નવરાત્રી, લગ્નપ્રસંગ કે પરંપરાગત તહેવારો દરમિયાન જ્યારે સ્ત્રીઓ ચણિયાચોળી, સાડી કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરે છે, ત્યારે તેમનો લુક એક પરફેક્ટ હેન્ડબેગ કે એક્સેસરી વગર અધૂરો ગણાય છે. આજના સમયમાં આધુનિક હેન્ડબેગ્સ કે ક્લચ કરતાં પણ વધુ ક્રેઝ એમ્બ્રૉઇડરી પોટલી બેગ્સનો જોવા મળી રહ્યો છે. તે માત્ર એક એક્સેસરી નથી, પરંતુ ભારતીય ટ્રેડિશનલ ફેશનનું એક રોયલ પ્રતીક બની ચૂકી છે.
એમ્બ્રૉઇડરી પોટલી બેગ્સ ટ્રેન્ડિંગ હોવા પાછળ તેનો રિચ અને રોયલ અપીયરન્સ છે. પોટલી બેગ્સ પર થતું જરી-જરદોશી, આરી ભરત, કચ્છી એમ્બ્રોઇડરી, ગોટાપટ્ટી અને મિરર વર્ક તેને અત્યંત આકર્ષક બનાવે છે. સિલ્ક, વેલ્વેટ કે રો-સિલ્ક ફેબ્રિક પર કરવામાં આવેલું થ્રેડ વર્ક આઉટફિટને શાહી લુક આપે છે.
નવરાત્રી દરમિયાન ગરબા રમતી વખતે હાથમાં મોટી હેન્ડબેગ રાખવી અશક્ય હોય છે. એમ્બ્રોઇડરી પોટલી બેગ્સમાં કલરફુલ ટેસલ્સ, ડ્રો-સ્ટ્રિંગ (દોરી) અને કડાવાળી હાથમાં પહેરી શકાય તેવી ડાઇનિંગ સ્ટ્રિંગ હોય છે. તમે તેને કાંડા પર લટકાવીને અથવા કમર પર બેલ્ટની જેમ બાંધીને સરળતાથી ગરબા રમી શકો છો. નવરાત્રીમાં પર્સ લઇને ગરબે ધૂમવું એના કરતાં પોટલી બેગ્સ વધુ કફર્ટેબલ છે.
પોટલી બેગ્સના લોકપ્રિય પ્રકારો
કચ્છી અને મિરર વર્ક મલ્ટિ-કલર થ્રેડ અને આભલાં સાથેની આ પોટલી ચણિયાચોળી માટે સૌથી હોટ ફેવરિટ ગણાય છે. જરી અને સિક્વન્સ પોટલી ઓલ ટાઇપ ફેવરિટ છે. સિલ્ક કે વેલ્વેટના કાપડ પર ચમકતા ગોલ્ડન-સિલ્વર દોરા અને મોતીનું વર્ક તેને લગ્નપ્રસંગ કે હેવી ફંક્શન માટે આદર્શ બનાવે છે. બોહો-ચિક લુક પસંદ કરતી યુવતીઓ માટે કલરફુલ પોમ-પોમ અને કોડી લટકણવાળી પોટલીઓ અત્યારે ખૂબ ડિમાન્ડમાં છે. આ પ્રકારની પોટલી ચણિયાચોળી સાથે મેચ પણ કરે છે. આ બેગ્સ દેખાવમાં ભલે નાની લાગે, પણ તેમાં સ્માર્ટ ફોન, મેકઅપનો સામાન, ઘરની ચાવીઓ અને પૈસા જેવી જરૂરી વસ્તુઓ સરળતાથી સમાઈ જાય છે. આ ઉપરાંત, સ્થાનિક કારીગરો દ્વારા હાથથી બનાવાતી હોવાથી તે હેન્ડમેડ ક્રાફ્ટ અને વોકલ ફોર લોકલને પણ પ્રોત્સાહન આપે છે.
