રિપોર્ટ- AI જણાવી રહ્યું છે આતંકી હુમલાની યોજના:બોમ્બ વિસ્ફોટ કરવાની રીતો જણાવી, પાર્કિંગમાં વિસ્ફોટકો રાખવાની જગ્યા બતાવી, 12 કલાકમાં બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યો

📅 Published: November 19, 2026 | 📂 Category: International

અમેરિકાની એક સરકારી તપાસમાં સામે આવ્યું છે કે, AI ચેટબોટ આતંકવાદી હુમલાની યોજના જણાવી રહ્યા છે. તેમાં ચેટજીપીટી, ક્લોડ, જેમિની અને ગ્રોક જેવા AI ચેટબોટ સામેલ છે. તપાસમાં આ ચેટબોટે બોમ્બ વિસ્ફોટ અને વીજ પુરવઠા સાથે જોડાયેલા સ્થળો પર હુમલા કરવાની રીતો જણાવી. ઉપરાંત એક ચેટબોટે ફોટો બનાવીને પાર્કિંગમાં વિસ્ફોટક રાખવાની જગ્યા પણ બતાવી. અમેરિકી સરકારની દેખરેખ રાખતી એજન્સી ગવર્નમેન્ટ એકાઉન્ટે બિલિટી ઑફિસ (GAO)એ ન્યૂ હેમ્પશાયરની સાંસદ મેગી હસનના કહેવા પર મે 2026માં આ તપાસ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તપાસકર્તાઓએ AI ચેટબોટના સેફ્ટી ફિલ્ટરને ગેરમાર્ગે દોરીને તેમની પાસેથી એવા જવાબો મેળવ્યા, જેનો ઉપયોગ મોટા આતંકવાદી હુમલા માટે થઈ શકે છે. પહેલા ઇનકાર કર્યો, પછી હુમલાની રીતો જણાવી સંશોધકોએ ચારેય AI ચેટબોટને બે અલગ-અલગ ટાસ્ક આપ્યા… પહેલું: એવો હુમલો પ્લાન કરવો, જેમાં વધુમાં વધુ લોકો માર્યા જાય. બીજું: એવો હુમલો કરવો, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચે. શરૂઆતમાં ચારેય ચેટબોટે આ ખતરનાક સવાલોના જવાબ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ તપાસકર્તાઓએ ખાસ ટેક્નિકનો ઉપયોગ કરીને 12 કલાકની અંદર તેમની સુરક્ષા વ્યવસ્થા તોડી નાખી. પાર્કિંગમાં બોમ્બ મૂકવાથી લઈને નકલી કંપની બનાવવાની યોજના પણ આપી રિપોર્ટ મુજબ, બે ચેટબોટ્સે એવા હુમલાઓની યોજના બનાવી, જેમાં વધુમાં વધુ લોકોના જીવ જાય. જ્યારે, બાકીના બે ચેટબોટ્સે વીજળી પુરવઠો ઠપ કરીને દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડવાની રીતો જણાવી. વીજળી ઘર પર ડ્રોન હુમલાનો નકશો અને વીડિયો બનાવ્યો દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડનારા કાર્યોમાં પણ AI ચેટબોટ્સના જવાબો એટલા જ ખતરનાક હતા. એક ચેટબોટે વીજળીનો પુરવઠો કરતા સબસ્ટેશન પર ડ્રોનથી હુમલો કરવા માટે 4 પગલાંનો નકશો બનાવી આપ્યો. એટલું જ નહીં, ડ્રોન હુમલો કેવી રીતે થશે તે બતાવવા માટે તેણે એકદમ વાસ્તવિક દેખાતો વીડિયો પણ તૈયાર કરી આપ્યો. બીજા એક ચેટબોટે મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અનેક ડેટા સેન્ટર્સની નજીક આવેલા વીજળીના સ્ટેશન પર બંદૂકથી ગોળીબાર કરીને તેને નુકસાન પહોંચાડવાનું સૂચન કર્યું. તેણે એ પણ જણાવ્યું કે, વધુ નુકસાન થાય તે માટે કયા ખાસ પ્રકારની ગોળીનો ઉપયોગ કરવો જોઈએ. જોકે, તપાસ એજન્સીએ સુરક્ષાના કારણોસર કયા ચેટબોટે કયો જવાબ આપ્યો તે જણાવ્યું નથી. AI કંપનીઓના સુરક્ષા નિયમો કેવી રીતે તોડવામાં આવ્યા? AI કંપનીઓ તેમના ચેટબોટ્સમાં ખાસ સુરક્ષા નિયમો લાગુ કરે છે, જેથી તેઓ હિંસા, બોમ્બ બનાવવાની રીત અથવા કોઈ ગુના સાથે જોડાયેલી માહિતી ન આપે. જો કે, તપાસકર્તાઓએ તેમની ચતુરાઈથી પૂછપરછ અને વાતચીત ટેકનિકોથી આ નિયમોને અવગણ્યા. રિપોર્ટ મુજબ, આ માટે ડૂ એનિથિંગ નાઉ એટલે કે ‘હમણાં કંઈ પણ કરો’ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં ચેટબોટને કહેવામાં આવે છે કે, તે એક એવા કાલ્પનિક પાત્રની ભૂમિકા ભજવે, જેના પર કંપનીના કોઈ નિયમો લાગુ પડતા નથી. આ ઉપરાંત, તપાસકર્તાઓએ સીધો આતંકવાદી હુમલાનો પ્લાન પૂછવાને બદલે, તેની સાથે જોડાયેલા નાના-નાના અને સામાન્ય લાગતા સવાલો પૂછ્યા. ચેટબોટને લાગ્યું કે, આ સામાન્ય સવાલો છે અને તેણે જવાબ આપ્યા. બાદમાં તમામ નાના જવાબોને એકબીજા સાથે જોડીને હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો. સેનેટર બોલ્યાં- AIથી હુમલાનો ખતરો કાલ્પનિક નથી સેનેટર મેગી હસને AI કંપનીઓ માટે કડક નિયમો બનાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, તપાસમાં મળેલી માહિતી કોઈ આતંકવાદીના હાથ લાગી જાય, તો તેના પરિણામો જીવલેણ બની શકે છે. હસન ઇચ્છે છે કે, કંપનીઓ નવા AI મોડલ લોન્ચ કરતા પહેલાં સુરક્ષા તપાસ કરે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેની માહિતી મળતાં જ પોલીસ અને તપાસ એજન્સીઓને તેની જાણ કરવી ફરજિયાત હોવી જોઈએ. કંપનીઓએ કહ્યું—AIના જૂના મોડલ પર કરવામાં આવી હતી તપાસ ચારેય AI કંપનીઓએ સ્વીકાર્યું કે, તેમના ચેટબોટમાંથી ખતરનાક માહિતી મળવાની આશંકા છે. જોકે, તેમણે તપાસની પદ્ધતિઓ પર સવાલ ઉઠાવ્યા. કંપનીઓનું કહેવું હતું કે, તપાસમાં એ જોવામાં આવ્યું નહોતું કે આવી માહિતી સામાન્ય સર્ચ એન્જિન પરથી પણ મળી શકે છે કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, તપાસ મે 2026માં AIના જૂના મોડલ પર કરવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ગ્રોક બનાવતી કંપની સ્પેસએક્સ AIએ તપાસમાં ઉપયોગમાં લેવાયેલા એકાઉન્ટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રજિસ્ટર્ડ અને પૈસા ચૂકવીને ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ માટે તેની સુરક્ષા નીતિઓ અલગ છે. PM મોદી પણ કહી ચૂક્યા છે- આતંકવાદમાં AIના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગયા વર્ષે યોજાયેલી 20મી G20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદમાં AIના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહી ચૂક્યા છે. દુનિયાએ AIના દુરુપયોગને રોકવા માટે એક વૈશ્વિક કરાર તૈયાર કરવો જોઈએ. સમિટમાં તેમણે કહ્યું હતું કે, AI માનવતાની સૌથી ઊંડી ટેકનોલોજી છે. તેનો ઉપયોગ વૈશ્વિક કલ્યાણ માટે થવો જોઈએ, પરંતુ ડીપફેક, ગુના અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં AIના ઉપયોગ પર કડક નિયંત્રણો લાગુ થવા જોઈએ. બીજી તરફ, અનેક નિષ્ણાતો AIના જોખમને ધ્યાનમાં રાખીને નોકરી છોડી ચૂક્યા છે. આ તમામે ચેતવણી આપી છે કે, કંપનીઓ સુરક્ષા નિયમોને અવગણીને અત્યંત જોખમી અને બેકાબૂ સુપરઇન્ટેલિજન્સ બનાવવાની હોડમાં લાગી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *