લીમખેડામાં રેલવે ઘરનાળાની નજીક આવેલ જોધપુરી જલેબી સેન્ટરના સંચાલક દ્વારા ગ્રાહકોને ગરમાગરમ અને સ્વાદિષ્ટ જલેબી પ્રિન્ટેડ રદદી કાગળમાં પેક કરીને આપવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ખાણીપીણીની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું જણાયું છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ તેમજ સરકાર દ્વારા અગાઉથી જ ન્યૂઝપેપર, ઇન્કવાળા કાગળ કે અન્ય પ્રિન્ટેડ રદદી કાગળમાં કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવા ઉપર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અખબારો છાપવા માટે ઉપયોગમાં લેવાતી સ્યાહીમાં વિવિધ હાનિકારક રસાયણો, પિગમેન્ટ્સ અને ઝેરી તત્વો હોય છે, જે ગરમી કે તેલના સંપર્કમાં આવવાથી સીધા જ ખાદ્ય પદાર્થમાં ભળી જાય છે. આ ઝેરી તત્વો મનુષ્યના શરીરમાં પ્રવેશવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ ઉપરાંત પાચન તંત્ર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા બેફામપણે આ નિયમોની ધજાગ્યા ઉડાડવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં આ બાબતે ભારે રોષ ફેલાયો છે. રેલવે ઘરનાળા નજીક ધમધમતી આ દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ જામતી હોય છે, અને ગ્રાહકો અજાણતા જ પોતાના પરિવાર માટે ઝેર સમાન ખોરાક ખરીદીને ઘર ભેગો કરી રહ્યા છે. અગાઉ પણ તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેખે સ્થિતિ જસની તસ જોવા મળી રહી છે. આ ગંભીર બેદરકારી સામે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ક્યારે સચોટ કાર્યવાહી કરવામાં આવશે તે મોટો પ્રશ્ન બન્યો છે. અગાઉ થયેલી ચેતવણીઓ અને નિયમોના આદેશો છતાં જવાબદાર સંચાલકો બેફામ બન્યા છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આ દુકાન તેમજ વિસ્તારની અન્ય ખાણીપીણીની હોટલો અને લારીઓ પર સઘન તપાસ હાથ ધરીને કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે જેથી સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
લીમખેડામાં પ્રિન્ટેડ કાગળમાં ગરમાગરમ જલેબીનું વેચાણ:નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતાં તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
