લગ્ન બાદ IPS અન્નુ ટાટુની આસામ-મેઘાલયમાંથી ગુજરાત કેડરમાં બદલી:2022 બેચનાં Gen-Z IPS અધિકારી, પતિ કચ્છમાં ASP તરીકે ફરજ બજાવે છે

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત પોલીસ કેડરમાં વધુ એક યુવા IPS અધિકારીનો સમાવેશ થવાનો માર્ગ મોકળો થયો છે. 2022 બેચનાં IPS અધિકારી અન્નુ ટાટુની આસામ-મેઘાલય કેડરમાંથી ગુજરાત કેડરમાં બદલીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. લગ્નના આધારે આ આંતર-કેડર બદલી મંજૂર કરવામાં આવી છે. અન્નુ ટાટુનાં પતિ ગૌતમ વિવેકાનંદન ગુજરાત કેડરના 2023 બેચના IPS અધિકારી છે અને હાલમાં કચ્છના મુન્દ્રામાં ASP તરીકે ફરજ બજાવે છે. આ નિર્ણય બાદ બંને અધિકારીઓ એક જ રાજ્યની કેડરમાં સેવા આપી શકશે. અન્નુ ટાટુ અગાઉ આસામના સદિયા ખાતે ASP, હેડક્વાર્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમની ગુજરાત કેડરમાં બદલીને મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યમાં તેમની નવી નિમણૂક ક્યાં કરવામાં આવશે તે અંગેની સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. કયા જિલ્લા કે પોલીસ એકમમાં તેમને જવાબદારી સોંપવામાં આવશે અને તેઓ ક્યારે ચાર્જ સંભાળશે તે સંબંધિત આદેશ બાદ સ્પષ્ટ થશે. UPSC પાસ કરીને 2022માં IPS બન્યાં હતાં
અન્નુ ટાટુનો જન્મ 14 જાન્યુઆરી, 1998ના રોજ થયો છે. તેઓ મૂળ રાજસ્થાનનાં છે અને તેમણે બેચલર ઑફ આર્ટ્સ (BA) સુધીનો અભ્યાસ કર્યો છે. UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કર્યા બાદ 29 ઑગસ્ટ, 2022ના રોજ તેઓ IPS સેવામાં જોડાયાં હતાં. તેમની પ્રારંભિક નિમણૂક આસામ-મેઘાલય કેડરમાં થઈ હતી. આસામની ઓગસ્ટ 2025ની સિવિલ લિસ્ટ મુજબ તેઓ સદિયા ખાતે ASP, હેડક્વાર્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. પતિ ગૌતમ વિવેકાનંદન કચ્છના મુન્દ્રામાં ASP
ગૌતમ વિવેકાનંદન 2023 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. તેમનો જન્મ 5 નવેમ્બર, 1998ના રોજ થયો છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં B.Tech.ની ડિગ્રી મેળવી છે અને 13 નવેમ્બર, 2023ના રોજ IPS સેવામાં જોડાયા હતા. અગાઉ તેઓ વડોદરા ગ્રામ્યમાં ASP તરીકે કાર્યરત હતા. ત્યારબાદ તેમની નિમણૂક કચ્છના મુન્દ્રામાં ASP તરીકે કરવામાં આવી હતી. હવે પત્ની અન્નુ ટાટુની ગુજરાત કેડરમાં બદલીને મંજૂરી મળતાં બંને અધિકારીઓ એક જ રાજ્યમાં સેવા આપશે. IPS કેડર નિયમ 5(2) હેઠળ બદલી
અન્નુ ટાટુની બદલી ભારતીય પોલીસ સેવા (કેડર) નિયમો, 1954ના નિયમ 5(2) હેઠળ મંજૂર થયાનું જણાવાયું છે. આ નિયમ હેઠળ નિર્ધારિત શરતો અને સંબંધિત રાજ્યોની સંમતિને આધીન કેન્દ્ર સરકાર એક કેડરમાંથી બીજા કેડરમાં અધિકારીની બદલી મંજૂર કરી શકે છે. અલગ-અલગ કેડરમાં ફરજ બજાવતા અખિલ ભારતીય સેવા (All India Services)ના અધિકારીઓના લગ્ન બાદ એક જ કેડરમાં સેવા આપવા માટેની વિનંતી પર લાગુ નીતિ મુજબ વિચારણા થઈ શકે છે. જોકે, આવી બદલી આપમેળે થતી નથી; તે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી અને લાગુ પડતી શરતોને આધીન હોય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *