વડોદરામાં રોકાણના નામે ઠગાઈ:ફતેગંજમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે 40 લાખ પડાવ્યા, સયાજીગંજમાં સમૃદ્ધ જીવન સોસાયટીમાં વધુ વ્યાજની લાલચ આપી વધુ બે લોકો સાથે 8.45 લાખની છેતરપિંડી

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં રોકાણ અને વધુ વળતરની લાલચ આપીને લોકો પાસેથી નાણાં પડાવી લેવાના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ફતેગંજ વિસ્તારમાં બિલ્ડરે વિવાદિત પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી રૂ.40 લાખનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે સયાજીગંજ વિસ્તારમાં સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી બે અલગ-અલગ ફરિયાદીઓ પાસેથી કુલ રૂ.8.45 લાખ મેળવી પરત નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય બનાવોમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફતેગંજના હેમદીપ ફ્લેટમાં રહેતા રવિન્દ્ર યશવંતરાય પરમેકર પાસેથી આરોપી માજીદખાન જફરુલ્લાખાન પઠાણે ધ વિસ્ટા નામના પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યું હતું. આરોપી ઇન્ફીબ્રીક્સ ડેવલપર્સના માલિક હોવાનું અને જીમખાના રોડ પર આવેલી ધ વિસ્ટા સાઇટ વિવાદમાં હોવા ઉપરાંત બાંધકામ બંધ હોવાનું જાણતા હોવા છતાં ફરિયાદીને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફ્લેટ બુકિંગના નામે રૂ.40 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, આજદિન સુધી ન તો રોકાણની રકમ પરત આપી કે ન તો ફ્લેટનું બુકિંગ કરી આપ્યું હતું. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણના નામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અકોટા વિસ્તારમાં રહેતી નેહા દીપક દોશીની ફરિયાદ મુજબ, આરોપી પ્રીતિ મરાઠેએ વર્ષ 2013થી 2016 દરમિયાન ફરિયાદીના લગ્ન પહેલાં તેમના માતા-પિતાના ઘરે જઈને સોસાયટીમાં નાણાંનું રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી ખાતરી આપી હતી. આ રીતે ફરિયાદીના પિતા પાસેથી કુલ રૂ.3.95 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, સમય વીતી જવા છતાં રોકાણ કરેલી રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે 21 નવેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલા અન્ય એક બનાવમાં અલકાનગર સોસાયટીના રહેવાસી જ્યુડ ડોમનીક ડિસોઝાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી શેખર જોશી અને સચિન કદમે વર્ષ 2014 અને 2015 દરમિયાન ફરિયાદીના ઘરે જઈ સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. તેમની વાતોમાં આવી ફરિયાદીએ બંને આરોપીઓને કુલ રૂ.4.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, લાંબા સમય બાદ પણ નાણાં પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે પણ 21 નવેમ્બર 2026ના રોજ ગુનો નોંધાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *