આજે 26 ઓગસ્ટ ‘વર્લ્ડ ડોગ ડે’ ના નિમિત્તે કચ્છના વેરાન રણમાંથી 2,000 જેટલા રખડતા અને નિરાધાર શ્વાનોને બચાવીને માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરનાર રાજકુમારી દુબેની સંવેદનશીલ સફર પ્રેરણા આપનારી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર સાથે દૂરનો કૌટુંબિક નાતો ધરાવતા રાજકુમારીબેન તથા તેમના પતિ અમિતકુમાર પટેલે વર્ષ 2016 માં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા (પાટડી) તાલુકાના ઓડુ ગામને પોતાની કર્મભૂમિ બનાવી હતી. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સીઝન પૂરી થાય ત્યારે રણમાં ખોરાક અને પાણીના અભાવે અટવાઈ જતા અબોલ જીવો માટે આ દંપતી છેલ્લા 10 વર્ષથી સતત ભગીરથ રેસ્ક્યુ અભિયાન ચલાવી રહ્યું છે. સ્થાનિક સેવાભાવી યુવાનો અને સરપંચ ભગાભાઈના સહયોગથી રોજના ₹4,000 થી ₹5,000 ના ખર્ચે ચાલતો આ માનવતાવાદી સેવાયજ્ઞ આગામી એક મહિનાથી વધુ સમય સુધી તેજ ગતિએ ચાલુ રહેવાનો છે. રણમાં ઘાયલ ગલુડિયાને જોઈ સેવાયજ્ઞની શરૂઆત થઈ રાજકુમારીબેનના આ સેવાયજ્ઞની શરૂઆત વર્ષ 2016 માં થઈ હતી. ગામમાં એક નાનું ગલુડિયું ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. તેના પગ પર ગંભીર ઈજા હતી અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે રણ વિસ્તારના મીઠાના અગરમાંથી આવ્યું છે અને તેના બાકીના પરિવારના જીવો હજુ પણ રણમાં અટવાયેલા છે. આ ઘટનાથી દ્રવિત થઈને તેમણે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે રણમાં કાળઝાળ ગરમી, ખોરાક અને પાણીના અભાવે કૂતરાઓ વધુ સમય જીવી શકતા નથી. મૂળ નડિયાદ સાથે સાસરીનો સંબંધ ધરાવતા આ મહિલાએ પોતાના પતિ સાથે ઓડુ ગામમાં 4 વીઘા જમીન ખરીદી અને વેટરનરી સુવિધાના અભાવ વચ્ચે પોતે જ બિમાર તથા ઘાયલ શ્વાનોની પ્રાથમિક સારવાર કરતા પણ શીખી ગયા. અગરિયા અને શ્વાનો વચ્ચેનો અનોખો માનવીય સંબંધ કચ્છના રણમાં વર્ષના 8 મહિના સુધી કડક મજૂરી કરીને મીઠું પકવતા અગરિયાઓ સાથે રહેતા શ્વાનો તેમની અને તેમના સામાનની અદભુત વફાદારીથી રક્ષા કરે છે. અગરિયાઓ પણ આ અબોલ જીવો પ્રત્યે વિશેષ લાગણી રાખે છે. તેઓ આખું વર્ષ પોતાના ઝૂંપડા પર રોટલા સૂકવે છે અને સીઝન પૂરી થતાં ગામ તરફ પાછા ફરતી વખતે એ સૂકા રોટલા જમીનમાં દાટીને આવે છે. રણમાં એકલા રહી ગયેલા શ્વાનો જમીનમાંથી રોટલા કાઢીને ખાય છે અને નવી સીઝન સુધી અગરિયાના દાટેલા સામાનની રખવાળી કરે છે. છતાં પણ દર વર્ષે 500 થી 700 જેટલા શ્વાનો રણમાં અટવાઈ જાય છે, જેમાંથી રાજકુમારીબેન અને તેમની ટીમ દર વર્ષે 200 થી 250 શ્વાનોને સુરક્ષિત બહાર લાવે છે. બચાવેલા શ્વાનોનું સુનિશ્ચિત અને વ્યવસ્થિત પુનર્વસન કરાય છે સામાન્ય રીતે માણસો કરતા કૂતરાઓને 5 ગણી વધુ ગરમી લાગતી હોય છે, તેથી રણની વિષમ પરિસ્થિતિમાં રેસ્ક્યુ દરમિયાન પિંજરામાં માત્ર પાણી મૂકતાં જ તરસ્યા શ્વાનો દોડી આવે છે. રણમાંથી રોજના 10 થી 15 શ્વાનોને ભાડે ગાડી કરીને સુરક્ષિત રીતે ઓડુ લાવવામાં આવે છે. આ શ્વાનોને સીધા કોઈ એક જ ગામમાં છોડવાને બદલે ઝીંઝુવાડા, કુડા, માલવણ, બજાણા અને પાટડી જેવા આજુબાજુના ગામોના તળાવ કિનારે 10-10 ના જૂથમાં મુક્ત કરાય છે. પ્રાદેશિક વર્ચસ્વના કારણે સ્થાનિક શ્વાનો સાથે લડાઈ ન થાય તે માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેથી 15 દિવસમાં તેઓ ધીમે ધીમે નવા ગામના વાતાવરણમાં ભળી જાય છે. અબોલ જીવો માટે હોસ્પિટલ અને જાગૃતિ જરૂરી સુપ્રીમ કોર્ટ દ્વારા આક્રમક શ્વાનો અંગે લેવાયેલા આકરા નિર્ણયો સામે અસંમતિ દર્શાવતા રાજકુમારી દુબે જણાવે છે કે કોઈ પણ શ્વાન જન્મથી આક્રમક હોતો નથી, પરંતુ માનવીય વર્તણૂક જ તેમને એવી બનાવે છે. જો તેમને એક બિસ્કિટ પણ આપવામાં આવે તો તે આજીવન મિત્ર બની જાય છે. શાળાના બાળકોમાં પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તથા બોન્ડિંગ કેળવાય તેવું શિક્ષણ આપવું અનિવાર્ય છે. વિરમગામ સુધી ક્યાંય યોગ્ય વેટરનરી હોસ્પિટલ ન હોવાથી તેમણે આણંદ કે અમદાવાદ જવું પડે છે, તેથી દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા અબોલ જીવો માટે યોગ્ય દવાખાના અને સારવારની સુવિધાઓ ઊભી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
રાજકુમારી દુબે; કચ્છના રણમાં શ્વાનોની માતા:ઓડુ ગામથી અબોલ જીવોનો સેવાયજ્ઞ શરૂ થયો; 2000 શ્વાન બચાવ્યા; અગરિયાઓ પણ શ્વાનો માટે રોટલા જમીનમાં દાટે છે
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
