વડોદરા કોર્ટ પરિસરમાં જ ફરજ પર આવેલા પોલીસ કર્મચારીઓ પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા કોર્ટ સંકુલમાં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિતિન અને મનોજ સોનવણે નામના બે પોલીસ કર્મચારીઓ હુમલાનો ભોગ બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ કોઈ સરકારી કામ અર્થે કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન અજાણ્યા ઈસમે તેમને નિશાન બનાવીને અચાનક હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. રાજ્યના સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત સ્થળો પૈકી એક ગણાતા કોર્ટ પરિસરમાં જ પોલીસ કર્મચારીઓ પર હુમલો થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા માટે અને સમગ્ર મામલાની સત્યતા જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા કોર્ટ સંકુલમાં પોલીસ કર્મીઓ પર હુમલો:માંજલપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારી પર હુમલો, અકોટા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
