વડોદરામાં મોબાઈલની જીદમાં 17 વર્ષની દીકરીએ પિતાને બચકાં ભર્યાં:દીકરી સોશિયલ મીડિયા રીલ્સ અને ફોટા અપલોડ કરવામાં વ્યસ્ત રહેતી, એક યુવક સાથે વાતચીત કરતી, અભયમ ટીમે કાઉન્સેલિંગ કર્યું

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગને લઈને 17 વર્ષની દીકરી અને માતા-પિતા વચ્ચે વિવાદ થતાં મામલો અભયમ ટીમ સુધી પહોંચ્યો હતો. દીકરી સોશિયલ મીડિયા પર રીલ્સ તથા ફોટા અપલોડ કરવામાં વ્યસ્ત રહેતી હોવાની માતા-પિતાની ફરિયાદ હતી. મોબાઈલ લઈ લેતાં દીકરીએ પિતાને બચકાં ભરતાં માતાએ અભયમની મદદ માગી હતી. વડોદરા શહેર વિસ્તારમાંથી એક મહિલાએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરી પોતાની 17 વર્ષની દીકરી તેમની સાથે યોગ્ય રીતે વર્તન કરતી ન હોવાની ફરિયાદ કરી હતી. દીકરી મોટાભાગનો સમય મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી તેનું કાઉન્સેલિંગ કરી સમજ આપવા માતાએ અભયમ ટીમને વિનંતી કરી હતી. માહિતી મળતાં અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અભયમનો ટીમને જાણવા મળ્યું હતું કે, 17 વર્ષની દીકરી હાલ અભ્યાસ કરી રહી છે. માતા-પિતા બંને નોકરી પર જતા હોવાથી તે દિવસ દરમિયાન ઘરે એકલી રહેતી હતી અને એકલતાના કારણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી અને ફોટા અપલોડ કરતી હતી. માતા-પિતાના જણાવ્યા મુજબ, તેઓ ઘરે આવ્યા બાદ પણ દીકરી પોતાના રૂમમાં જ બેસી રહેતી હતી અને માતા-પિતા સાથે વાતચીત કરતી નહોતી. કોઈ બાબતે સમજાવવા કે, વાત કરવા જતા તે ગુસ્સે થઈ જતી હતી. બે દિવસ અગાઉ દીકરીને એક યુવક સાથે વાત કરતા જોઈ પિતાએ તેનો મોબાઈલ લઈ લીધો હતો. આ સમયે દીકરીએ ગુસ્સામાં પિતાને બચકાં ભરી મોબાઈલ પરત લેવાની જીદ કરી હતી. દીકરીના આ વર્તનથી માતા-પિતા ચિંતિત બની ગયા હતા. દીકરી માતા-પિતાની મર્યાદા જાળવતી નહોતી. દીકરીના અભ્યાસ અંગે પણ માતા-પિતાએ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક યુવક અવારનવાર છોકરીને ફોન કરી મળવા માટે બોલાવતો હોવાની પણ માતા-પિતાને જાણ થઈ હતી. અભયમ ટીમના જણાવ્યા મુજબ, ઈન્સ્ટાગ્રામ પર નામ બદલીને યુવક સગીરા સાથે ફ્રેન્ડશીપ કરીને વાતચીત કરતો હતો અને તેને મળવા માટે બોલાવતો હતો. આ બાબતની જાણ થતાં માતા-પિતાને દીકરી ખોટી વ્યક્તિના સંપર્કમાં આવી રહી હોવાની ચિંતા થઈ હતી. મોબાઈલ લઈ લેવાના મામલે થયેલા વિવાદ બાદ તેમણે દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કરાવવા અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે દીકરીનું અસરકારક કાઉન્સેલિંગ કરી તેને મોબાઈલના ઉપયોગ અને સોશિયલ મીડિયા અંગે સમજ આપી હતી. મોબાઈલ માટે માતા-પિતા સાથે ગેરવર્તન ન કરવું, કોઈ વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોય તો તાત્કાલિક માતા-પિતાને જાણ કરવી અને અજાણી કે ખોટી વ્યક્તિના સંપર્કમાં ન આવવા સમજાવવામાં આવી હતી. અભયમની ટીમે દીકરીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી કારકિર્દી બનાવવાની સલાહ આપી હતી. મોબાઈલનો ઉપયોગ મુખ્યત્વે અભ્યાસ અને જરૂરી કામ માટે કરવો જોઈએ, રીલ્સ બનાવવા કે સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર કરવા માટે નહીં, તેવી સમજ આપી હતી. કાઉન્સેલિંગ બાદ દીકરીએ માતા-પિતાને ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં તેમની સાથે ગેરવર્તન નહીં કરે અને અગાઉ બનેલી ઘટના ફરી નહીં બને. દીકરીમાં સમજણ આવતાં માતા-પિતાએ આગળ કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. અંતે અભયમ ટીમની સમજાવટ બાદ પરિવાર વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *