“રાત્રે આતંકવાદ અને દિવસમાં સુરક્ષાની વાતો!”- યુએન (UN)માં પાકિસ્તાનના વડાપ્રધાનની બોલતી બંધ કરી દેનાર આ એક જ વાક્ય અત્યારે આખા દેશમાં વાયરલ થઈ રહ્યું છે. શહબાઝ શરીફના એક-એક જૂઠની ધજીયા ઉડાવીને પાકિસ્તાનનું નાક કાપનાર આ ભારતીય મહિલા બીજું કોઈ નહીં પણ IFS પેટલ ગેહલોત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગેહલોતના આકરા તેવરથી આખું પાકિસ્તાન ધ્રુજી ગયું છે. જાણો કોણ છે પેટલ ગેહલોત… UNમાં ખોલી શહબાઝ અને પાકિસ્તાનની પોલ આંતરરાષ્ટ્રીય મંચ પર પેટલ ગેહલોતના ભાષણની ખૂબ જ ચર્ચા છે. તેમણે પોતાના ‘રાઈટ ઓફ રિપ્લાય’નો ઉપયોગ કરીને પાકિસ્તાનના જૂઠની પોલ ખોલી નાખી. હકીકતમાં UNમાં પાક. PM શહબાઝે પોતાના ભાષણમાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાક. વચ્ચેનો સંઘર્ષ ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પેટલે જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન રાત્રે આતંકવાદ અને દિવસમાં સુરક્ષાની વાત કરે છે. ગેહલોતે પોતાના નિવેદનમાં પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, “આ એક વિચિત્ર વિરોધાભાસ છે કે જે દેશ આતંકવાદની ફેક્ટરી ચલાવે છે, તે જ દેશ વિશ્વ સમક્ષ શાંતિ અને સુરક્ષાનો રાગ આલાપી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનનો ઈતિહાસ જ આતંકવાદીઓને શરણ આપવાનો, તેમને ફંડિંગ પૂરું પાડવાનો અને સરહદ પારથી નિર્દોષ લોકો પર હુમલા કરાવવાનો રહ્યો છે. તેથી આવા દેશ પાસે ભારતને બોધપાઠ આપવાનો કે સલાહ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. ઈશનિંદા કાયદા પર ઘેર્યા ગેહલોતે કહ્યું, “આ મહાસભામાં ધાર્મિક અસહિષ્ણુતાને લઈને એવા લોકો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી, જેમનો મુખ્ય આધાર ઈશનિંદા કાયદો છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. કોઈ પણ પવિત્ર ઉપદેશ દુનિયાને ગેરમાર્ગે દોરી શકે નહીં.” પાકિસ્તાનમાં લોકશાહી નહીં, સેનાનું રાજ તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનમાં કહેવાતી લોકશાહી છે, પણ ત્યાં ખરી સત્તા અને નિર્ણયો સેનાના હાથમાં જ છે. ત્યાં નેતાઓ કે વડાપ્રધાન તો માત્ર કઠપૂતળી જેવા છે જે આવતા-જતા રહે છે, ખરી તાકાત તો સેના પાસે જ છે. પાકિસ્તાનનો ઇતિહાસ કટ્ટરતા અને નફરતથી ભરેલો છે. તેઓ આખા વિશ્વ સમક્ષ દિવસના સમયે શાંતિ અને સુરક્ષાના મોટા-મોટા દાવો કરે છે, પરંતુ રાત પડતાં જ આતંકવાદીઓને પ્રોત્સાહન આપીને હુમલા કરાવે છે. શહબાઝ શરીફના ‘ટ્રમ્પ’ના દાવા પર આકરો જવાબ પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને સંઘર્ષને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દેતા ગેહલોતે સ્પષ્ટ કર્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે. ભારતે હંમેશાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ રાખ્યું છે કે ત્રીજા કોઈ દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી અને આતંકવાદ તેમજ વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપવા બદલ ભારતે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. પેટલ ગેહલોતે મક્કમતાથી જણાવ્યું કે, “જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અને અભિન્ન અંગ છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાન ગમે તેટલા ભ્રામક પ્રચાર કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપે, પણ તે સત્યને બદલી શકશે નહીં. પાકિસ્તાને ભારત વિશે ચિંતા કરવાને બદલે પોતાના દેશમાં ચાલતા આતંકવાદી નેટવર્કને નાબૂદ કરવા અને પોતાની કંગાળ આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.” વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો પર્દાફાશ પેટલ ગેહલોતે જણાવ્યું કે, વૈશ્વિક સમુદાય હવે પાકિસ્તાનના આવા જૂઠા અને બનાવટી પ્રોપેગંડાથી સારી રીતે વાકેફ થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ માત્ર રાજકીય દ્વેષ અને પ્રોપેગંડા ફેલાવવા માટે કરવો એ પાકિસ્તાનની જૂની આદત બની ગઈ છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ પ્રકારના સરહદ પારના આતંકવાદ સામે ભારત ઝીરો ટોલરેન્સની નીતિ ધરાવે છે અને દેશની સાર્વભૌમત્વ તેમજ સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. કોણ છે પેટલ ગેહલોત? પેટલ ગેહલોત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી એટલે કે સપ્ટેમ્બર 2024થી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સલાહકારની ભૂમિકા નિભાવી રહ્યા છે. UNમાં પોસ્ટિંગ પહેલાં તેઓ જૂન 2020થી જુલાઈ 2023 સુધી વિદેશ મંત્રાલયના ‘યુરોપ વેસ્ટ ડિવિઝન’માં અંડર સેક્રેટરી હતા. પેટલ ગેહલોતે દિલ્હી-મુંબઈથી અભ્યાસ કર્યો પેટલ ગેહલોત દિલ્હીના રહેવાસી છે, તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી તેમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે ગ્રેજ્યુએશન તેમણે મુંબઈથી પૂરું કર્યું હતું. પેટલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. વર્ષ 2015માં તેમની પસંદગી ભારતીય વિદેશ સેવા (IFS)માં થઈ હતી પેટલ વિદેશ મંત્રાલયમાં આસિસ્ટન્ટ સેક્રેટરી પણ રહ્યા પેટલ છેલ્લા એક દાયકાથી સેવાઓ આપી રહ્યા છે. તેઓ મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. તેઓ વિદેશ મંત્રાલયમાં આસિસ્ટન્ટ સેક્રેટરી રહ્યા. પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસમાં થર્ડ અને સેકન્ડ સેક્રેટરી રહ્યા. અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કાઉન્સિલ રહ્યા. તેઓ વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ ખૂબ જ મજબૂતીથી રજૂ કરવા માટે જાણીતા છે. પેટલને ગિટાર અને મ્યુઝિકનો શોખ દેશ પ્રત્યેની જવાબદારીની સાથે જ પેટલ ગેહલોતને મ્યુઝિકનો ખૂબ શોખ છે. તેઓ ગિટાર વગાડે છે અને ખૂબ જ સારું ગાય છે. તેમનું ઇટાલિયન સોંગ ‘બેલા ચાઓ’ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના મ્યુઝિક વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
'રાત્રે આતંકવાદ, દિવસમાં સુરક્ષા!':કોણ છે IFS પેટલ ગેહલોત જેણે UNમાં પાકિસ્તાની PMની લાઈવ ધજ્જિયા ઉડાવી, એક જ પ્રહારે શહબાઝ શરીફનું નાક કાપી નાખ્યું!
📅 Published: September 26, 2026 |
📂 Category: International
