રમતના મેદાનમાં હવે DNAની એન્ટ્રી:ગુજરાતે શરૂ કર્યો દેશનો પ્રથમ ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ પ્રોગ્રામ, રમતવીરોના DNA સેમ્પલ લેવાઈ રહ્યા છે; 5 વર્ષમાં 10 હજાર સેમ્પલનું લક્ષ્ય

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

નેશનલ સ્પોર્ટ્સ ડે (29 ઓગસ્ટ) પૂર્વે ગુજરાતે રમતગમત ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો નવો પ્રયોગ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. આ અંતર્ગત રમતવીરોના DNA સેમ્પલ લઈને તેમની આનુવંશિક, શારીરિક અને રમતગમતની કામગીરી સાથે સંકળાયેલી વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ટેનિસ ખેલાડીઓથી શરૂઆત, 2026માં 2 હજાર સેમ્પલનું લક્ષ્ય
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) મારફતે આ પહેલ હાથ ધરવામાં આવી છે. GBRCના વૈજ્ઞાનિકોએ વિવિધ રમતોના ખેલાડીઓના સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA) ના ટેનિસ ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આગામી તબક્કામાં વિજયી ભારત ફાઉન્ડેશન સાથે જોડાયેલા તીરંદાજી, ફેન્સિંગ, જુડો અને શૂટિંગના ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવશે. ચાલુ વર્ષે કુલ 2,000 સેમ્પલ એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે આગામી પાંચ વર્ષમાં કુલ 10,000 સેમ્પલનું હોલ-જિનોમ સિક્વન્સિંગ કરવાની યોજના છે. ‘રમતવીરની સફળતા માત્ર DNAથી નક્કી નહીં થાય’
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભાની ઓળખ અને વિકાસ માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે રમતવીરની કામગીરી માત્ર આનુવંશિકતા પર આધારિત નથી. તાલીમ, કોચિંગ, પોષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સહયોગ અને પર્યાવરણ જેવા પરિબળો પણ ખેલાડીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કયા ખેલાડીઓ અને રમતોનો સમાવેશ થશે? રમતની વાત કરીએ તો એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ, કુસ્તી, જુડો, તાઈક્વોન્ડો, જિમ્નાસ્ટિક્સ અને ફેન્સિંગ ઉપરાંત ફૂટબોલ, હોકી, હેન્ડબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, કબડ્ડી અને ખો-ખોનો સમાવેશ થશે. તીરંદાજી, શૂટિંગ અને ચેસ જેવી ચોકસાઈ અને કૌશલ્ય આધારિત રમતો પણ યોજનામાં સામેલ છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ચેમ્પિયન ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. DNAથી શું જાણવા મળશે?
સ્પોર્ટ્સ જીનોમિક્સમાં રમતવીરના DNAમાં રહેલી આનુવંશિક ભિન્નતાઓ અને તેની શારીરિક તથા રમતગમતની લાક્ષણિકતાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સ્નાયુઓની રચના, સહનશક્તિ, ચયાપચય, કસરત પ્રત્યે શરીરની પ્રતિક્રિયા, રિકવરી અને ઈજાની સંભાવના જેવા પાસાંનો અભ્યાસ થઈ શકે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારથીના જણાવ્યા મુજબ, પરંપરાગત રીતે ખેલાડીઓની પ્રતિભા શારીરિક માપદંડ, કોચિંગ મૂલ્યાંકન અને ટ્રાયલના પ્રદર્શનથી ઓળખવામાં આવે છે. ગુજરાતનું મોડલ તેમાં આનુવંશિક અને જૈવિક માહિતીનો ઉમેરો કરીને ખેલાડીની વધુ વ્યાપક પ્રોફાઇલ તૈયાર કરવાનો પ્રયાસ કરશે. ‘ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ’ તૈયાર થશે
