રાત્રે ચોરીછૂપીથી કચરો ફેંકનારાઓ સાવધાન!:ગંદકી ફેલાવતા 116 ન્યુસન્સ પોઇન્ટ હટાવવા મનપા એક્શન મોડમાં, 94 સ્પેશિયલ ટીપરવાન માત્ર ન્યુસન્સ પોઇન્ટ માટે દોડશે

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સફાઈ વ્યવસ્થા જાળવવા પાછળ વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોવા છતાં પાટનગરના રાજમાર્ગો અને શેરીઓમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરના ત્રણેય ઝોન હેઠળના 18 વોર્ડમાંથી અગાઉ કુલ 250 ન્યુસન્સ પોઇન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા, જે પૈકી 61 સ્થળોએ લોકોની આદત સુધારીને કચરાના પોઇન્ટ દૂર કરાયા હોવાનો સત્તાવાર દાવો કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ શહેરમાં 189 જેટલા ન્યુસન્સ પોઇન્ટ યથાવત હોવાનો સ્વીકાર તંત્રએ કરવો પડ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગંદકીના કારણે માર્ક્સ ન કપાય તે માટે મનપા પ્રશાસને જાહેર અવરજવર ધરાવતા મુખ્ય 116 ન્યુસન્સ પોઇન્ટ્સને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. ઝોનવાર સ્થિતિ અને ઇસ્ટઝોનમાં ગંદકીનો સૌથી મોટો પડકાર
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ઝોનવાઇઝ યાદી મુજબ શહેરમાં ઇસ્ટઝોન ગંદકીની બાબતમાં સૌથી મોખરે રહ્યો છે. ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ 129 ન્યુસન્સ પોઇન્ટ્સ નોંધાયા હતા, જેની સામે 43 પોઇન્ટ્સ દૂર કરવામાં સફળતા મળી છે. સેન્ટ્રલ ઝોનમાં નોંધાયેલા 64 પોઇન્ટ્સમાંથી 11 અને વેસ્ટઝોનના 57 પોઇન્ટ્સમાંથી માત્ર 7 પોઇન્ટ્સ જ નાબૂદ થઈ શક્યા છે. આમ, સમગ્ર શહેરમાં હજુ પણ 189 જેટલા પોઇન્ટ્સ યથાવત છે. મેયર ડો. નેહલ શુક્લે પદભાર સંભાળ્યા બાદ રાજકોટને સંપૂર્ણ ગંદકીમુક્ત બનાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે દરેક વોર્ડના એક બુથમાં સફાઈ ઝુંબેશ શરૂ કરાવી છે અને પર્યાવરણ એન્જિનિયર પ્રજેશ સોલંકીને એક્શન પ્લાન અંતર્ગત તાત્કાલિક અસરથી 116 અતિસંવેદનશીલ પોઇન્ટ્સ નાબૂદ કરવા નિર્દેશ આપ્યા છે. વોર્ડ નંબર 2 અને સાંકડી ગલીઓમાં સઘન ઓપરેશન
મનપાના આયોજન મુજબ વોર્ડ નંબર 2માં આવેલા હનુમાન મઢી પાસેના છોટુનગર, રંગઉપવન, અમરજીતનગર તેમજ નવા ભળેલા વિસ્તારોમાં ખુલ્લામાં કચરો ફેંકવાનું પ્રમાણ સૌથી વધુ છે. આ સ્થળોને કચરામુક્ત કરવા માટે જરૂર પડ્યે જગ્યા રોકાણ શાખા અને વિજિલન્સ પોલીસની સંયુક્ત મદદ લેવામાં આવશે. ખાસ કરીને છોટુનગર અને અમરજીતનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા ભંગાર તેમજ શાકભાજીના ગેરકાયદે ધંધાર્થીઓને તાત્કાલિક હટાવવામાં આવશે. જે વિસ્તારોમાં સાંકડી શેરીઓ છે ત્યાં મોટા ડસ્ટબીન મૂકીને દિવસમાં બે વખત જેસીબી, ડમ્પર, ટીપરવાન અને ટ્રેક્ટર વડે કચરાનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત બજરંગવાડી, ફૂલછાબ ચોક, ભીચરીનાકા, દરબારગઢ, એ.જી. બ્રાંચ અને રેલનગર જેવા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની સાથે બેસવા માટે બાંકડા મૂકી બ્યુટીફિકેશન કરવામાં આવશે. વેપારીઓ સામે વહીવટી દંડ અને રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડની તૈનાતી
વોર્ડ નંબર 3માં આવેલા રેલનગર મેઇન રોડ, સંતોષીનગર અને બાવાગોરની શેરી જેવા વેપારી વિસ્તારોમાં દુકાનદારોની અનુકૂળતા મુજબ ટીપરવાન ફાળવવાનું નક્કી કરાયું છે તેમછતાં જો વેપારીઓ, લારી-ગલ્લાવાળા કે સ્થાનિક રહીશો જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો તેમની સામે સીધી દંડાત્મક નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. બીજી તરફ પીડીએમ કોલેજ, મામલતદાર કચેરી, પી એન્ડ ટી કોલોની અને શાસ્ત્રીનગર વેલનાથ ચોક જેવા પોઇન્ટ્સ પર રાત્રિના અંધકારમાં બહારના વિસ્તારોમાંથી આવીને લોકો કચરો ઠાલવી જતા હોવાનું સામે આવ્યું છે. આ ન્યુસન્સ અટકાવવા માટે એક્શન પ્લાન હેઠળ રાત્રિના સમયે ખાસ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. ન્યુસન્સ પોઇન્ટ્સ માટે 94 વિશેષ ટીપરવાન અને ડોર-ટુ-ડોર કલેક્શનનું વિસ્તરણ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર હાલ સમગ્ર શહેરમાં ડોર-ટુ-ડોર કલેક્શન માટે ટીપરવાનની સંખ્યા 280થી વધારીને 585 કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઓળખી કઢાયેલા ન્યુસન્સ પોઇન્ટ્સ પરથી દિવસમાં બેથી ચાર વખત કચરો ઉપાડવા માટે વધારાની ખાસ 94 ટીપરવાન ફક્ત આ જ કામગીરી માટે અનામત રખાઈ છે, જેમાં સેન્ટ્રલ અને ઇસ્ટઝોનમાં 33-33 તેમજ વેસ્ટઝોનમાં 28 ટીપરવાન કાર્યરત રહેશે. ઘંટેશ્વર તેમજ વોર્ડ નંબર 1, 9, 11, 12 અને 18ના નવા ભળેલા વિસ્તારોમાં ટીપરવાનના ફેરા વધારીને રહેવાસીઓમાં કચરાના વર્ગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ટીપર વાન શહેરના તમામ વિસ્તારોમાં ફરે છે અને એકપણ વિસ્તાર બાકી રાખવામાં આવતો નથી. તેમ છતાં સમયસર કચરો નહીં આપી શકવાના કારણે કે લોકોની આદતના લીધે ન્યૂસન્સ પોઇન્ટ્સ ઉપર કચરો જોવા મળે છે. પરંતુ હવે શહેરને ‘ઝીરો ન્યૂસન્સ પોઇન્ટ’ બનાવવાના આયોજન સાથે તંત્ર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત અગાઉ વોર્ડ નંબર 1 માં 3 ન્યૂસન્સ પોઇન્ટસ નાબૂદ કરવામાં આવ્યા છે, જેમાં એક સ્થળે પ્લેગ્રાઉન્ડ જેવું બનાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત શાસ્ત્રીનગર મેઇન રોડ ડિવાઇડર પર પણ કચરો નાખવાનો પોઇન્ટ સમજાવટ અને દંડની કામગીરી દ્વારા સફળતાપૂર્વક નાબૂદ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં વોર્ડ નંબર 18, વોર્ડ નંબર 12, 11, 9 અને 1 ના નવા ભળેલા વિસ્તારો તેમજ ઘંટેશ્વર જેવા વિસ્તારોમાં ન્યૂસન્સ પોઇન્ટ્સ નાબૂદ કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને કચરાનું સેગ્રીગેશન કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને ખુલ્લામાં કચરો ન ફેંકવા અંગે જાગૃતિ ફેલાવવા IEC પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં માત્ર 7 ટીપર જતી હતી, જે વધારીને હવે 28 કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ સમગ્ર શહેરમાં 280 ટીપર કાર્યરત હતી, જેની સંખ્યા હવે વધારીને 585 કરી દેવામાં આવી છે. શહેરના 18 વોર્ડમાં પથરાયેલા કચરાના પોઇન્ટ્સ સામે તંત્રની આકરી કસોટી
શહેરના વોર્ડ નંબર 1માં નાણાવટી ચોક અને શાસ્ત્રીનગર, વોર્ડ 4માં ભગવતીપરા અને લાતી પ્લોટ, વોર્ડ 6માં સંતકબીર રોડ અને માંડા ડુંગર, વોર્ડ 7માં ગુજરી બજાર અને લોહાનગર, વોર્ડ 10માં રૈયા રોડ અને સત્યસાઈ રોડ, વોર્ડ 13માં ખોડિયારનગર, વોર્ડ 15માં કુબલિયાપરા અને થોરાળા તેમજ વોર્ડ 18માં કોઠારિયા અને બોલબાલા માર્ગ સહિત તમામ 18 વોર્ડના મુખ્ય 116 સ્થળોએ ગંદકીના ગંજ ખડકાયેલા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં નાકરાવાડી પ્લાન્ટ બાદ સૌથી વધુ નેગેટિવ માર્કિંગ આવા ન્યુસન્સ પોઇન્ટ્સના કારણે જ થતું હોવાથી મનપા માટે આ પોઇન્ટ્સ નાબૂદ કરવા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. તંત્રનો આ માસ્ટર પ્લાન માત્ર કાગળ પર રહેવાને બદલે જમીન પર કેટલો કારગર સાબિત થાય છે તેના પર શહેરીજનોની નજર ટકેલી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *