વડોદરામાં મલબાર ગોલ્ડના શો-રૂમમાં કર્મચારીની કાળી કરતૂત:સોનાની 4 ચેઇન ચોરી કરી નકલી ચેઇન મૂકી દીધી, સ્ટોક ચેક કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો, 8 મહિનામાં 9 લાખથી વધુની કિંમતની સોનાની ચેઇન ગાયબ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શોરૂમમાં કામ કરતા કર્મચારી ફૈઝલ સલીમ મન્સુરીએ ડિસ્પ્લેમાં મુકેલી સોનાની ચેઇન કાઢી તેની જગ્યાએ નકલી ચેઇન મૂકી દીધી હતી. ચોકની ચકાસણી કરતા એક નહીં પરંતુ ચાર સોનાની ચેઇન ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બે ચેન તેની પાસેથી પરત લેવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના રેસકોર્સ રોડ પર વાણિજ્ય ભવન સામે આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા રેવન ગણપતરાવ ગુજરે નોધાવેલી ફરિયાદ મુજબ તા. 14 ઓગસ્ટના રોજ કંપનીનો સ્ટોક ચેક કરવામાં આવતા એક સોનાની ચેઇનની જગ્યાએ નકલી ચેઇન હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ શોરૂમના સીસીટીવી કેમેરા ચેક કરતાં તા.12 ઓગસ્ટના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં કર્મચારી ફૈઝલ મન્સુરી ડિસ્પ્લેમાંથી સોનાની ચેઇન લઈ રિપેરિંગ ટેબલ તરફ ગયો હતો. ફૈઝલે ચેઇનનું ટેગ તોડી તેને વોશરૂમમાં લઈ જઈ અસલી ચેઇનની જગ્યાએ નકલી ચેઇન મૂકી હતી. ત્યારબાદ સ્ટોકની વિગતવાર તપાસ કરવામાં આવતા જાન્યુઆરી મહિનામાં 18.450 ગ્રામની રૂ. 3,21,565ની સોનાની ચેઇન, ફેબ્રુઆરીમાં 16.465 ગ્રામની રૂ. 2,81,719ની ચેઇન તથા જૂન મહિનામાં 4.038 ગ્રામની અંદાજે રૂ. 65 હજારની ચેઇન ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તા. 12 ઓગસ્ટના રોજ 6.200 ગ્રામની અંદાજે રૂ. એક લાખની ચેઇન પણ ચોરી થઈ હોવાનું જણાયું હતું. ફૈઝલને પૂછપરછ કરતાં તેણે જૂન મહિનામાં ચોરી કરેલી તથા 12 ઓગસ્ટે ચોરી કરેલી બે સોનાની ચેઇન પરત આપી દીધી હતી. જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગાયબ થયેલી બે ચેઇન અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની બંને ચેઇનની કુલ કિંમત રૂ. 6,03,284 થાય છે, જ્યારે અન્ય બે ચેઇન સહિત ચોરી થયેલા સોનાની કિંમત અંદાજે રૂ. 9 લાખથી વધુ હોવાનું સામે આવે છે. ફરિયાદીએ શોરૂમના કર્મચારી ફૈઝલ મન્સુરીએ એકલા હાથે અથવા અન્ય કોઈ કર્મચારીની મિલીભગતથી ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *