વડોદરા કોર્ટમાં 2 પોલીસકર્મી પર હુમલો કરનાર NRI યુવક ઝડપાયો:કોર્ટ રૂમમાં શિસ્ત જાળવવા અંગે ટકોર કરતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. કોર્ટ રૂમમાં શિસ્ત જાળવવા અંગે ટકોર કરતાં ઉશ્કેરાયેલા શખસે કોન્સ્ટેબલને લાફો મારી મારામારી કરી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ તેને પકડવા ગયેલા અન્ય પોલીસ કર્મચારી પર પણ હુમલો કર્યો હતો. આ મામલે આરોપી NRI ગૌરાંગ ગિરીશભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાં માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નિતીન શાહ કોર્ટ વોચની ફરજ પર હાજર હતા. આ દરમિયાન કોર્ટ રૂમ નંબર A/33માં એક શખસ ખુરશી પર પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. જેથી કોન્સ્ટેબલે તેને કોર્ટરૂમની મર્યાદા જળવાઈ રહે તે રીતે બેસવા માટે ટકોર કરી હતી. જોકે, આ બાબતે શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કર્યા બાદ તેમના મોઢા પર જોરથી લાફો મારી દીધો હતો. ત્યારબાદ તેણે કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી અને મોઢા તથા કાનના ભાગે નખ અને મુક્કા મારી ઇજાઓ પહોંચાડી હતી. આરોપીએ કોન્સ્ટેબલને કોર્ટની બહાર નીકળતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કોર્ટરૂમમાં હાજર વકીલો અને અન્ય સ્ટાફે વચ્ચે પડી કોન્સ્ટેબલને છોડાવ્યા હતા. આ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મનોજભાઈ દેવીદાસ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અન્ય લોકોની મદદથી પરિસ્થિતિ સંભાળી હતી. જોકે, મારામારી બાદ આરોપી ત્યાંથી નીકળી જતાં ASI મનોજભાઈ તેને પકડવા માટે પાછળ ગયા હતા. દિવાળીપુરા કોર્ટના ગેટ નંબર-5 પાસે ASI મનોજભાઈએ આરોપીને રોક્યો હતો. તેઓ 112 નંબર પર ફોન કરવા જતાં હતા તે દરમિયાન આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો. આરોપીએ મનોજભાઈના કપાળ અને ડાબી આંખના ભાગે મુક્કા મારતાં તેમને ઇજાઓ થઈ હતી અને કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત ASI મનોજભાઈને સારવાર માટે અનુષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની ડાબી આંખના પાંપણના ભાગે બે ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટના બાદ કોર્ટમાં તપાસ કરતાં હુમલો કરનાર શખસની ઓળખ ગૌરાંગકુમાર ગિરીશભાઈ પટેલ, રહે. કુંવરપુરા ગામ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા તરીકે થઈ હતી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ નિતીન શાહે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. અકોટા પોલીસે આરોપી ગૌરાંગ પટેલને ઝડપી પાડ્યો છે. આરોપી પાસે કેનેડાના PR છે અને હાલ વડોદરામાં જ રહે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *