અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર-રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશન સામે રિક્ષા અને ટેક્સી ચાલકો સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી છે. સોમવારે RTO-ટ્રાફિક સાથે યોજાયેલી બેઠક અનિર્ણિત રહેતા 10મી સુધી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી.રોજગાર બચાવો આંદોલનના પહેલા દિવસે અમુક જ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો હડતાલમાં જોડાયા હતા. જેના કારણે યુનિયનના લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઊતરી તેમને હડતાલમાં જોડાવવા માટે સમર્થન માંગી રહ્યા હતા. જો કે તે દરમિયાન ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે મેદાનમાં આવવું પડ્યું.પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે, લોકોને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરાશે. ઓનલાઈન એપ સાથેના પ્રશ્નોને લઈ હડતાળ
ઓનલાઈન એપ પર ગેરકાયદેસર રીતે દોડતી ટુ-વ્હીલર ટેક્સી બંધ કરવી અને સરકારના નિયમ મુજબ ભાડું નક્કી કરવું સહિતની માગણીઓ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા કરવામાં આવી છે. જેથી આ બે માંગણીઓને લઈને રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો લડી લેવાના મૂડમાં આવી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. જેથી હવે રાહદારીઓ કે મુસાફરોને હેરાનગતિ કરશે અને કામકાજમાં અડચણરૂપ થશે તો તેવા લોકો સામે કાર્યવાહી કરવાની પણ પોલીસે તૈયારી દર્શાવી છે. જેથી યુનિયન દ્વારા હડતાલમાં જોડાવવા રિક્ષા રોકાવી અધવચ્ચે મુસાફરોને હેરાન કરવામાં આવશે યુનિયનના લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. હડતાળના પ્રથમ દિવસે મુસાફરો પાસેથી મનપડે તેમ ભાડા વસૂલાયા
હડતલાના પહેલા દિવસે લોકો મુસાફરો પાસેથી પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે. રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન સહિતની જગ્યા ઉપરથી અન્ય સ્થળ પર જવા માટે રિક્ષા કે ટેક્સી ન મળતા કેટલાક રિક્ષા ચાલકો મનફાવે તેમ ભાડું વસૂલી રહ્યા હતા. મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેમના પાસેથી વધારે પૈસા વસૂલી લૂંટ ચલાવવામાં આવી રહી હતી. જેથી બીજા દિવસે પણ અનેક જગ્યાએ મુસાફરોને વધારે પૈસા આપીને મુસાફરી કરવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ટ્રાફિક અને RTO સાથે રિક્ષાચાલકોની બેઠક અનિર્ણિત રહી
રિક્ષા અને ટેક્સી યુનિયનના લોકોએ ટ્રાફિક JCP, RTO અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં રિક્ષાને ટેક્સી યુનિયનના લોકોએ પોતાની માગણીઓ મૂકી હતી. રિક્ષા અને ટેક્સી ચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર ક્યારે બંધ થશે ? અને ઓનલાઇન એપ્લિકેશનમાં ભાડું ક્યારે ભાડું આપવામાં આવશે ? તેને લઈને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી આગામી 10 તારીખ સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આગામી 10 તારીખ સુધી મુસાફરોને નોકરી અને વ્યવસાય જવા માટે હાલાકી ભોગવવી પડશે. લોકોને પરેશાની ન થાય તે માટે આજે અલગ અલગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જેસીપી અશ્વિન ચૌહાણએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે રિક્ષા ચાલકોની હડતાલના પગલે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને બંદોબસ્ત માટે સૂચના આપી દેવામાં આવી છે. રિક્ષા ચાલકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરી અને જણાવવામાં આવ્યું છે કે,જુઓ કોઈપણ વ્યક્તિ કે મુસાફરોને હેરાન કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના રેલવે અને એસટી બસ સ્ટેન્ડની બહાર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હડતાળનો પ્રથમ દિવસઃ અમદાવાદમાં પ્લેનની ટિકિટ જેટલું રિક્ષા ભાડું, મુસાફરો ખૂલ્લેઆમ લૂંટાયા
ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. સોમવારે મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાણીપ બસ સ્ટેશન પાસે રિક્ષાચાલકે લાકડી સાથે આવીને મુસાફરોને અધ્ધવચ્ચે જ ઉતારી હડતાળમાં જોડાવા દબાણ કરતા વિવાદ થયો હતો. રિક્ષાચાલકો ગુંડાગીરી પર આવી જતા પોલીસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ હડતાળનો ફાયદો ઉઠાવી કેટલાક રિક્ષાચાલકો દ્વારા ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
