યમનના હૂતી બળવાખોરો ચીનથી મંગાવવામાં આવેલા પાર્ટ્સની મદદથી નવી બેલિસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટનની સંસ્થા કોન્ફ્લિક્ટ આર્મામેન્ટ રિસર્ચ (CAR) દ્વારા બુધવારે જાહેર કરાયેલા અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, બળવાખોરો ઈરાનમાં ડિઝાઇન કરવામાં આવેલી ખૈબર શિકન મિસાઇલ જેવી મિસાઇલ તૈયાર કરવા માગે છે, જેની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે. જો હૂતી આ પ્રકારનું હથિયાર બનાવવામાં સફળ થાય છે, તો તેઓ સાઉદી અરેબિયા ઉપરાંત ઇઝરાઇલને પણ વધુ ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. હથિયાર બનાવવા માટે જરૂરી સામાન ભેગો કરી રહ્યા છે હૂતી રિપોર્ટ મુજબ, યમનના અધિકારીઓએ જુલાઈમાં ચીનથી મોકલવામાં આવેલા બે શંકાસ્પદ માલસામાનના જથ્થા પકડી પાડ્યા હતા. આ જથ્થામાં મિસાઇલ બનાવવામાં ઉપયોગમાં લેવાતા અનેક મહત્વપૂર્ણ ભાગો મળી આવ્યા હતા. પકડાયેલો જથ્થો ચીનથી મોકલવામાં આવ્યો હતો. તેને યમનના હોદેઇદા બંદરે પહોંચાડવાનો હતો. ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે ઈરાન આ બંદરનો ઉપયોગ હથિયારોની સપ્લાય માટે કરતું રહ્યું છે. પકડાયેલા જથ્થામાં શું-શું મળ્યું? રિપોર્ટ તૈયાર કરનાર સંસ્થાના વરિષ્ઠ વિશ્લેષક ફેબિયન હિંઝના જણાવ્યા મુજબ, હૂતી ઈરાનમાં ડિઝાઇન કરવામાં આવેલી ખાસ પ્રકારની મિસાઇલ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ભાગોનો સામાન્ય નાગરિક હેતુઓ માટે ઉપયોગ કરવો મુશ્કેલ છે. હૂતીઓની હથિયાર બનાવવાની ક્ષમતા અગાઉ કરતાં વધુ હૂતીઓ લગભગ બે દાયકા પહેલાં યમનમાં એક બળવાખોર સંગઠન તરીકે ઉભરી આવ્યા હતા. શરૂઆતમાં તેમની પાસે યમનની સેના પાસેથી મેળવેલા સોવિયેત યુગના અને ઉત્તર કોરિયામાં બનાવાયેલા હથિયારો હતા. સમય જતાં તેમને વધુ આધુનિક હથિયારો અને ટેકનોલોજી મળવા લાગી. ઈરાન પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ શા માટે? ઈરાન લાંબા સમયથી હૂતી બળવાખોરોને હથિયારો બનાવવાની ટેક્નિક, ડિઝાઇન અને જરૂરી ભાગો આપતું આવ્યું છે. પરંતુ અહેવાલ મુજબ, હવે હૂતી બળવાખોરો ચીન સહિત અન્ય દેશોમાંથી પણ હથિયારો બનાવવાની સામગ્રી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન થિંક ટેન્ક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઑફ ડેમોક્રસીઝના ઈરાન કાર્યક્રમના વરિષ્ઠ નિર્દેશક બેહનામ બેન તાલેબ્લુએ કહ્યું કે હથિયારો બનાવવા માટે અનેક સ્થળોએથી સામગ્રી મેળવવી કોઈપણ સંગઠન માટે ફાયદાકારક હોય છે. તેમના જણાવ્યા મુજબ, ઈરાન પરના પ્રતિબંધો વચ્ચે હૂતી બળવાખોરો સામગ્રી મેળવવાના અન્ય રસ્તાઓ શોધી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હૂતી હજુ પણ મિસાઇલો માટે જરૂરી જટિલ સિસ્ટમો માટે ઈરાન પર નિર્ભર છે. તેઓ અન્ય દેશોમાંથી મળેલા ભાગોને જોડીને કેટલાક હથિયારો બનાવી શકે છે, પરંતુ આધુનિક હથિયારોની સંપૂર્ણ ટેક્નોલોજી પોતે વિકસાવી શકતા નથી.
ચીન માટે રાજદ્વારી પડકાર વધી શકે છે ચીન ઈરાન અને સાઉદી અરેબિયા, બંને પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદે છે. 2023માં ચીને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં પણ ભૂમિકા ભજવી હતી. ચીને સાઉદી અરેબિયાના એરપોર્ટ પર હૂતીના હુમલાઓની નિંદા કરી છે અને સંઘર્ષ ઘટાડવાની અપીલ કરી છે. હવે જો ચીનમાંથી આવેલા ભાગોનો ઉપયોગ હૂતીની મિસાઇલો બનાવવામાં થયો હોવાના દાવાની પુષ્ટિ થાય છે, તો સાઉદી અરેબિયા અને ચીનના સંબંધો પર દબાણ વધી શકે છે. ચીન સાઉદી અરેબિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર પણ છે. મિડલ ઈસ્ટના નિષ્ણાત ક્રિસ્ટિયન ઉલરિચસનના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના માળખાગત સુવિધાઓ અને એરપોર્ટ પર થયેલા હુમલાઓ બાદ આ મુદ્દે ચીન પર વધુ દબાણ આવી શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે ચીનની સરકારે ઈરાદાપૂર્વક હૂતીઓને મિસાઇલ બનાવવાનો સામાન મોકલ્યો હતો કે નહીં.
રિપોર્ટ- ચીનની મદદથી મિસાઈલ બનાવી રહ્યા છે હૂતી બળવાખોરો:ઈરાનમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી; સાઉદી ઉપરાંત ઇઝરાયલને પણ નિશાન બનાવી શકે છે
📅 Published: October 15, 2026 |
📂 Category: International
