ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ માટે આ નવરાત્રિ મહોત્સવ વધુ સ્વાદિષ્ટ અને યાદગાર બનવા જઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વખતની જેમ નવરાત્રિ પર્વોત્સવ નિમિત્તે રવિવાર તા. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન અઠવાલાઇન્સ ખાતે ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવેલા કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટમાં ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શહેરીજનો નવરાત્રિમાં ગરબાના તાલે ઝૂમવાની સાથે સાથે દેશભરની અવનવી સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર આનંદ માણી શકશે. 82 સ્ટોલ્સમાં 100થી વધુ વાનગીઓનો સંગમ
ખાદ્યપ્રેમીઓ માટે ફેસ્ટિવલમાં કુલ 82 જેટલા વિવિધ ફૂડ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં સુરતની લોકપ્રિય સ્થાનિક વાનગીઓ ઉપરાંત પારસી સંસ્કૃતિની ઓળખ સમાન વિશિષ્ટ વાનગી ધનસાક પીરસવામાં આવશે. આ સાથે સ્વાસ્થ્યવર્ધક મિલેટ્સ (જાડા ધાન્ય) આધારિત વાનગીઓ, માટીની સોડમ ધરાવતી કુલ્લડ ચ્હા તેમજ દેશના વિવિધ પ્રાંતોની 100થી વધુ પરંપરાગત વાનગીઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. પરિવારો સાથે ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને નાગરિકો માટે આ 82 સ્ટોલ્સ ઉત્તમ સ્વાદાનુભવનું મુખ્ય કેન્દ્ર બનશે. 12મીએ શેરી ગરબા અને 14મી ઓક્ટોબરે આંતરશાળા રાસ સ્પર્ધા યોજાશે
સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું છે. જેમાં તા. 12/10/2026ના રોજ સાંજે 7 કલાકે ‘શેરી ગરબા સ્પર્ધા’ યોજાશે, જેમાં મહિલાઓ, સામાજિક સંસ્થાઓની બહેનો તેમજ શિક્ષકવૃંદ ભાગ લઈ શકશે. આ ઉપરાંત તા. 14/10/2026ના રોજ સાંજે 7 કલાકે ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘આંતરશાળા રાસ સ્પર્ધા’ યોજાશે, જેમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.
રવિવારથી કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટમાં મનપાનો ફૂડ કાર્નિવલ:સુરતમાં રવિવારથી ભવ્ય ફૂડ ફેસ્ટિવલ, 82 સ્ટોલ્સમાં પારસી ધનસાકથી લઈ મિલેટ્સ અને કુલ્લડ ચ્હાની જમાવટ
📅 Published: October 10, 2026 |
📂 Category: gujarati-news
