વડોદરા શહેર પોલીસ વિભાગમાં ચર્ચાસ્પદ બનેલા ASI અને PCBનો વહીવટદાર દીપુસિંગને સસ્પેન્ડ કરવામાં આવ્યો. નંદેસરી વિસ્તારમાંથી ₹1.40 કરોડની કિંમતના દારૂ ઝડપાવાના કેસ બાદ પોલીસ વિભાગમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, DGP દ્વારા વહીવટદારને દ્વારકા હેડક્વાર્ટર ખાતે મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. દીપુસિંગની બદલી અગાઉ વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં થયેલી હતી, દીપુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવવા જતો ન હોતો, તે PCBમાં જ નોકરી માટે જતો હતો. તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી. વડોદરા શહેર પોલીસમાં તે ઘણા વર્ષોથી ફરજ બજાવતો હતો. દીપુ અને બૂટલેગર મનોજ પાપડ વચ્ચે અસંખ્ય વખત ફોન પર વાતચીત થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને બંને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા. આ ઉપરાંત તે વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ખાસ હોવાનુ પણ બહાર આવ્યું છે. ASI દીપુ સામેની કાર્યવાહી બાદ અધિકારીઓમાં ફફડાટ
આ સમગ્ર મામલે રાજકીય સ્તરે પણ રજૂઆતો થઈ હોવાની અને દબાણ ઊભું થયાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. ASI દીપુ સામેની કાર્યવાહી બાદ PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)ના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કાર્યવાહી થઈ શકે તેવી અટકળો પણ વહેતી થઈ છે. આ દરમિયાન, આ ઘટનાને પગલે શહેર પોલીસ વિભાગની અન્ય શાખાઓમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી, કામગીરી તથા તેમની ભૂમિકા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. સમગ્ર મામલે પોલીસ બેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે. દારૂના કેસમાં PI બાદ હવે ASIને સસ્પેન્ડ કરાયો
નંદેસરી વિસ્તારના 1.40 કરોડના દારૂના કેસમાં નંદેસરી પોલીસ સ્ટેશનના તત્કાલીન PI એ.એ. વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના તપાસ અહેવાલ બાદ રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા મે 2026માં તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરાયા હતા. નંદેસરી GIDC નજીક રઢીયાપુરા ગામે SMCએ દરોડો પાડીને 1.40 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. આ દરોડામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 10થી વધુ આરોપીઓ ફરાર જાહેર થયા હતા.
વડોદરાનો ચર્ચાસ્પદ ASI દીપુ સસ્પેન્ડ:દ્વારકા હેડક્વાર્ટર ખાતે મૂકવાનો DGPનો હુકમ, નંદેસરી 1.40 કરોડના દારૂ ઝડપાવવાના SMCના કેસ બાદ કાર્યવાહી
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
