ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આજે 2 સપ્ટેમ્બર અને આવતીકાલે 3 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. 1 સપ્ટેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું છે. તો આ તરફ લાંબા વિરામ બાદ આજે 2 સપ્ટેમ્બરે અમરેલીના રાજુલામાં વરસાદી માહોલ છે. રાજુલા શહેરમાં સવારના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોને થોડી રાહત થઈ છે. 4થી 8 સપ્ટેમ્બરે પણ હળવા વરસાદની આગાહી
4 અને 5 સપ્ટેમ્બરે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા યથાવત રહેશે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ-દીવ માટે કોઈ ખાસ વેધર વોર્નિંગ જાહેર કરી નથી. 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. પશ્ચિમ બંગાળ પાસે લો-પ્રેશર સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ સુધી ટ્રફ પણ વિસ્તરેલો છે. રાજ્યમાં સિઝનનો 14 ટકા વરસાદ ઓછો વરસ્યો
1 જૂનથી 1 સપ્ટેમ્બર 2026 સુધીના રાજ્યના ચોમાસાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાત રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સરેરાશ 600.9 મિલીમીટર સામે 514.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14 ટકા ઓછો છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલી તથા દીવમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ (2746 મિલીમીટર) વરસાદ થયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદની ઘટ
ગુજરાત રીજનમાં સરેરાશ 794.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય (787.8 મિલીમીટર)ની આસપાસ એટલે કે 1 ટકા વધુ છે. આ ઝોનમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહ્યો છે, જેમાં વલસાડમાં 53 ટકા (2714 મિલીમીટર), નવસારીમાં 43 ટકા (2233.6 મિલીમીટર), અને સુરતમાં 35 ટકા (1478.8 મિલીમીટર) વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, અરવલ્લી (-45%), દાહોદ (-45%), સાબરકાંઠા (-43%), અને વડોદરા (-30%) જેવા જિલ્લાઓમાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઘટ જોવા મળી છે. અમદાવાદમાં સરેરાશ કરતાં 4 ટકા ઓછો (541.4 મિલીમીટર) જ્યારે ગાંધીનગરમાં 25 ટકા ઓછો (484.1 મિલીમીટર) વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 88 ટકા વરસાદની ઘટ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક રહી છે, જ્યાં સરેરાશ 451.7 મિલીમીટર સામે માત્ર 292.4 મિલીમીટર વરસાદ જ થયો છે, જે સામાન્ય કરતાં 35 ટકાની મોટી ઘટ દર્શાવે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સામાન્ય કરતાં સૌથી વધુ 88 ટકાની ઘટ (માત્ર 58.1 મિલીમીટર) જોવા મળી છે. આ ઉપરાંત પોરબંદરમાં 72 ટકા, જામનગર અને કચ્છમાં 60 ટકા, તેમજ ગીર સોમનાથમાં 38 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં માત્ર સુરેન્દ્રનગરમાં 11 ટકા અને અમરેલીમાં 7 ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓછો કે સામાન્ય આસપાસ વરસાદ રહ્યો છે.
લાંબા વિરામ બાદ અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું:આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
