લાખણકા દરિયા કિનારે ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે ખનન ઝડપાયું:2 સામે ફરિયાદ, ડ્રોન જોઈ મશીનરી ચાલકો વાહનો લઈ ફરાર; ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં થતા ગેરકાયદેસર ખનિજ ખનન અને વહનને નાથવા માટે ખાણ-ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, ભાવનગરની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી હાથ ધરાયેલી તપાસ દરમિયાન લાખણકા ગામના દરિયા કિનારેથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી છે. ગત 21 સપ્ટેમ્બરના રોજ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના માઇન્સ સુપરવાઇઝર ગોવિંદ નાથાભાઈ પીઠીયા, સિક્યુરિટી ગાર્ડ સંજય ગઢવી તથા ગાંધીનગર ડ્રોન સર્વેલન્સની ટીમ સાથે થળસરથી લાખણકા દરિયા કિનારા સુધીના વિસ્તારમાં તપાસ માટે નીકળ્યા હતા. બપોરના સમય દરમિયાન ડ્રોન સર્વેલન્સ હાથ ધરતાં લાખણકા દરિયા કિનારે સાદી રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન ચાલુ હોવાનું ડ્રોન કેમેરામાં કેપ્ચર થયું હતું. ડ્રોન જોઈ મશીનરી ચાલકો વાહનો લઈ ફરાર
ડ્રોન કેમેરાના વીડિયો ફૂટેજમાં એક લોડર મશીન અને સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ગેરકાયદેસર રેતી ભરીને વહન કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળે 4 મોટરસાયકલ અને કેટલાક શખસો પણ હાજર જોવા મળ્યા હતા. જોકે, આકાશમાં ડ્રોન જોઈ જતાં મશીનરી અને ટ્રેક્ટર ચાલકો ખોદકામવાળી જગ્યા પરથી વાહનો લઈને ગામ તરફ ભાગી છૂટ્યા હતા. ખાણ-ખનિજ વિભાગની ટીમે ગામ તરફ ભાગેલા વાહનોની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ વાહનો મળી આવ્યા નહોતા. વીડિયો ફૂટેજના આધારે વાહનોની ઓળખ
રજીસ્ટ્રેશન નંબર વગરનું, સાઈડમાં અંગ્રેજીમાં “DABASIYA” લખેલું, ટ્રેક્ટર નંબર વગરનું, સાથે જોડેલ ટ્રોલીનો રજીસ્ટ્રેશન નંબર GJ-04-W-8002, ઘટનાસ્થળે રહેલ ચાર પૈકી બે બાઇકના નંબર GJ-04-ES-2100 અને GJ-04-BP-6545 સ્પષ્ટ દેખાયા હતા, જ્યારે અન્ય બે બાઇકના નંબર વાંચી શકાયા નહોતા. કોઈપણ પાસ-પરમિટ વગર એકબીજાના મેળાપીપણામાં સાદી રેતીનું ગેરકાયદે ખનન/વહન કરવા બદલ ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ડ્રોન સર્વેલન્સના ફોટોગ્રાફ્સ અને વિડીયો પેનડ્રાઇવમાં પુરાવા તરીકે લઈ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો અને તપાસમાં ખુલવા પામનાર તમામ શખસો વિરુદ્ધ ગુનો દાખલ
આ મામલે એમ.એમ.ડી.આર. એક્ટની કલમ-4(1), 4(1એ) તથા 21(5), ગુજરાત બિન અધિકૃત ખનિજ નિવારણ નિયમોના નિયમ 21 તેમજ ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ ગેરકાયદે ખનન કરનાર મશીનરી/વાહન ચાલકો અને તપાસમાં ખુલવા પામનાર તમામ શખસો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *