લુણાવાડા શહેરમાં GBSના શંકાસ્પદ કેસો નોંધાતા, જાહેર આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ અને અન્ય ફૂડ સ્ટોલ પર આકસ્મિક ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન, અધિકારીઓએ મુખ્યત્વે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા, વેચાણ સ્થળ અને તેની આસપાસની સાફ-સફાઈ, તેમજ જાહેર આરોગ્યલક્ષી અન્ય બાબતોની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેટલાક સંચાલકો દ્વારા સ્વચ્છતાના નિયમોની અવગણના કરવામાં આવી રહી હતી. નિયમોનું પાલન ન કરતા અને ગંદકી ફેલાવતા કુલ 7 સ્થળો સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ સંબંધિત રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ સંચાલકો પાસેથી કુલ રૂ. 5,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન, તમામ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને કડક ચેતવણી આપવામાં આવી હતી કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં જો સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
લુણાવાડામાં GBSના શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર એલર્ટ:પાલિકાની ટીમે રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ સહિતમાં સઘન ચેકિંગ કર્યું, 7 સ્થળોએથી રૂ. 5,000નો દંડ વસૂલ્યો
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
