સાઉદી અરેબિયા યમનમાં હૂતી બળવાખોરો સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સાઉદી 1 લાખથી વધુ યમનના સૈનિકોને તૈનાત કરી શકે છે. તેનો હેતુ લાલ સમુદ્રના દક્ષિણ છેડે આવેલા બાબ-અલ-મંદેબ જળમાર્ગને હૂતીઓના કબજામાંથી મુક્ત કરાવવાનો અને દરિયાઈ વેપારનો માર્ગ સુરક્ષિત કરવાનો છે. આ વિસ્તારમાં હૂતીઓની વધતી પકડને કારણે વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર જોખમ વધી ગયું છે. આ માર્ગ એશિયા અને યુરોપ વચ્ચેના વેપાર માટે મહત્વપૂર્ણ છે. બાબ-અલ-મંદેબ વિશ્વના મુખ્ય દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વનું 12% તેલ આ માર્ગ પરથી પસાર થાય છે.
બાબ-અલ-મંદેબ પર કબજો મેળવવા માટે યુદ્ધ શા માટે? ગયા મહિને હૂતીઓએ યમનના તટીય વિસ્તારોમાં આગળ વધતાં આ માર્ગની આસપાસ પોતાની પકડ મજબૂત કરી હતી. તેમણે સાઉદી સમર્થિત યમનની સરકારી સેના અને UAE સમર્થિત નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સિસને પાછળ ધકેલી દીધા હતા. બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે. આ માર્ગે જહાજો એશિયાથી લાલ સમુદ્ર અને સુએઝ નહેર થઈને યુરોપ પહોંચે છે. આ કારણે વૈશ્વિક વેપાર અને તેલના પુરવઠા માટે તેનું મહત્વ છે. સાઉદી અરેબિયાને આશંકા છે કે જો હૂતીઓનું નિયંત્રણ યથાવત્ રહ્યું તો આ માર્ગે થતા વેપાર અને તેલના પરિવહન પર ખતરો વધી શકે છે. હૂતીઓ વિરુદ્ધ બે પ્રકારના સૈન્ય ઓપરેશન પર વિચારણા અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા સામે સૈન્ય કાર્યવાહી માટે બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પમાં બાબ-અલ-મંદેબની આસપાસ મર્યાદિત હુમલો કરીને દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજા વિકલ્પમાં યમનના અનેક વિસ્તારોમાં એકસાથે ઓપરેશન ચલાવવામાં આવી શકે છે. તેમાં અલ-બાયદા, મારિબ, તાઇઝ અને અલ-જૌફ જેવા વિસ્તારોનો સમાવેશ થઈ શકે છે. આ ઓપરેશનનું નેતૃત્વ યમનની સેનાઓ કરશે, જેને સાઉદી અરેબિયાનું સમર્થન મળશે. જરૂર પડ્યે સાઉદી અરેબિયા હવાઈ હુમલા પણ કરી શકે છે. ઓપરેશનના વ્યાપને ધ્યાનમાં રાખીને 1 લાખથી વધુ યમની સૈનિકોને એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે, સૈન્ય કાર્યવાહી સમયમર્યાદા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. અમેરિકા સીધા યુદ્ધમાં ઉતરવા માટે તૈયાર નથી રિપોર્ટ મુજબ, અમેરિકા સાઉદી અરેબિયાને ગુપ્તચર માહિતી, લક્ષ્યો નક્કી કરવામાં મદદ અને સૈન્ય સલાહ આપી રહ્યું છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી નેતૃત્વની સીધી સૈન્ય મદદ અને હવાઈ હુમલા કરવાની માગ પર સહમતિ આપી નથી. હાલ અમેરિકા સીધા યુદ્ધમાં સામેલ થાય તેવી શક્યતા નથી. સાઉદી અરેબિયાને પાકિસ્તાન અને તુર્કિયેથી પણ સૈન્ય મદદ મળી છે. પાકિસ્તાને ગયા મહિને અદનમાં એર ડિફેન્સ સિસ્ટમ, હળવી તોપો, ડ્રોન અને ડ્રોનવિરોધી સાધનો મોકલ્યાં હતાં. પાકિસ્તાની સૈન્ય સલાહકારો સાઉદી અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે. જોકે, પાકિસ્તાને યમનમાં લડાઈ માટે પોતાના સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો નથી. તુર્કિયેના ડ્રોન પણ યમનમાં તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ફ્રાન્સે યાનબૂમાં રક્ષણાત્મક પ્રણાલીઓ અને સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયા સામે શું પડકાર છે? યમનમાં હૂતીઓના વિરોધી જૂથો વચ્ચે એકતાનો અભાવ સાઉદી અરેબિયા માટે મોટો પડકાર છે. આ જૂથોના હિતો અને રાજકીય લક્ષ્યો અલગ-અલગ છે. આવી સ્થિતિમાં માત્ર સૈનિકોની સંખ્યા વધારવાથી ઑપરેશનની સફળતા સુનિશ્ચિત થશે નહીં. સાઉદી અરેબિયાની ચિંતા પોતાના તેલ મથકોની સુરક્ષાને લઈને પણ છે. હૂતીઓ અગાઉ પણ ડ્રોન અને મિસાઇલોથી સાઉદી અરેબિયાને નિશાન બનાવી ચૂક્યા છે. જો યમનમાં લડાઈ તેજ થશે, તો સાઉદી તેલ મથકો અને દરિયાઈ વેપાર પર હુમલાનો ખતરો પણ વધી શકે છે.
રિપોર્ટ- સાઉદી અરેબિયા હૂતી બળવાખોરો પર હુમલો કરશે:1 લાખ સૈનિકો ઉતારવાની તૈયારી, બાબ-અલ-મંદેબ પરથી કબજો છોડાવશે; અહીંથી દુનિયાનું 12% તેલ પસાર થાય છે
📅 Published: October 2, 2026 |
📂 Category: International
