રાજકોટ LCB ઝોન 2 ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જીવંતિકાનગર મેઇન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્ર પાસે બ્લુ રંગનું એક્ટિવા લઈને બે મહિલાઓ ચોરીના દાગીના વેચવાની પેરવી કરી રહી છે. આ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસને સાથે રાખી દરોડો પાડી બંને મહિલાઓને ઝડપી પાડી તપાસ કરતા તેમની પાસેથી 11 ગ્રામ 090 મિલિગ્રામ વજનનો ચોરાયેલો સોનાનો ચેઇન તથા ગુનામાં વપરાયેલ એક્ટિવા મળી કુલ રૂ.2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પુછપરછમાં મહિલાઓની ઓળખ નિકીતા અલ્પેશભાઈ સાવલીયા અને વૈશાલીબેન દેવનભાઈ કાચા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બંને આરોપી માતા પુત્રી ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં નિકીતા સામે રાજકોટ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં ચોરી, પ્રોહિબિશન અને જુગાર સહિત 14 ગુના નોંધાયેલા છે જ્યારે વૈશાલીબેન સામે ઉના, બોટાદ, સુરત અને રાજુલામાં ચોરીના 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં બંધ મકાનમાંથી રૂ.2.99 લાખની ચોરી
કાલાવાડ રોડ પર વી.વી.પી. કોલેજ સામે આવેલા વિરડા વાજડી ગામના મફતીયાપરા વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અતુલભાઈ ભરતભાઈ પરમારના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો રૂ. 2,99,800ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય ઘરવખરી ચોરી કરી પલાયન થઈ ગયા છે. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનો ઘર બંધ કરીને મોરબી રોડ પર આવેલ ગણેશનગર ખાતે કાકાના ઘરે ગયા હતા દરમિયાન તસ્કરો ઘરમાં ઘુસી કબાટના લોકરમાં રાખેલી 4 ગ્રામની સોનાની બુટી, 500 ગ્રામ વજન ધરાવતી ચાંદીની બે વાટકીઓ તથા બે ચમચી, 7.25 ગ્રામનો સોનાનો ચેઈન અને રૂ.62,000 રોકડ રકમ ચોરી ગયા હતા. 175 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઇ
ગાંધીગ્રામ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર હાઇવે પર જામવાડીની ફોલ્ડીંગ દિવાલ પાસેના ક્વાર્ટરમાં રહેતી ગીતા અરવિંદભાઈ મકવાણા પોતાના મકાનમાં ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો સંગ્રહિત કરીને તેની નાની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગીતાના મકાન પર દરોડો પાડી તલાશી લેતા રૂમમાં કુલ રૂ.8750 કિંમતનો 175 ગ્રામ ગાંજો મળી આવતા મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકના પુત્રોનો આરોપીના પરિવાર પર હીંચકારો હુમલો
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલ પી.ડી.એમ. ફાટક સામેના નારાયણનગર મફતિયાપરા વિસ્તારમાં જૂની હત્યાની અદાવતને લઈને જૂથ અથડામણ અને જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. વર્ષ 2024માં થયેલી એક હત્યાનો ખાર રાખીને પાંચ શખ્સોની ગેરકાયદે મંડળી દ્વારા મહિલાઓ પર તલવાર, ધારિયા અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઘટનામાં ચાર જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘવાઈ છે જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અર્જુન સુરેશભાઈ સોલંકી, વિકિ સુરેશભાઈ સોલંકી, ધ્રુવ પ્રવીણભાઈ સોલંકી, ભાદા દુલા સોલંકી અને મુકેશ ભાદાભાઈ સોલંકી નામના પાંચ શખસો હથિયારો સાથે સ્થળ પર ધસી આવ્યા હતા અને મહિલાઓ સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યા બાદ અર્જુન સોલંકીએ તલવાર વડે મંજુબેન પર માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંજુબેને પોતાનો બચાવ કરવા આડો હાથ ધરી દેતા તેમની ડાબા હાથની આંગળી પર તલવાર વાગતા ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.
રાજકોટમાં બંધ મકાનમાંથી રૂ.2.99 લાખની ચોરી:મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી કરનાર કુખ્યાત માતા-પુત્રીની ધરપકડ
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
