વડોદરામાં હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો:સ્થળ પરથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવરથી લાલરંગની કાર સુધી પોલીસ પહોંચી, વાસદ ટોલનાકાના CCTVના આધારે 14 શંકાસ્પદ કારની તપાસ કરતા કળી મળી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 14 જેટલી શંકાસ્પદ કારોની તપાસ કરી અંતે અકસ્માત સર્જનાર ચાલક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. વડોદરા નજીક દશરથ ગામ પાસે જી.એસ.એફ.સી. યુનિવર્સિટી તરફથી નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહેલા 55 વર્ષીય પદમલા નિવાસી હનુમાન જાટને પૂરપાટ ઝડપે દોડતી એક અજાણી લાલ રંગની કારના ચાલકે જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે હનુમાન જાટનું મૃત્યુ થયું હતું અને કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને છાણી પોલીસે ઘટનાસ્થળેથી કારના તૂટેલા ફાઇબરના ટુકડા (સાઇડ ગ્લાસ અને લાઇટના કવર) કબજે કર્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ, આસપાસના સીસીટીવી કેમેરા અને વાસદ ટોલપ્લાઝાના ડેટાનું ઊંડાણપૂર્વક એનાલીસીસ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક લાલ રંગની હ્યુન્ડાઈ કંપનીની આઇ-20 કાર શંકાસ્પદ જણાઈ હતી, જેના ડાબી બાજુના ભાગે તાજા નુકસાનના ચિહ્નો જોવા મળ્યા હતા. પોલીસે આ કાર અને ઘટનાસ્થળેથી મળેલા પાર્ટ્સને એફ.એસ.એલ. અધિકારી સમક્ષ રજૂ કરી તપાસ કરાવતા બંને બિલકુલ મેચ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે કડક કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર કારચાલક ઇલિયાસ કમરૂદ્દીન કાઝી (રહે. પટેલ વાડીની સામે, નૂરાની મસ્જીદ મહોલ્લો, ગોરવા, વડોદરા શહેર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મૂળ રાજસ્થાનના વતની અને હાલ પદમલા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ઇન્દિરા કોલોની નજીક એચપી પેટ્રોલ પંપ પાસે આઈસ્ક્રીમ અને ફ્રુટ સલાડની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. રાત્રિના અંદાજે 7:45 થી 8 વાગ્યાના સુમારે એક પુરપાટ ઝડપે આવતી લાલ રંગની કારે તેમને અડફેટે લેતા તેમનું નીપજ્યું હતું. ઘટના બનતા જ કાર ચાલક પોતાના પરિવાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન લાલ રંગની આઈ-20 કારની સાઈડલાઈટનું ફાઈબર કવર તૂટીને પડેલું મળી આવ્યું હતું. આ ટુકડા ગેરેજ નિષ્ણાતોને બતાવી કારનું મોડેલ કન્ફર્મ કરવામાં આવ્યું હતું. બનાવના સમયગાળા દરમિયાન વાસદ ટોલ નાકેથી પસાર થયેલી અંદાજે 13થી 14 જેટલી લાલ રંગની કારની યાદી તૈયાર કરી પોલીસે તપાસ હાથ ધરી હતી
પોલીસ ટીમે ટોલ નાકાના ડેટા પરથી કાર માલિકોનો સંપર્ક કરી વીડિયો કોલ દ્વારા વાહનોની સ્થિતિ ચકાસવાનું શરૂ કર્યું હતું. જેમાં વાઘોડિયા રોડ પર રહેતા કાર માલિકે શરૂઆતમાં આનાકાની કરી હતી, પરંતુ વીડિયો કોલ પર કાર બતાવવાનું કહેતાં તેણે અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી હતી. કાર માલિકે જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. લોકોના ટોળાના ભયથી તે સ્થળ પરથી નીકળી ગયો હતો. પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ કરી છે. એફએસએલ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી
પોલીસે બીજા દિવસે કાર મંગાવી FSL અધિકારીઓની મદદથી તપાસ કરાવી હતી. ઘટનાસ્થળેથી મળેલા સાઈડલાઈટના ટુકડા અને કારના હેડલાઈટ, ફોગલાઈટ તથા બોનેટ પર થયેલા નુકસાનનું મેચિંગ થતાં જ પોલીસે ડ્રાઈવર ઈલિયાસ કમરુદ્દીન કાઝીની અટકાયત કરી હતી. પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ 134 સહિતના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *