રાજકોટમાં જિલ્લા કોંગ્રેસની બેઠક:કોળી અગ્રણી અવચર નાકિયાનો હુંકાર- 'કોંગ્રેસ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયા કે તેમના પુત્ર ડો. મનીષ બાવળિયાને ભરી પીશું'

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

આગામી 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકીય અને આર્થિક પાટનગર ગણાતા રાજકોટની નાગર બોર્ડિંગમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ ટ્રેનિંગ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જસદણ વિસ્તારના કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અવચર નાકિયાએ સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયા કે તેમના પુત્ર ડો. મનીષ બાવળિયાને ભરી પીશું’. જોકે આ જિલ્લા કોંગ્રેસનો ચૂંટણીલક્ષી પ્રથમ કાર્યક્રમ હોવા છતાં હોદ્દેદારોની પાંખી હાજરીને લઈને ખુરશીઓ ખાલી જોવા મળી હતી. અવચર નાકિયાએ કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપ પર આકરા પ્રહારો કરતું મોટું નિવેદન આપ્યું હતું.
અને સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાને હોય, પરંતુ અંતિમ નિર્ણય પક્ષ નક્કી કરતો હોય છે. જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયાને ભરી પીશું. જસદણ-વિંછીયા (72 વિધાનસભા) બેઠક પર 2027માં કોંગ્રેસની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ત્યાંની પ્રજાએ હવે ભાજપને હરાવવા અને કોંગ્રેસને લાવવાનું નક્કી કરી લીધું છે. કુંવરજી બાવળિયાના પુત્ર ડો. મનીષ બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાને લઈને પણ અવચર નાકિયાએ સીધો પડકાર ફેંક્યો હતો. અને આ અંગે જણાવ્યું હતું કે, કુંવરજીભાઈ પોતાના દીકરાને મેદાનમાં ઉતારે કે બીજા કોઈ પણને ઉતારે, અમે તેમને ભરી પીશું. અગાઉ તેમણે દીકરી ભાવનાબેનને અજમાવી લીધા બાદ ખબર પડી ગઈ છે કે ઘરે-ઘરે ટિકિટ ન રખાય. સ્થાનિક પ્રજા માને છે કે જો તેમના ઘરમાં કોઈને ટિકિટ અપાશે તો મતદાન થશે નહીં. તેમના દીકરાની વાત ચાલતી હોય તો એકવાર મેદાનમાં ઉતારીને જુએ તો ખબર પડે કે કેટલા વોટ મળે છે. ભ્રષ્ટાચાર અને શાસન મુદ્દે કુંવરજીભાઈ બાવળિયા પર નિશાન સાધતા નાકિયાએ કહ્યું હતું કે, કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગુજરાતમાં તેમજ જસદણ અને વિંછીયામાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હતા અને રસ્તા, ગટર, પુલિયા કે નાળિયા અંગે કાગળ લખતા હતા, પરંતુ આજે તેઓ ભાજપમાં ગયા છે તો તેમને કોઈ ભ્રષ્ટાચાર દેખાતો નથી અને હવે તેઓ અવાજ ઉઠાવતા નથી. જસદણની જનતા આ બધું જાણે છે. ભાજપ પર રૂપિયાના જોરે અને ખોટું બોલીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવતા તેમણે દાવો કર્યો કે, મતદારો હવે ભાજપથી કંટાળી ગયા છે અને 2027માં હાર-જીતની કોઈ મોટી લડાઈ નથી, જે સામે આવશે તેને હરાવીશું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓ માટે એક વર્ષ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજના સમયના યુવા એટલે કે ખાસ કરીને ‘Gen-Z’ મતદારોને પક્ષ તરફ આકર્ષવા અને રીઝવવા માટે શું કરવું જોઈએ, તે અંગે પણ આ બેઠકમાં ખાસ આયોજન અને રણનીતિ ઘડવામાં આવી છે. કાર્યકરોને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના શાસનની ખામીઓ તથા અરાજકતાને સામાન્ય લોકો સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવી તેની સઘન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ રાજકોટ શહેર કે જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી અને ગત વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી ન હતી. આ પરિસ્થિતિ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ નિખાલસપણે સ્વીકાર્યું હતું કે, અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને કોઈ બેઠક ન મળવામાં ક્યાંક ને ક્યાંક અમારી પોતાની પણ ખામીઓ અને ભૂલો રહી છે. હવે આગામી ચૂંટણીમાં આ ભૂલોનું પુનરાવર્તન ન થાય અને જૂની ભૂલોને સુધારી શકાય તેવા નક્કર પ્રયાસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ચૂંટણીલક્ષી આ અત્યંત મહત્વની બેઠકમાં પણ રાજકોટ જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારોની પાંખી હાજરીને પગલે સભાખંડમાં ખાલી ખુરશીઓ જોવા મળી હતી. પ્રદેશ કોંગ્રેસના આગેવાન રમેશભાઈ સીલુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ ટ્રેનિંગ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખો, તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ સેક્ટર અને મંડળના પ્રમુખોને બૂથ સ્તરથી લઈને સ્થાનિક પ્રશ્નો અંગે કેવી રીતે કામ કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *