રાજકોટ જિલ્લામાંથી વધુ એક ગાંજાની ખેતી ઝડપાઈ છે જેમાં વીંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા ખેડૂત સવશી મીઠાપરાએ આર્થિક ભીંસ દૂર કરવા માટે 5 વીઘા જમીન પર તુવેર અને મકાઈની આડમાં ગાંજાનું વાવેતર કરી દીધું હતું. ગ્રામ્ય SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા 250 જેટલાં ગાંજાના છોડ મળી આવ્યા હતા જેનો વજન 700 કિલોથી વધુ હોવાનું સામે આવતા પોલીસે FSL તેમજ સરકારી પંચોને સાથે રાખી રૂ. 3.52 કરોડથી વધુ કિંમતના ગાંજાના જથ્થા સાથે આરોપી ખેડૂતની ધરપકડ કરી બીજ ક્યાંથી લાવ્યો હતો અને ગાંજો કોને કોને વહેંચતો હતો એ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય SOG ટીમને ચોક્કસ બાતમી મસલી હતી કે વીંછીયા તાલુકાના છાસીયા ગામે ઝરડા સિમ વિસ્તારમાં ખેડૂત સવશી મીઠાપરાએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા તુવેર અને મકાઈની આડમાં વાવેતર કરેલા સૂકા લીલા 250 જેટલાં છોડ મળી આવ્યા હતા જે ગાંજાના છોડ હોવાનું FSL તપાસમાં સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા 3.52 કરોડથી વધુ કિંમતનો 705.490 કિલોગ્રામ ગાંજા સાથે આરોપી ખેડૂત સવશી મીઠાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી ખેડૂત દ્વારા ચાલુ વર્ષથી આ ગાંજાની ખેતી શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી ગાંજાનું બીજ ક્યાંથી લાવ્યો હોવાનું તેમજ કોને કોને ગાંજો વેચાણ કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જસદણ અને વીંછીયા વિસ્તારમાં અગાઉ પણ ગાંજાની ખેતી ઝડપાઈ ચુકી હોવાથી પોલીસ દ્વારા ખેતરો ચેક કરવા માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં NDPSના 45 કેસ નોંધાયા ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ચકુ વર્ષે તા. 1.01.2026થી શરૂ કરી આજ રોજ તા.18.11.2026 સુધીમાં કુલ 45 કેસ NDPS એક્ટ હેઠળ કરવામાં આવ્યા છે. જો કે આરોપી ખેડૂતની પૂછપરછમાં શું નવા ખુલ્લાસાઓ થશે તે જોવું મહત્વનું રહેશે.
રાજકોટના વીંછીયામાંથી ઝડપાઈ ગાંજાની ખેતી:ખેડૂતે આર્થિક ભીંસ દૂર કરવા છાસિયા ગામે 5 વીઘા જમીન પર તુવેર અને મકાઈની આડમાં રૂ.3.52 કરોડનો 700 કિલોથી વધુ ગાંજો વાવ્યો'તો
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
