શહેરના કાલાવડ રોડ પર 20 વર્ષ જૂના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલમાં રાજકોટમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજના 4000થી વધુ સામાન્ય નાગરિકો, બાળકો અને તાલીમાર્થીઓ માટે ન્યૂ રાજકોટના એકમાત્ર મોટા સ્નાનાગારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્વિમિંગ પૂલની અંદર અને બહાર તૂટેલી ટાઇલ્સોને કારણે તરવૈયાઓ અને અંડરવૉટર પ્રેક્ટિસ કરતા બાળકો વારંવાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેમાં તાજેતરમાં જ એક યુવાનને ટાઇલ્સ વાગતાં પગના ભાગે ઊંડો ઘા પડી જતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપતા આખરે દિવ્ય ભાસ્કરની ટીમે આ સ્વિમિંગ પૂલની મુલાકાત લીધી હતી. જેમાં તંત્રની ઘોર બેદરકારી અને સડો પામેલી વ્યવસ્થાનું વરવું ચિત્ર સામે આવ્યું હતું. સ્વિમિંગ પૂલની ખરાબ હાલતની તસવીર તૂટેલી ટાઇલ્સ વચ્ચે ડાઇવ મારવા તરવૈયા મજબૂર
મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ પરિસરમાં ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે પોલીસ જવાનો અને અન્ય સભ્યો સ્વિમિંગ કરી રહ્યા હતા. યુવાનો માટેના મુખ્ય સ્વિમિંગ પૂલની અંદરની દીવાલો તેમજ બહારના વોક-વે પરની ટાઇલ્સો તૂટેલી અને ઉખડેલી જોવા મળી હતી. તંત્ર દ્વારા આ ટાઇલ્સ બદલવાને બદલે માત્ર સિમેન્ટના ગાબડા પૂરી કામચલાઉ રિપેરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્વિમિંગ કરતા એક યુવાનને તૂટેલી ટાઇલ્સની ધાર વગતાં પગના ભાગે ઊંડો ઘા પડી ગયો હતો અને લોહીલુહાણ થતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત કોઇને કોઈ સભ્ય કે તાલીમાર્થીને હાથ અથવા પગમાં આવી ગંભીર ઈજાઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોનું પૂલ જર્જરિત, બાથરૂમના દરવાજા સડી ગયા
તો બીજી તરફ બાળકો માટેનો સ્વિમિંગ પૂલ પણ અત્યંત જર્જરિત અને ભયજનક બની ગયો છે. જેના કારણે રમતા-રમતા કૂદકો મારતા બાળકોને ઈજા થવાના બનાવો બને છે. સ્નાનાગરની અંદર આવેલા ચેન્જિંગ રૂમ અને બાથરૂમની સ્થિતિ તો વધુ દયનીય છે. બાથરૂમના મોટાભાગના લાકડાના દરવાજા સતત ભેજ અને પાણીના કારણે સડી ગયા છે. આ ઉપરાંત અંદર ફીટ કરવામાં આવેલા નળ બગડી ગયા હોવાથી સતત પાણી ટપકતું રહે છે. દરરોજ 4,000 લોકો ઉપયોગ કરે છે છતાં સુવિધા નહીં: હિતેષ વ્યાસ
ત્રણ વર્ષથી સ્વિમિંગ કરતા હિતેષ વ્યાસે જણાવ્યું હતું કે, પૂલમાં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ વર્તાઈ રહ્યો છે. અંદરની ટાઇલ્સ ઠેર-ઠેરથી તૂટી ગઈ છે, જેના કારણે સ્વિમર્સને ઈજા થવાનું જોખમ છે. ચેન્જિંગ રૂમ અને બાથરૂમના દરવાજા તૂટેલા છે. પાણીના નળ ખરાબ છે. દરરોજ 4,000 જેટલા લોકો ઉપયોગ કરે છે. સમગ્ર મામલે રજૂઆત કરવા ગયા ત્યારે ડે. કમિશનર હર્ષદ પટેલે અયોગ્ય વર્તન કર્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. પૂલનું વહેલી તકે યોગ્ય રિનોવેશન કરવામાં આવે: કમલેશ પાણખાણીયા
કમલેશ પાણખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અહીં સ્વિમિંગ કરવા આવું છું. આ સ્વિમિંગ પૂલ 2006માં બન્યો હતો અને તેને 20 વર્ષ પૂરા થવા આવ્યા છે. અહીં નાના-મોટા સુધારા કે સમારકામ કરવામાં આવે છે, પરંતુ સ્વિમિંગ પૂલનું યોગ્ય અને સંપૂર્ણ રિનોવેશન કરાતું નથી. યોગ્ય કામગીરી ન થવાથી પ્રજાના નાણાંનો વ્યય થાય છે. તાજેતરમાં જ એક બાળકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. નેશનલ લેવલની પ્રેક્ટિસ કરતા બાળકો અને લોકોની સુરક્ષાને લઈ તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય અને વ્યવસ્થિત રિનોવેશન કરવામાં આવે તેવી અમારી માંગણી છે. પ્રાથમિક તબક્કે સ્વિમિંગ પૂલને બંધ કરી દેવાશે: મેયર
આ મામલે મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ફરિયાદો મળતા સંબંધિત અધિકારી (કન્સર્ન ઓફિસર)ને સ્થળ પર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જો સુરક્ષાના કારણોસર જરૂર જણાશે તો પ્રાથમિક તબક્કે સ્વિમિંગ પૂલને જનતા માટે બંધ કરી દેવામાં આવશે. રેસકોર્સના સ્વિમિંગ પૂલનું લાખોના ખર્ચે બે-બે વખત હાઈટેક રિનોવેશન
ઉલ્લેખનીય છે કે, આક્રોશ સાથે સભ્યોએ જણાવ્યું હતું કે, રેસકોર્સના સ્વિમિંગ પૂલનું છેલ્લા 10 વર્ષના ટૂંકા ગાળામાં બે-બે વખત લાખોના ખર્ચે હાઈટેક રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યાં મોટા અધિકારીઓ, રાજકારણીઓ અને વીઆઇપી લોકો સ્વિમિંગ કરવા આવતા હોવાથી તંત્ર પાસે બજેટ અને નાણાંની તાત્કાલિક સગવળ થઈ જાય છે, જ્યારે અહીં સમાન્ય અને મધ્યમ વર્ગના લોકો આવતા હોવાથી તંત્ર નાણાં નથી તેવું બહાનું બતાવી રહ્યું છે.
રાજકોટનું મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર જર્જરિત:સ્વિમિંગ પૂલની અંદર-બહાર તૂટેલી ટાઇલ્સો, બાથરૂમના દરવાજા સડી ગયા તો નળ ખરાબ; 4000 થી વધુ તરવૈયાઓને હાલાકી
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
