રોડ પર કચરો સળગાવાતા કાર્યવાહી, સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે:હોટફિક્સ વેસ્ટ માટે પ્લોટ ફાળવાશે, 2 માસમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ શરૂ કરાશે

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

શહેરના પૂણા, સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા ટેક્સટાઇલ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ ‘હોટફિક્સ’ના ગેરકાયદે નિકાલની ગંભીર સમસ્યા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મેયર, ચેરમેન, મહાનગરપાલિકાના અધિકારીઓ ડે. કમિ. નિધી સિવાચ અને ઝોનલ ઓફિસરો સાથે મંગળવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘હોટફિક્સ વેસ્ટ નોન-રિસાઈકલેબલ હોવાથી તેનો નાશ કરવો મુશ્કેલ છે, જેથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા એક અલાયદા પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે, જ્યાં આ વેસ્ટને હાઈ-પ્રેશરથી કોમ્પેક્ટ (ભેગો) કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે સુવ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત પણ શક્ય એટલા ઉકેલો શોધવામાં આવી રહ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે થયેલી ચર્ચા મુજબ, આગામી એકથી બે મહિનામાં આ માટેના પ્લોટ અને કચરાના કલેક્શનની સંપૂર્ણ સિસ્ટમ કાર્યરત કરી દેવાશે. માર્ગો પર ગંદકી અને સળગાવવાથી વાયુ પ્રદૂષણ ક્યાં અસર: પુણા, સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામમાં સમસ્યા વધુ. જોખમો: જાહેર માર્ગો પર પ્લાસ્ટિક વેસ્ટ ફેંકી દેવાતાં ગંદકી અને તેને સળગાવવાથી વાયુ પ્રદૂષણનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે એમ છે. આયોજન: પાલિકા અલગ પ્લોટ ફાળવીને વેસ્ટને હાઇ-પ્રેશર ટેકનિકથી સંગ્રહ કરીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. સમયમર્યાદા: 1થી 2 મહિનામાં પ્લોટ સહિતની નવી વ્યવસ્થા અમલી બનાવવા લક્ષ્યાંક છે. શું છે હોટફિક્સ વેસ્ટ? કાપડ ઉદ્યોગમાં સાડી અને ડ્રેસ મટિરિયલ પર સ્ટોન કે ડિઝાઇન ચોંટાડવા માટે વપરાતી પ્લાસ્ટિક આધારિત ગુંદરવાળી શીટ્સ અને કટિંગને ‘હોટફિક્સ’ કહેવામાં આવે છે, જેનો બચેલો કચરો સરળતાથી રિસાઈકલ કરી શકાતો નથી અને તેને સળગાવવાથી પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું પાલિકાનું કહેવું છે. રહેઠાણો વચ્ચે ઔદ્યોગિક એકમો શરૂ થઈ જતાં રોજ ઘોંઘાટ, પાર્કિંગ સમસ્યા અને આગનું જોખમ
સુરત: શહેરના પુણા, સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોની રહેણાંક સોસાયટીઓમાં ધમધમતા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ એકમોને કારણે સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્યા છે. ઘરો વચ્ચે ટેક્સટાઇલ વર્ક, હોટફિક્સ એકમો અને ગોડાઉનો શરૂ થઈ જતાં 24 કલાક ઘોંઘાટ, પાર્કિંગ સમસ્યા અને આગનું જોખમ રહે છે. આમ, શાંતિ અને સલામતી છીનવાઈ જતાં સુરત ‘રહેવાલાયક શહેર’ની વ્યાખ્યામાંથી બહાર ફેંકાઈ રહ્યું હોવાનો મંત્રીનો મત છે. હાલમાં તંત્ર પણ લાચાર સાબિત થતાં લાખો નિર્દોષ લોકો ઘર આંગણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *