રાજકોટમાં 6 પ્રાથમિક શાળાનું આધુનિકીકરણ:ડૉ.એની બેસન્ટ, બાવાજીરાવ, અકબરી શાળાને નવા રંગરૂપ અપાયા : મહાત્મા ગાંધી, ડૉ.હેડગેવાર, શિવ શક્તિ શાળાનું બાંધકામ ચાલુ

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવી સ્કૂલોના બિલ્ડિંગો બનાવવાનું જેટ ગતિએ કામ ચાલી રહ્યું છે. જેમાં હવે 6 નવી પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ભક્તિનગર સર્કલ પાસેની ડૉ. એની બેસન્ટ સ્કૂલ, રૈયાનાકા ટાવર પાસેની બાવાજીરાવ શાળા અને અકબરી પ્રાથમિક શાળા સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે જ્યારે રાષ્ટ્રીય શાળા પાસે આવેલી મહાત્મા ગાંધી સ્કૂલ, બજરંગવાડીમાં ડૉ. હેડગેવાર શાળા અને યુનિવર્સિટી રોડ પરની શિવ શક્તિ શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે જે આગામી આઠ મહિનામાં લોકાર્પિત થઈ જશે. વિદ્યાર્થીઓ માટે હવા ઉજાસવાળા ક્લાસરૂમની સાથે રમત ગમતનું મેદાન અને મધ્યાન ભોજનના શેડ સાથેની આધુનિક સરકારી સ્કૂલનું નિર્માણ થશે. તેનાથી સરકારી શાળા પ્રત્યેનું વિદ્યાર્થીઓનું આકર્ષણ વધશે અને અહીં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય શાળા પાસે આવેલું મહાત્મા ગાંધી સ્કૂલ કે જે શાળા નંબર 11 તરીકે ઓળખાય છે તેનું નવીનીકરણ થઈ રહ્યું છે. આગામી ત્રણથી ચાર માસમાં તેનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય બજરંગવાડી વિસ્તારમાં આવેલી શાળા નંબર 74 જે ડૉ. હેડગેવાર પ્રાથમિક શાળા છે. જેનું પણ બાંધકામ હાલ ચાલુ છે. જે આગામી 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો ખૂબ જ જૂની અથવા તો જર્જરિત થઈ ગઈ હોય તો બાળકોને નવ વાતાવરણ અને નવી સ્કૂલ મળી રહે અને ખાનગી શાળાઓમાં જે સુવિધાઓ હોય છે તે જ પ્રકારની સુવિધાઓ સરકારી શાળાઓમાં પણ પ્રાપ્ત થાય તે માટેના અમારા પ્રયાસો છે. જેથી રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી પણ શાળાઓનું નિર્માણ થતું હોય છે. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી ડૉ.એની બેસન્ટ પ્રાથમિક શાળા સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. જે શાળા નંબર 26 છે. આગામી દિવસોમાં તેનું લોકાર્પણ થવાનું છે. આ ઉપરાંત રૈયા નાકા ટાવર પાસે બાવાજીરાવ પ્રાથમિક શાળા જે વર્ષોની સ્કૂલ હતી તેને પણ નવા રંગ રૂપ આપી દેવાયા છે અને આગામી સમયમાં આ સ્કૂલનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરના યુનિવર્સિટી રોડ ઉપર શિવ શક્તિ પ્રાથમિક શાળા આવેલી છે. અમૃત ઘાયલ હોલની પાસે કોર્પોરેશન દ્વારા જે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે ત્યાં આ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે. આગામી 6 માસમાં તેનું પણ કામ પૂર્ણ થઈ જવાનું છે. આ ઉપરાંત શાળા નંબર 47 અકબરી પ્રાથમિક શાળાનું કામ પણ છ થી આઠ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ રીતે નવી સ્કૂલો આધુનિક બને તે માટેના પ્રયાસો છે જેમાં 20/20 ના ઓરડા આવેલા છે. હવા ઉજાસવાડા રૂમના કારણે બાળકો સારી રીતે અભ્યાસ કરી શકશે. જેમાં એક રૂમમાં 4 પંખા નાખવામાં આવે છે અને લોબીમાં પણ પંખા હોય છે. આ ઉપરાંત પ્રાર્થના હોલ પણ હોય છે અને મધ્યાન ભોજન યોજના માટેનું શેડ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત રમત ગમતનું મેદાન પણ બનાવી આપવામાં આવે છે. 3 નવી પ્રાથમિક સ્કૂલ તૈયાર, 3 નું બાંધકામ ચાલુ
સ્કૂલનું નામ – શેની ગ્રાન્ટમાંથી ફાળવણી
ડૉ. હેડગેવાર પ્રાથમિક શાળા – કોર્પોરેશન
મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા – કોર્પોરેશન
ડૉ. એની બેસન્ટ પ્રાથમિક શાળા – સર્વ શિક્ષા અભિયાન
બાવાજીરાવ પ્રાથમિક શાળા – સર્વ શિક્ષા અભિયાન
અકબરી પ્રાથમિક શાળા – સર્વ શિક્ષા અભિયાન
શિવ શક્તિ પ્રાથમિક શાળા – સર્વ શિક્ષા અભિયાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *