રાજકોટ જિલ્લાના 15 ગામના ખેડૂતોના ખેતરોમાં વિજ પોલ નાખવાના પ્રશ્ને મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. 2 ગણું વળતર આપવાની સાથે સરકાર પોતાનો માર્કેટ રેટ કમિટીનો વેલ્યુલર નિમવા માંગે છે. જે બાબતે વાંધો હોય તો 5 દિવસમાં રજૂ કરજો તેવી નોટિસો મળતા ખેડૂતો રોસે ભરાયા છે અને 4 ગણા વળતરની સાથે જમીનનો વેલ્યુલર ખેડૂતે પોતે નક્કી કરેલો હોવો જોઈએ તેવી માંગણી કરી હતી. પડધરીના ખેડૂતે રોસ સાથે જણાવ્યું કે, ખેડૂતોની માંગણી સંતોષ પામવા નહીં આવે ત્યાં સુધી તંત્રની તમામ નોટિસ અમારા માટે પસ્તી બરાબર છે. ખેડૂતોનું તો આ એક વર્ષ બગડશે પરંતુ ખૂંટિયા ચૂંટણી લડવા આવશે તેના 5 વર્ષ બગાડશું તે નક્કી છે. પડધરી તાલુકાના રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,
છેલ્લા એક વર્ષથી આ થાંભલાની બાબતમાં ખેડૂતો આખા ગુજરાતમાં મૂશ્કેલી ભોગવી રહ્યા છે. જેમાં ગત જુલાઈ મહિનાની 4 તારીખે સરકારનો એક પરિપત્ર હતો. જેમાં બે ગણું વળતર આપવાનો ઉલ્લેખ હતો. જોકે અમે 4 ગણા વળતરની માંગણી કરેલી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં MRC (માર્કેટ રેટ કમિટી)માં સામેલ થવા અને વેલ્યુઅર નિમણૂક કરવા માટેનો ઉલ્લેખ હતો. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે, જ્યાં સુધી ખેડૂતની ફેવરનો પરિપત્ર નહીં બને અને એમઆરસી કમિટીની અંદર ભાવ નક્કી કરવામાં ખેડૂતોની વાતને જ્યાં સુધી અગ્રિમતા આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની તમારી શરત કે કોઈ પરિપત્ર અમને માન્ય નથી. વહીવટી તંત્ર દ્વારા કારણ વિના ગર્ભિત ધમકીઓ આપવામાં આવે છે. નોટીસમાં લખવામાં આવે છે કે, જો તમે આ પરિપત્ર મળ્યાના 5 દિવસમાં હાજર નહીં થાવ કે જવાબ રજૂ નહીં કરો તો તમને આ શરતો માન્ય છે એવું ગણી લેવામાં આવશે.
ખેડૂતને અત્યારે કામની સીઝન ચાલે છે. મગફળી કાઢવાનો સમય આવી ગયો છે. નવું વાવેતર કરવાનું છે અને કારણ વિના 50 કિલોમીટર દૂરથી અહીં બોલાવવામાં આવે છે. તમે એક વાર ક્યો કે ચાર વાર ક્યો. મારા ખેતરમાંથી થાંભલો નીકળે છે અને તમારે તે જગ્યાએ થાંભલો ખોડવો છે તો ભાવ મારો હોય ને ભાઈ! એક બાજુનો ખૂણો તો તમારે જોતો નથી. વચ્ચે જોઈ છે તમારે! સોનાની થાળીમાં લોઢાનો મેખ મારવો છે તમારે. તેમણે જણાવ્યું કે, આઈએએસ કક્ષાના અધિકારી કંપનીની ચાપલૂસી કરે છે. એમ નથી કહેતા કે 600 ગામના લોકોને રંજાડે તો હું ઊભો છું. તેની જગ્યાએ કંપની તરફી નોટિસ આપી અમને કહેવા આવે છે કે, જો હિયરિંગમાં નહીં આવો તો તમને આ માન્ય છે તેમ ગણી લઈશું. 100 વાતની એક જ વાત કે અમારી વાત પરિપત્રમાં ઊભી રહેવી જોઈએ અને ચાર ગણો ભાવ જોઈએ. બાકી એક વાર નહીં 50 વાર નોટિસ આપે ને તો તે નોટિસ અમારા માટે પસ્તી બરાબર છે. પડધરી તાલુકાના 58 ગામમાંથી 44 ગામમાં થાંભલા આવે છે તેવું વહિવટી તંત્ર દ્વારા આંકલન કરવામાં આવ્યું છે પરંતુ એક સાથે બધા ગામના થાંભલા અને ખેડૂતો અને એના સર્વે નંબર નથી આપતા. 5-5, 10-10 ગામને આપે. જેથી મોટું સંગઠન ન બને અને બહુ આક્રોશ ન થાય. હાલમાં પડધરી તાલુકાની છેડાની એક દિશા છે ત્યાં ત્રણ ગામ છે- ખોડાપીપર, થોરિયાળી અને ખજૂરી. બીજી બાજુ પડધરી તાલુકો અને ડોળાસા તાલુકાના સીમાડાના જે સાત ગામ છે ત્યાં નોટિસો આપી છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, સરકાર અને તંત્ર કંપનીની સાથે છે એ સૌથી મોટી દુઃખની વાત છે. આ સરમુખત્યારશાહીને શરમાવે ને એવી નીતિ છે. લોકશાહીમાં લોકોની વાત સાંભળવાની હોય. જે સાંભળતા નથી. જ્યાં સુધી આનો નિવેડો ન આવે ત્યાં સુધી ખેડૂતો અડગ છે. અમારું કદાચ 1 વર્ષ બગડશે પણ આ ખૂંટિયા ચૂંટણી લડવા આવશે એટલે એના 5 વર્ષ બગડશે એ ખેડૂતોએ નક્કી કરી લીધું છે.
રાજકોટ કલેકટર કચેરીમાં વિજપોલ પ્રશ્ને ખેડૂતોનો વિરોધ:"4 ગણું વળતર આપો, વેલ્યુઅર અમે જ નિમશુ ; અમારું તો એક વર્ષ બગડશે પણ ચૂંટણી લડનારાના 5 વર્ષ બગાડશું"
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
