અન્ડર-19 એશિયા કપની ફાઈલનમાં ગેમ ચેન્જર ઈનિંગ રમી પાકિસ્તાનને ધૂળ ચટાડનાર મોહિત ઉલ્વા રાતોરાત ચર્ચામાં આવ્યો છે. રાજકોટમાં રહેતા મોહિત ઉલ્વાના પરિવારમાં શનિવારે રાત્રે જાણે દિવાળી બાદ બીજી દિવાળી આવી હોય એવો માહોલ જોવા મળ્યો. દીકરાએ વીનીંગ ફોર મારતા જ પરિવારના સભ્યો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા. રાજકોટ RPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહિત ઉલ્વાના પિતા મહેશભાઈ ઉલ્વાએ કહ્યું કે, મારા દીકરાની 9 વર્ષની મહેનત આજે રંગ લાવી. મહત્વનું છે કે, રવીન્દ્ર જાડેજાએ જામનગરના જે ગ્રાઉન્ડ અને કોચ પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યા તે જ કોચ અને ગ્રાઉન્ડ પર મોહિત ઉલ્વાએ પણ ક્રિકેટ શીખવાની શરૂઆત કરી. પિતા અને બહેને કહ્યું- મોહિતને હજી ઘણું શીખવાનું બાકી છે. ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવાનું અમારું સપનું છે. સુરેન્દ્રનગરના લખતરમાં જન્મ, જામનગરમાં ક્રિકેટ શીખવાની શરૂઆત
ક્રિકેટના અન્ડર-19 એશિયન કપની શનિવારે 14 સપ્ટેમ્બરે ઓમાનમાં ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં રાજકોટના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના હોઠે આવેલો જીતનો પ્યાલો છીનવી લીધો. 10મા નંબરે બેટીંગ કરવા ઉતરેલા મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રન ફટકારી મેચનું પાસું પલટી નાખ્યું. મોહિત ઉલ્વા પર હાલ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત ગુજરાત અને દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 30 ડીસેમ્બર 2007ના રબારી પરિવારમાં જન્મેલા મોહિત ઉલ્વાના પિતા રાજકોટ RPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પિતા જ્યારે જામનગરમાં ફરજ બજાવતા ત્યારે મોહિતે 9 વર્ષની ઉંમરે ક્રિકેટ શીખવાની શરૂઆત કરી. રવીન્દ્ર જાડેજા જામનગરના જે ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ પરથી ક્રિકેટ શીખ્યા ત્યાં જ મોહિતે ક્રિકેટની પ્રાથમિક તાલીમ લીધે. રવીન્દ્ર જાડેજાને બાળપણમાં ક્રિકેટ શીખવનાર તેમના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે જ મોહિતને ક્રિકેટના પાઠ શીખવ્યા. મોહિત અને તેમનો પરિવાર હાલ રાજકોટમાં રહે છે. ઉલ્વા પરિવારાં જાણએ દિવાળી બાદ બીજી દિવાળી આવી
દીકરા મોહિતની ધમાકેદાર ઈનિંગ બાદ રાજકોટમાં રહેતા મોહિતના ઘર પર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. પરિવારજનોએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડી સેલિબ્રેશન કર્યું. મોહિતના પિતાએ મહેશભાઈએ કહ્યું કે, સાડા નવ વર્ષનો સંઘર્ષ, મહેનત, પીડા અને સતત પ્રેક્ટિસથી મોહિત આજે સફળ થયો છે. જેથી હું દિલથી ખુશ છું. મોહિતે જ્યારે ચોગ્ગો માર્યો અને ભારતને જીત અપાવી ત્યારે ટાંચણી પડે તો પણ અવાજ આવે એવો માહોલ હતો અને ત્યારબાદ તેને ચોગ્ગો મારતા બધા એકદમથી ખુશીથી જંપ મારીને ઊભા થઈ ગયા અને બહુ ખુશી મળી. મોહિતે જે સેલિબ્રેશન કર્યું એ તેના ચહેરા પરથી સંઘર્ષ પછીની સફળતા સ્વરૂપે જોવા મળ્યું હતું. ભારત દેશને રિપ્રેઝન્ટ કરે એવી મારી આશા છે- મોહિતના પિતા
મહેશભાઈએ વધુમાં જણાવ્યું કે, મોહિત પહેલો બોલ રમ્યો ત્યારથી જ મિડલ ઓફ ધ બેટ રમતો અને એના ચેહરા ઉપર અને બોડી લેંગ્વેજમાં કોન્ફિડન્સ દેખાતો હતો કે આજે તે મેચ ફિનિશ કરશે અને તેવું જ થયું. બોલર અને બેટ્સમેન તરીકે અંડર-19 લર્નિંગ પ્રોસેસ હોય છે. જેમાં મોહિતે પોતાને પ્રૂફ કર્યો છે અને આગળ પણ ઘણું બધું શીખવાનું બાકી છે. તે મહેનત કરતો રહે અને ભારત દેશને રિપ્રેઝન્ટ કરે એવી મારી આશા છે.મોહિતનો બોલર તરીકે રોલ મોડલ ડેલ સ્ટેન છે અને ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા છે. ‘નોકરી સિવાય જે સમય મળે તેમાં દીકરાને પ્રેકટિસ કરાવતો’
મારા ડ્યુટી અવર્સ સિવાય ચારથી પાંચ કલાક બેટિંગ મશીનથી રોજના 400થી 500 દડા પ્રેક્ટિસ કરાવતો. આગળ બસ એ જ કે મહેનત કરતો રહે અને એની સ્કીલ ડેવલપ કરે અને ભારતને રિપ્રેઝન્ટ કરે. તેમણે અંતમાં જણાવ્યું કે, તમે કોશિશ કરી શકો, કોશિશથી તમને રિઝલ્ટ મળે. મહેનત કરો તો રિઝલ્ટ અવશ્ય મળે જ. હું પણ એને મોટીવેટ કરીશ કે તે આગળ ભારત દેશ માટે ક્રિકેટ રમે. ભાઈ ક્રિકેટર બને તે માટે પિતાએ ખૂબ મહેનત કરી છે- કૃપાલી
મોહિત ઉલ્વાના નાના બહેન કૃપાલીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોહિત મારા કરતા 3 વર્ષ મોટો છે. તેને 12 પાસ કર્યું છે. અભ્યાસ અને ક્રિકેટ બંને સાથે લઈને ચાલવું ખૂબ અઘરું હતું તેમ છતાં તેને મહેનત ચાલુ રાખી. પપ્પાએ તેની પાછળ ખૂબ મહેનત અને સેક્રિફાઇસ (ત્યાગ) કર્યો છે. પરિવારના સહયોગ અને સપોર્ટથી જ આજે તે આ મુકામે પહોંચી શક્યો છે. ભવિષ્યમાં સતત સિદ્ધિઓ મેળવવી અને બેસ્ટ ક્રિકેટર બનીને ભારતનું નામ રોશન કરવાનું તેનું સ્વપ્ન છે. માતા હંસાબેને જણાવ્યું હતું કે, આજે અમારા ઘરમાં બહુ ખુશીનો માહોલ છે. અમારા ઘરે દિવાળી હોય તેવું લાગી રહ્યું છે. પુત્રને કરેલા સપોર્ટ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સતત એની પાછળ રહેવું પડે અને એટલી મહેનત કરવી પડે. તેને સવારે વહેલો ઉઠાડવો પડે પછી બપોરે અને સાંજે ડાયટ મુજબ જમવાનું આપવું પડે. સતત એની પાછળ જ રહેવું પડે. મોહિત સતત મહેનત કરતો હતો તે બે કેમ્પમાં જતો પછી આવીને તેના પપ્પા પ્રેક્ટિસ કરાવે. જેથી તે સતત પ્રેક્ટિસમાં વધારે ધ્યાન રાખે. એના પપ્પાની વધારે ઈચ્છા હતી કે મારે એને ક્રિકેટર જ બનાવવો છે. પછી એના પપ્પાએ મહેનત કરાવી અને મોહિત આગળ વધી ગયો. મોહિતે અગાઉ પણ ઇન્ડિયાની ચેલેન્જર ટ્રોફીમાં ભાગ લીધો છે. તેઓ કુચ ટ્રોફી અને વિનુ માંકડ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. ચેલેન્જર ટ્રોફી, જે ભારતના શ્રેષ્ઠ 100 ખેલાડીઓ વચ્ચે યોજાઈ હતી, તેમાં તેમણે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે તમિલનાડુ, ચંદીગઢ, નાગપુર, દિલ્હી, કોલકાતા, કેરળ, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ સહિતના સ્થળોએ ક્રિકેટ રમ્યા છે. આ સમાચાર પણ વાંચોઃ
ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી અંડર-19 એશિયા કપની આ ફાઈનલ રોમાંચના તમામ રેકોર્ડ તોડી નાખવાવાળી રહી! એક સમયે જ્યારે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી અને ભારતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, ત્યારે લોઅર ઓર્ડરમાં 10મા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ મેચનું ચિત્ર જ બદલી નાખ્યું. (ફાઈનલ મેચની પળેપળની અપડેટ વાંચો)
રબારી સમાજના કોન્સ્ટેબલના દીકરાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું:અન્ડર-19 એશિયા કપ ફાઈનલના 'ગુજરાતી હીરો' મોહિત ઉલ્વાના પિતાએ કહ્યું- 'દીકરાની 9 વર્ષની મહેનત રંગ લાવી'
📅 Published: November 14, 2026 |
📂 Category: gujarati-news