આ કાર્યક્રમ હેઠળ ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ (G-AGD) તૈયાર કરવામાં આવશે. તેમાં ખેલાડીઓની આનુવંશિક માહિતી સાથે શારીરિક માપદંડ અને રમતગમતના પ્રદર્શન સંબંધિત ડેટાને એકીકૃત કરવામાં આવશે. આ ડેટાબેઝ ભવિષ્યમાં પ્રતિભા ઓળખ, સંશોધન, તાલીમ અને ખેલાડીઓની પ્રોફાઇલિંગ માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડી શકે છે. વ્યક્તિગત ટ્રેનિંગ અને ડાયટ પ્લાન બનાવવામાં મદદ મળશે
જીનોમિક માહિતીના આધારે ખેલાડીની તાલીમ, રિકવરી અને પોષણની વ્યૂહરચનાને વધુ વ્યક્તિગત બનાવવાનો પણ હેતુ છે. અલગ-અલગ ખેલાડીઓ કસરત, તાલીમના ભારણ, રિકવરી અને પોષણ પ્રત્યે અલગ પ્રતિક્રિયા આપી શકે છે. DNA ડેટાને અન્ય શારીરિક અને પ્રદર્શનના ડેટા સાથે જોડવાથી પર્સનલાઇઝ્ડ ટ્રેનિંગ અને ન્યુટ્રિશન પ્લાન તૈયાર કરવામાં મદદ મળી શકે છે. 10 હજાર સેમ્પલનું હોલ-જિનોમ સિક્વન્સિંગ
ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રતિભાશાળી રમતવીરોનું હોલ-જિનોમ સિક્વન્સિંગ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ રહેશે. આગામી પાંચ વર્ષમાં 10 હજાર સેમ્પલ લેવાનો લક્ષ્યાંક છે અને દર વર્ષે આશરે 2 હજાર સેમ્પલનું સિક્વન્સિંગ તથા વિશ્લેષણ કરવામાં આવશે. 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે મહત્વ વધ્યું
ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે ત્યારે સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમનું મહત્વ વધુ વધી જાય છે. વૈજ્ઞાનિક ડેટાના આધારે ખેલાડીઓની પ્રોફાઇલ તૈયાર કરવાથી પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ, તાલીમ અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓ માટેની તૈયારીમાં મદદ મળી શકે છે. DNA ડેટાની ગોપનીયતા સૌથી મોટો પડકાર
આનુવંશિક માહિતી અત્યંત સંવેદનશીલ હોવાથી તેની સુરક્ષા અને ગોપનીયતા પણ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમમાં ખેલાડીઓની ઓળખ સુરક્ષિત રાખવા ટુ-લેવલ બારકોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રમતવીરોની જાણકારીપૂર્વકની સંમતિ, ડેટાની સુરક્ષા, નિયંત્રિત ઍક્સેસ અને સ્પષ્ટ ગવર્નન્સ મિકેનિઝમ પણ મહત્વના રહેશે. GBRC પાસે સેમ્પલ પ્રોસેસિંગ, સિક્વન્સિંગ અને ડેટા વિશ્લેષણ માટે NovaSeq 6000, GridION, PromethION, Illumina iScan અને Illumina DRAGEN સહિતનું વૈજ્ઞાનિક માળખું ઉપલબ્ધ છે. ‘એક સ્પોર્ટ્સ જીન’થી ખેલાડી ચેમ્પિયન નહીં બને
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ એક ‘સ્પોર્ટ્સ જીન’ ખેલાડીની સફળતા નક્કી કરી શકે નહીં. રમતગમતનું પ્રદર્શન અનેક આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોનું પરિણામ છે. તેથી ગુજરાતની આ પહેલમાં DNAને ખેલાડીના સમગ્ર મૂલ્યાંકનના એક ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્યનો લાંબા ગાળાનો હેતુ સ્પોર્ટ્સ સાયન્સ અને બાયોટેક્નોલોજીને જોડીને ગુજરાતને ‘સ્પોર્ટ્સ બાયોટેક્નોલોજી ઇનોવેશન હબ’ તરીકે વિકસાવવાનો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *