિંતા માત્ર એ નથી કે AI બુદ્ધિશાળી બનશે પરંતુ એ છે કે AI માણસોની લાગણીઓ અને મનોવિજ્ઞાનને સમજવામાં અત્યંત કુશળ બની શકે છે. આ વાત અને વિચારની સાબિતી છે આજનું સોશિયલ મીડિયા. જો કોઇ AI સિસ્ટમ વ્યક્તિને દાખલ તરીકે એ ફેસબુક પર શું પોસ્ટ કરે છે. ગૂગલ સર્ચ એન્જિનમાં શું શોધખોળ કરે છે? કોની સાથે સંવાદ કરે છે? એ બધાને અનુસરીને જે તે વ્યક્તિને AI જાણે વર્ષોથી ઓળખતી હોય તેની પસંદ-નાપસંદ, ભય, સંબંધો અને માનસિક નબળાઇ વિશે જાણતી હોય તો તે વ્યક્તિને સમજાવવાની તેની ક્ષમતા કેટલી શક્તિશાળી બની શકે? માટે જ હરારી માટે આ માત્ર ટેક્નોલોજીના પ્રશ્ન નથી. આ સત્તા અને માનવીય સ્વતંત્રતાનો પ્રશ્ન છે. અત્યંત લોકપ્રિય, ચર્ચાસ્પદ અને સમાચારોમાં રહેતા હરારી વિશે કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો તેમના હજારો વર્ષના જટિલ ઇતિહાસને ખૂબ ઓવર સિમ્પ્લિફાઇડ, સરળીકરણ કરીને રજૂ કરવા બદલ તેમની ટીકા પણ કરે છે. પરંતુ કદાચ આ જ બાબત તેમને રસપ્રદ બનાવે છે. તેમના પુસ્તકો આપણને દરેક જવાબ સાથે સહમત થવા માટે નથી કહેતા પણ તે આપણને આપણા પોતાના સવાલો, શંકા પર સવાલ કરવા પ્રેરિત કરે છે. યુવાલ નોવા હરારી એ વિચારવા મજબૂર કરે છે કે માણસે દુનિયાને જીતવામાં સફળતા મેળવી પરંતુ હવે શું માણસ પોતાની જ બનાવેલી શક્તિઓને નિયંત્રિત કરી શકશે? હરારી આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર ભૂતકાળની વાત નથી. આપણે આજે જે નિર્ણયો લઇ રહ્યાં છીએ તે જ આવતીકાલનો ઇતિહાસ લખશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *