કચ્છની હસ્તકળા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડતી એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમની ટૂંકી ફિલ્મ ‘લોસ્ટ હાર્મનિઝ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળી છે. શ્રુજન ટ્રસ્ટ સંચાલિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર દ્વારા નિર્મિત આ ફિલ્મને ટંગ્સ ઓન ફાયર એવોર્ડ-2026માં બેસ્ટ શોર્ટ ફિલ્મ એવોર્ડ એનાયત થયો છે. ફિલ્મને ધ મેકર્સ ફિલ્મ ફેસ્ટિવલ, બ્રિસ્ટલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ, ધ નેશનલ ફેસ્ટિવલ ઓફ મેકિંગ અને ફ્લેટપેક ફેસ્ટિવલ-2026માં ઓફિશિયલ સિલેક્શન મળ્યું છે. ફિલ્મ કચ્છની પરંપરાગત ખરકી (મેટલ બેલ) બનાવવાની કળા અને માલધારી સંસ્કૃતિ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને રજૂ કરે છે. બદલાતા સમય અને બજારની માંગ વચ્ચે આ કળા ધીમે ધીમે લુપ્ત થતી જતી હોવાના પડકારને ફિલ્મમાં ઉજાગર કરવામાં આવ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન સીમા ગોંસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સંશોધન અને સંકલ્પનાની જવાબદારી વિમલ ત્રિવેદી અને શ્રદ્ધા ઠક્કર દ્વારા સંભાળવામાં આવી હતી. લોકેશન મેનેજર તરીકે નેહાલ રાઠોડએ ભૂમિકા ભજવી હતી. એલએલડીસીના મેનેજિંગ ડિરેક્ટર અમી શ્રોફ, સીઈઓ રાજીવ ભટ્ટ અને રિસર્ચ હેડ વિશાલ મકવાણાના માર્ગદર્શન હેઠળ ફિલ્મ બની હતી.
‘લોસ્ટ હાર્મનિઝ’ આં. સ્તરે સન્માનિત:કચ્છની ‘ખરકી’ કળાને વિશ્વ મંચ પર ઓળખ અપાવતી ફિલ્મને એવોર્ડ
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
