રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં લોકો ઉમટ્યા:સિંહ-વાઘ અને રંગબેરંગી પક્ષીઓ જોવા 5 દિવસમાં 50 હજારથી વધુ મુલાકાત લેશે, પ્રવાસીઓએ કહ્યું – અહીંનું કુદરતી વાતાવરણ અને ઘટાદાર વૃક્ષોનો છાંયો અદ્ભૂત છે

📅 Published: November 12, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં દિવાળીના તહેવારો દરમિયાન બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો રજાઓનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ લોકો માટે આકર્ષણનું મુખ્ય અને સૌથી લોકપ્રિય કેન્દ્ર બન્યું છે. રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સગા-સંબંધીઓ સાથે અહીં ફરવા માટે પહોંચી રહ્યા છે. માત્ર રાજકોટ શહેર જ નહીં પરંતુ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવી રહ્યા છે. પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર અવનવા વન્યજીવો અને પ્રાણીઓ મુલાકાતીઓમાં ભારે કુતુહલ જગાવી રહ્યા છે. આ ઝૂમાં સિંહ, વાઘ, મગર, વાંદરા અને વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વન્યજીવોને નજીકથી નિહાળવાનો રોમાંચ મેળવવા માટે નાના બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા પણ મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી લોકો સુરક્ષિત રીતે પ્રકૃતિ અને વન્યજીવોનો આનંદ માણી શકે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓની ભીડનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે બેસતા વર્ષે એક જ દિવસમાં આશરે 15,000 જેટલા લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લીધી હતી. તેમજ ગઈકાલે ભાઈબીજનાં પર્વે પણ 10,000 કરતા વધુ લોકો ઝૂ નિહાળવા પહોંચ્યા હતા. આજે પન્નસવારથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અને ટિકિટ બારીઓ તથા અંદરના પરિસરમાં માનવમેળા જેવા દ્રશ્યો સર્જાયા છે. એક અંદાજ મુજબ, દિવાળીની આ પાંચ દિવસની રજાઓ દરમિયાન કુલ 50,000થી વધુ લોકો પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લેશે. આ અંગે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવેલા સ્વાતિબેન અમૃતિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, બહુ સરસ મજા આવી છે, તડકો છે પણ ઝાડવાનો છાયો એટલો ઘાટો છે કે ક્યાંય વાંધો નથી આવતો અને બધા પ્રાણીઓને જોઈને ખૂબ મજા આવે છે. અમે વેકેશન એન્જોય કરી રહ્યા છીએ અને દિવાળીનું વેકેશન હોવાથી અમે બે-ત્રણ વાર વિઝિટ કરી ગયા છીએ. આ રાજકોટનું એક સુંદર નજરાણું અને જોવાલાયક સ્થળ છે. અહીં કુદરતી વાતાવરણ અને ઘટાદાર વૃક્ષોનો છાંયો મુલાકાતીઓને આરામદાયક અનુભવ કરાવે છે. ઉપરાંત, બહારગામથી આવેલા અન્ય એક મુલાકાતી તૃપ્તિ કલાવડિયાએ જણાવ્યું હતું કે, અમે બારડોલીથી આવ્યા છીએ અને રાજકોટ અમારું હોમ ટાઉન છે. અમે અહીં પ્રદ્યુમન પાર્કમાં ફરવા માટે આવ્યા છીએ, અમારે બે વર્ષના બાળકો છે અને અમે પહેલીવાર તેઓને ઝૂનો એક્સપિરિયન્સ કરાવી રહ્યા છીએ. બાળકોને અહીં ફરવાની ખૂબ મજા આવી છે અને નાના બાળકોને લઈને અહીં આવવું ખૂબ જ સરસ છે. અમે અહીં મગર, અલગ-અલગ પ્રકારના પક્ષીઓ, સિંહ અને વાઘ જોયા છે અને ખૂબ જ અલગ અનુભવ કર્યો છે, હજી અમારે આગળની વિઝિટ કરવાનું બાકી છે જે અમે આગળ જઈને કરીશું. ઉલ્લેખનીય છે કે, દિવાળી વેકેશનના આ દિવસોમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ માત્ર મનોરંજનનું સ્થળ બની નથી રહ્યું, પરંતુ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ સાબિત થઈ રહ્યું છે. વન્યજીવો પ્રત્યે જાગૃતિ અને બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધારવા માટે આ સ્થળ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં પણ રજાના દિવસો બાકી હોય ઝૂની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ જેવા અન્ય સ્થળોએ જનારા મુલાકાતીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *