પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશ પરમારે વિસનગરના સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત રજૂઆત કરી છે. કેનાલની ક્ષતિગ્રસ્ત સ્થિતિને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના વહનમાં અડચણ ઊભી થવાની શક્યતા છે. પાણીનો વ્યય થવાની અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન પરમાર દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતના આધારે પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પરમારે સંબંધિત વિભાગ સમક્ષ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. નરેશ પરમારે કાર્યપાલક ઈજનેરને કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી સમારકામ શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે.
રુવાવી સુજલામ સુફલામ કેનાલ સમારકામની રજૂઆત:ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી ટાળવા ઈજનેરને લેખિત રજૂઆત
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
