વડોદરા શહેર ભાજપના મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના વ્યસ્ત દાંડિયાબજાર રોડ પર આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના મહિલા મોરચા આમને-સામને આવી જતા ભારે હોબાળો મચી ગયો હતો. બંને પક્ષની મહિલા કાર્યકરોએ એકબીજાના શીર્ષ નેતૃત્વ સામે આક્રમક દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. ભાજપ મહિલા મોરચાનો રાહુલ ગાંધી સામે આક્ષેપ
ભાજપ મહિલા મોરચાની કાર્યકરો પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ નોંધાવવા પહોંચી હતી. ભાજપની મહિલાઓનો આક્ષેપ હતો કે, નેતા રાહુલ ગાંધી દ્વારા મહિલાઓનું ઉત્પીડન કરનાર વ્યક્તિ બિમોલ એકોઇજમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર મુદ્દાને લઈ ભાજપની મહિલા કાર્યકરોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને રાહુલ ગાંધીના છાજીયા લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસ મહિલા મોરચાનો પલટવાર
ભાજપના મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલા આ વિરોધના જવાબમાં કોંગ્રેસ મહિલા મોરચાની કાર્યકરો પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસની મહિલાઓએ ભાજપ પર વળતા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વર્તમાન શાસક પક્ષ વોટ ચોરી કરીને સત્તામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવવા માટે જ ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ આ પ્રકારે દેખાવો કરી રહી છે. આ આક્ષેપો સાથે કોંગ્રેસ મહિલા મોરચાએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો
બિઝનેસ અને વાહનવ્યવહારથી સતત ધમધમતા દાંડિયાબજાર રોડ પર બંને રાજકીય પક્ષોની મહિલાઓ સામસામે આવી જતાં અફરાતફરી સર્જાઈ હતી. બંને પક્ષના હાથમાં સરકાર વિરોધી અને નેતા વિરુદ્ધના નારા લખેલા પ્લે કાર્ડ્સ હતા. બંને તરફથી થઈ રહેલા આક્રમક સૂત્રોચ્ચારના કારણે દાંડિયાબજાર રોડનો ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણ પ્રભાવિત થયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે રાહદારીઓ અને સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને પક્ષની મહિલાઓને શાંત પાડવાના અને વિખેરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા બંને પક્ષના આગેવાનો અને કાર્યકરોને સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અચાનક આ રાજકીય ઘર્ષણને કારણે વડોદરાના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ વિવાદો સર્જાવાના એંધાણ છે.
વડોદરા ભાજપ-કોંગ્રેસનો મહિલા મોરચો આમને-સામને:ભાજપની મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સામે દેખાવ કર્યા, 'લોકશાહી બચાવો'ના બેનરો સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
📅 Published: October 12, 2026 |
📂 Category: gujarati-news
