ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મહેસાણા જિલ્લાના સતલાસણ ખાતે સફળ છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિઓને 83 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સતલાસણ પોલીસ મથકમાં નોંધાયેલા જુગારના ગુનામાં આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર કરાયા બાદ માર નહીં મારવા માટે કોન્સ્ટેબલે 1 લાખની માંગણી કરી રકઝકના અંતે 83 હજાર નક્કી કર્યા હતા. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરતાં અમદાવાદ ACBની ટીમે સતલાસણમાં જાહેર રોડ પર ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવી લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ અને તેના વચેટિયા મિત્રને દબોચી લીધા હતા. પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવા લાંચની માંગણી કરી
પ્રાપ્ત વિગતો અનુસાર, સતલાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના એક કેસમાં ફરિયાદી અને અન્ય વ્યક્તિઓ આરોપી તરીકે સામેલ હતા. આ કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેમને માર નહીં મારવા અને કનડગત ન કરવાના અવેજ પેટે સતલાસણ પોલીસ સ્ટેશનના આરોપી પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરીએ ફરિયાદી પાસે 1 લાખની ગેરકાયદે લાંચ માંગી હતી. ફરિયાદી સાથે રકઝક થયા બાદ આખરે લાંચ પેટે 83 હજાર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ બાદ ACBનું છટકું
ફરિયાદી લાંચના નાણાં આપવા માટે જરાય રાજી ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક સાધીને સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને ACB ફિલ્ડ-3 (ઇન્ટેલિજન્સ વિંગ) અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા અને તેમની ટીમે 31 ઓગસ્ટ, 2026ના રોજ સતલાસણ ખાતે લાંચિયા તત્વોને પકડવા માટે ગુપ્ત છટકું ગોઠવ્યું હતું. જાહેર રોડ પર ગાડીમાં લાંચ સ્વીકારતાં જ બંને આરોપીઓ ઝડપાયા
આયોજિત ટ્રેપ દરમિયાન આરોપી પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્ર આશિષભાઈ નાનજીભાઇ ચૌધરી (રહે. સતલાસણ) એ ફરિયાદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને નાણાં આપવા બોલાવ્યા હતા. સતલાસણમાં સુરજ કોમ્પલેક્ષની સામે જાહેર રોડ પર આરોપીના મિત્રની ગાડીમાં ફરિયાદી પાસેથી રૂ. 83 હજારની લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પંચોની હાજરીમાં ત્રાટકેલી ACB ની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. ACB એ લાંચની સંપૂર્ણ રકમ કબ્જે કરીને બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો:સતલાસણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેના સાગરીત 83 હજારની લાંચ લેતા ઝડપાયા
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
