રત્નમાલા અને સાકેત બ્રિજને આજે CM ખુલ્લા મુકશે:10 લાખ વાહનચાલકોને રાહત; ઇસ્કોન મંદિરના શિલાન્યાસ સાથે 50 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત; BRTSના 3 રૂટ બંધ

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે (25 ઓક્ટોબ) સુરતની મુલાકાતે છે. તેઓ સુરત મનપા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના મળીને કુલ રૂ. 410 કરોડના 50 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરતાં રત્નમાલા અને સાકેત બ્રિજનું લોકાર્પણ કરાશે, જેનાથી આશરે 17 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે. ઉપરાંત મુખ્યમંત્રી ઇસ્કોન મંદિરના શિલાન્યાસ અને વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમમાં હાજરી આપશે. CMના સુરક્ષા પ્રોટોકોલના કારણે સુરતની BRTS અને સિટી બસ સેવાઓમાં ફેરફાર કરાવાની સાથે 3 રૂટ સંપૂર્ણ બંધ રહેશે. પાલમાં કાર્યક્રમ, 50 પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રીની હાજરીમાં સંજીવકુમાર ઓડિટોરિયમ- પાલમાં મુખ્ય સમારોહમાં સુરત મનપાના રૂ. 177.89 કરોડના 31 કામો અને સમગ્ર શિક્ષા વિભાગના રૂ. 14.17 કરોડના 4 કામો મળી કુલ રૂ. 192.07 કરોડના 35 કામોનું લોકાર્પણ કરાશે, જ્યારે રૂ. 34.09 કરોડના 10 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તા મંડળના રૂ. 144.22 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે. સાથોસાથ જિલ્લા વહીવટી તંત્રના રૂ. 19.58 કરોડના 2 કામોનું લોકાર્પણ અને રૂ. 20.41 કરોડના 2 કામોનું ખાતમુહૂર્ત થશે. આમ, સુરત શહેર અને જિલ્લામાં કુલ રૂ. 211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને રૂ. 198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત થઈ સમગ્ર સુરતને સર્વાંગી વિકાસની મોટી ભેટ મળશે. નવા બ્રિજ તૈયાર, કતારગામ-અમરોલીના 10 લાખ લોકોને રાહત
ટ્રાફિકની ગંભીર સમસ્યા ધરાવતા કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતો અતિ મહત્વકાંક્ષી ‘રત્નમાલા બ્રિજ’ ત્રણ મુદ્દત બાદ આખરે જનતા માટે ખુલ્લો મુકાશે. રૂ. 32 કરોડના ખર્ચે તૈયાર આ ફ્લાયઓવર બ્રિજથી કતારગામ, અમરોલી અને આસપાસના 10 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે. આ બ્રિજની વિશેષતા એ છે કે, તેમાં બે જંકશનનો સીધો લાભ મળશે, જેથી વાહનચાલકો બ્રિજ ઉપરથી તેમજ બ્રિજ નીચેથી પણ સરળતાથી અવરજવર કરી શકશે. સાકેત બ્રિજથી કાપોદ્રા-વરાછા જોડાશે, 3 કિમીનું અંતર ઘટશે
બીજો મહત્વપૂર્ણ બ્રિજ એટલે કાપોદ્રા અને વરાછાને સીધો જોડતો ‘સાકેત બ્રિજ’. રૂ. 27.50 લાખના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 250 મીટર છે. આ નાનો પણ અત્યંત ઉપયોગી બ્રિજ શરૂ થવાથી વરાછા અને કાપોદ્રા વચ્ચે આવ-જા કરતા વાહનચાલકોને અંદાજે 3 કિલોમીટર જેટલું મુસાફરી અંતર ઘટી જશે. આ બ્રિજના કારણે દૈનિક ધોરણે મુસાફરી કરતા અંદાજે 6થી 7 લાખ નાગરિકોનો સમય અને ઈંધણ બંને બચશે. હીરા ઉદ્યોગ અને કાપડ બજાર સાથે સંકળાયેલા હજારો કારીગરો તેમજ વેપારીઓ માટે આ બ્રિજ આશીર્વાદરૂપ બનશે. કોસમાડામાં 125 કરોડના ઇસ્કોન મંદિરનો શિલાન્યાસ
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ISKCON) દ્વારા સુરતના કોસમાડા ખાતે રૂ. 125 કરોડના ખર્ચે અને 3.51 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સવારે સણિયા હેમાદ આઇકોનીક રિંગ રોડ ખાતે ‘સંપદા ફેસ્ટિવિટી હોલ’માં મુખ્યમંત્રી મંદિરના શિલાન્યાસ અને સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે અને ગીતા સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ત્યારબાદ તેઓ સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ના કાર્યક્રમમાં સુરતના અગ્રણીઓ સાથે જોડાશે. આજે BRTSના 3 રૂટ બંધ રહેશે
રવિવારે સવારથી જ BRTS રૂટ નંબર 12 (ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચર પાર્ક) તેમજ રૂટ નંબર 15AA અને 15CC (અલથાણ ડેપો લૂપ) સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત BRTS રૂટ 11 અને 23ને ખરવરનગર ફ્લાયઓવર પરથી બાયપાસ કરાશે, રૂટ 14 (અડાજણ પાટિયાથી કોસાડ) અને રૂટ 17A (અડાજણ પાટિયાથી કામરેજ) ટૂંકાવી દેવાયા છે. રૂટ નંબર 20ને ઉધના દરવાજા સુધી સીમિત કરાયો છે, જ્યારે રૂટ 13 અને 19ને જરૂરિયાત મુજબ હોલ્ડ પર રખાશે. BRTS ઉપરાંત સિટી બસના 34થી વધુ રૂટો પણ ડાયવર્ટ કે રદ કરાયા હોવાથી દૈનિક 2.5 લાખથી વધુ મુસાફરોએ અગવડ વેઠવી પડશે. સાંજ બાદ પરિવહન રાબેતા મુજબ થશે
રવિવારે બપોર સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકો અને મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીના તમામ સત્તાવાર કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસની લીલીઝંડી મળતાં જ સાંજ સુધીમાં તમામ BRTS અને સિટી બસ રૂટો રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *