રાજકોટ જિલ્લાના મેટોડા GIDC વિસ્તારમાં આવેલા પરાગ ગૃહ ઉદ્યોગ નામની ફેકટરીમાં મોડીરાત્રે આગની ઘટના સામે આવી છે. ફેક્ટરીની અંદર રહેલા લાકડાના ભૂસામાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તાકાત અને ઝડપ સાથે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફેક્ટરીની અંદર લાકડાનું ભૂસું મોડા પ્રમાણમાં ભરેલું હોવાના કારણે આગ વધુ પ્રસરી રહી હતી, જેના કારણે ફાયર જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર દુર્ઘટના અંગે વિગતવાર માહિતી આપતા લિડિંગ ફાયરમેન તિવારીજીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મેટોડા સ્થિત પરાગ ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અંગેની જાણ થતાં જ અમારી ટીમો બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ આગ લાકડાના ભૂસામાં લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે અમારી ટીમ દ્વારા સમયસર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લેવામાં આવતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થયાના અહેવાલ નથી, જેના કારણે ફેક્ટરી સંચાલકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ફેક્ટરીની અંદર લાગેલી આ આગના કારણે લાકડાનું ભૂસું અને અન્ય સાધન-સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના તબક્કે ફેક્ટરીમાં આગ કયા ચોક્કસ કારણોસર લાગી હતી તેની કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ અહીં વેફર બનાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું સચોટ કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટના મેટોડા GIDCમાં આગની ઘટના:પરાગ ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં લાકડાના ભૂસામાં અચાનક આગ ભભૂકી, ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
