'રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે':હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની કંપની પાસે 25 લાખની ખંડણી માગી, શેરબજારમાં 20 લાખનું નુકસાન થતાં પૂર્વ કર્મચારીનું કારસ્તાન

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

સુરતના કતારગામ વિસ્તારમાં જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK ડાયમંડ કંપનીના યુવા સંચાલકોની સુરક્ષાના નામે 25 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવાના હાઈપ્રોફાઈલ ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં 15થી 20 લાખ રૂપિયાની ખોટ જતાં દેવું ચૂકવવાના ઇરાદે કંપનીના જ પૂર્વ કર્મચારીએ ભિક્ષુકના નામે સિમકાર્ડ લઈને ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જોકે, કતારગામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને CDRના આધારે ગણતરીના કલાકોમાં સુરેન્દ્રનગરના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સિક્યોરિટી ઓફિસમાં ફોન કરી ખંડણી માંગી
કતારગામ વસ્તાદેવડી રોડ, કિરણ હોસ્પિટલની સામે આવેલી એસ.આર.કે. ડાયમંડ કંપનીની સિક્યોરિટી ઓફિસમાં ફરજ બજાવતા અને અડાજણ એલ.પી. સવાણી રોડ પર રહેતા 74 વર્ષીય રણજીતસિંહ ગગુભા જાડેજા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખસે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી હતી. આરોપીએ અત્યંત રૌફભર્યા અવાજમાં ધમકી આપતાં જણાવ્યું હતું કે, એસ.આર.કે. કંપનીના યંગ જનરેશનની સલામતી જોઈતી હોય તો 25 લાખ રૂપિયા આપી દો. જો રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે, પછી કોઈ અર્થ નહીં રહે અને તમને ભારે પડી જશે. આ ધમકીભર્યા કોલ બાદ કંપની અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. 19 ઓગસ્ટની સવારથી 20 ઓગસ્ટની બપોર સુધીના સમયગાળા દરમિયાન આ ધમકીભર્યા કોલ્સ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે સુરક્ષા કર્મચારી રણજીતસિંહ જાડેજાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોલ ડિટેઇલ અને લોકેશન ટ્રેસ કરી આરોપીને ઝડપી પાડ્યો
સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને હીરા પેઢીને નિશાન બનાવવામાં આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા. જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો તેનું સીડીઆર અને લોકેશન મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે. મોબાઈલ નંબરના આધારે સુરેન્દ્રનગરના હીરધસુ વિજય દેસાઈને ઝડપી પાડવામાં આવ્યો છે. 15થી 20 લાખનું દેવું થતા શૉર્ટકટમાં રૂપિયા મેળવવા પગલું ભર્યું
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે એક વર્ષ અગાઉ એસ. આર.કે ડાયમંડ કંપનીમાં 3 મહિના નોકરી કરી નીકળી ગયો હતો . હાલ તે શેર માર્કેટમાં પૈસા 15થી 20 લાખ રૂપિયા હારી જતાં થયેલું દેવુ ચુકવવા માટે તેણે આ શોર્ટકટ અપનાવ્યો. ભિક્ષુકના નામે સીમકાર્ડ લઈને તેણે ફોન કર્યો અને ખંડણીની માગણી કરી હતી. ફોનથી ધમકી આપ્યા બાદ તેણે સીમકાર્ડ સહિત મોબાઈલ નદીમાં ફેંકી દીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *