રસ્તાઓ ઉપર રીક્ષાઓના આડેધડ પાર્કિંગને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્તિ કરી:કાલુપુરથી કારગીલ ચાર રસ્તા સુધી સમસ્યા, ટ્રાફિકની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તા, રખડતાં ઢોર, આડેધડ પાર્કિંગ અને બેફામ ટ્રાફિક, દબાણના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ અરજીમાં હાઇકોર્ટે શહેરના મુખ્ય ચાર રસ્તા અથવા તો સ્પોટ્સ પર રિક્ષાઓના આડેધડ ખડકલાંના કારણે થતી મોટી હેરાનગતિ અંગે ચિંતા વ્યક્તિ કરી હતી. હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરી હતી કે, કાલુપુરથી લઇને કારગીલ પેટ્રોલ પંપ સુધીના મુખ્ય સ્પોટ્સ પર જે રીતે રિક્ષાઓના ખડકલાં હોય છે અને રિક્ષાચાલકો જે રીતે પાર્કિંગ કરીને ગ્રાહકોને બોલાવતાં હોય છે એના પગલે ગમે તેટલા પહોળા રોડ બનાવવામાં આવે, હાલાકી તો ઊભીને ઊભી જ રહેવાની. તંત્ર ગમે એટલા મોટાં પ્લાન બનાવે પણ હાલ જે સ્થિતિ છે, એ જોતાં તમામ પ્લાન નિષ્ફળ થઇ જાય છે. કોટ વિસ્તારમાં ટ્રાફિકની ગીચતાની મોટી સમસ્યા
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વિવિધ જંક્શનો અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ મામલે SVNIT સુરત દ્વારા ટેકનિકલ કન્સલ્ટેશન પુરું પાડવામાં આવી રહ્યું છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોટ વિસ્તારમાં પણ ટ્રાફિકની ગીચતાની મોટી સમસ્યા છે. ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં અને રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થઇ રહ્યું હોવાથી આ એક મોટો ટાસ્ક છે. ‘આ સમસ્યાનો કાયમી સમાધાન શું છે એ જણાવો’
હાઈકોર્ટે કહ્યું હતું કે, અબજો રૂપિયા ખર્ચીને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે, પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે ઓથોરિટી ગમે તેટલા પહોળા રસ્તાઓ બનાવે તેમ છતાંય આડેધડ રિક્ષાઓના પાર્કિંગના લીધે ટ્રાફિકની ગીચતા એક મોટી સમસ્યા બની રહી છે. તેથી આ સમસ્યાનો કાયમી સમાધાન શું છે એ જણાવો. મોટાભાગના રસ્તાઓ વેન્ડર્સ ફ્રી કરવાનો ઓથોરિટીનો ઇરાદો
સરકારી વકીલે કહ્યું હતું કે, કાલુપુરથી લઇને અનેક રસ્તાઓ પર સાઇડમાં સળંગ રેલિંગ્સ લગાવવામાં આવી રહી છે. જેથી કોઇ પણ પ્રકારના લારી-ગલ્લા કે રિક્ષાને ત્યાં ઊભી રાખવાનો સવાલ જ પેદા ન થાય. મોટાભાગના રસ્તાઓ વેન્ડર્સ ફ્રી કરવાનો ઓથોરિટીનો ઇરાદો છે, જેમાં વસ્ત્રાપુર તળાવ ખાતે સારું કામ થયું છે. અનેક રસ્તાઓ પર પીક અવર્સમાં ભયંકર ટ્રાફિક
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, શહેરના અનેક રસ્તાઓ પર પીક અવર્સમાં ભયંકર ટ્રાફિક હોય છે. ત્યારે એ કઇ રીતે જાણી શકાય કે આ રસ્તા પર ટ્રાફિક હોવાથી અન્ય વૈકલ્પિક રસ્તો લઇ શકાય. કોર્ટે એવી ટકોર કરી હતી કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઓથોરિટી જોડે એવી માહિતી હોય છે કે શહેરના કયા રસ્તા પર કેટલો ટ્રાફિક થઇ ગયો છે અને એ રીતે તેઓ ટ્રાફિક પોલીસને મોકલતી હોય છે. તો શું આ ડેટા વાહનચાલકોને મળી શકે એવી કોઇ ટેકનોલોજી વિકસાવી શકાય કે કેમ? ગુગલ મેપ પર તો ટ્રાફિક બતાવતો હોય છે, પરંતુ જો આવી કોઇ સિસ્ટમ બનાવવામાં આવે તો ટ્રાફિકની ગીચતા ઓછી કરી શકાય.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *