સુરતના લસકાણા વિસ્તારમાં નવદંપતીના સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પત્ની હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દંપતી 10 દિવસ પહેલાં MPથી રોજગારી માટે સુરત આવ્યું
મૂળ મધ્યપ્રદેશના વતની યુવરાજ કટારા અને તેમની પત્ની રિન્કુના લગ્ન હજુ છ મહિના પહેલાં જ થયા હતા. આ નવપરિણીત યુગલ રોજગારીની શોધમાં માત્ર દસ દિવસ અગાઉ જ મધ્યપ્રદેશથી સુરત આવ્યું હતું. લસકાણા સ્થિત આઇકોનિક રોડ પાસે આવેલા ‘ગોલ્ડન વિલા કન્સ્ટ્રક્શન’ની સાઇટ પર મજૂરી કામ કરતા હતા. બિલ્ડર દ્વારા ત્યાં કામ કરતા મજૂરો માટે પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા, જેમાં આ દંપતી રહેતું હતું. લોખંડની એંગલ સાથે ચૂંદડી બાંધીને સામૂહિક આપઘાતનો પ્રયાસ
બે દિવસ અગાઉ અગમ્ય કારણોસર નવદંપતીએ પતરાના શેડમાં લાગેલી લોખંડની એંગલ સાથે એક જ ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઈ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ બંનેને તાત્કાલિક સારવાર અર્થે પી. પી. સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિ યુવરાજ કટારાનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની રિન્કુની હાલત ગંભીર જણાતી હતી. યુવરાજનું મોત નિપજતા તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. યુવરાજનું સારવાર દરમિયાન નિધન
લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પરમ દિવસે બંને પતિ-પત્નીએ આ અંતિમ પગલું ભર્યું હતું, જેમાં આજે યુવરાજનું સારવાર દરમિયાન નિધન થયું છે. ઘટના સમયે પત્ની રિન્કુ બેભાન અવસ્થામાં હતી, પરંતુ હવે તે ધીમે-ધીમે ભાનમાં આવી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ કરશે અને જો મહિલાનું સ્વાસ્થ્ય નિવેદન આપવાની સ્થિતિમાં હશે, તો તેની પાસેથી સત્તાવાર જવાબ નોંધવામાં આવશે. હાલ પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ ઊંડાણપૂર્વકની કાનૂની તપાસ હાથ ધરી છે.
લગ્નના 6 મહિનામાં જ નવદંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ:એક જ ચૂંદડીથી ગળેફાંસો ખાધો, MPથી મજૂરી કરવા આવેલા પતિનું મોત; પત્ની વેન્ટિલેટર પર
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
