પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક અજાણ્યું વન્યપ્રાણી ઘૂસી આવતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગામલોકો જ્યારે નિંદ્રાધીન હતા ત્યારે, આ હિંસક પ્રાણીએ ઘરઆંગણે અને રસ્તા પર ઊંઘી રહેલા લોકો પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને પુરુષોને નિશાન બનાવી કરાયેલા આ હુમલામાં 15થી વધુ ગ્રામજનોના માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં ભાગદોડ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટના બાદ એકત્ર થયેલા ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વૌવા ગામ ખાતે પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી પ્રાણીના પગમાર્ક મેળવીને તથા સ્થાનિકોની પૂછપરછના આધારે હુમલો કરનાર ચોક્કસ પ્રાણીની ઓળખ મેળવવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ‘જંગલી શિયાળને મુક્કો મારી મારા પુત્રને માંડ-માંડ છોડાવ્યો’ પ્રત્યક્ષદર્શી ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ નાગદાનભાઈ આહીરે આપવીતી જણાવતાં કહ્યું હતું કે, રાત્રે આશરે 11 થી 12 વાગ્યાના સુમારે શિયાળે સૌથી પહેલાં એક ભાઈ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ રાત્રે સાડા ચાર વાગ્યાના અરસામાં તે તેમના ઘર તરફ આવ્યું અને તેમના પુત્રને પકડી લીધો હતો. પુત્રને બચાવવા જતાં લક્ષ્મણભાઈએ શિયાળને મુક્કો મારી માંડ છોડાવ્યો હતો, પરંતુ ત્યાંથી ભાગીને શિયાળે તેમના મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર બચકાં ભરી લીધા હતા. ત્યાર બાદ આ હડકાયું શિયાળ ઠાકોર વાસમાં ઘૂસીને ત્યાં 6 થી 7 લોકોને તથા રવેચીના મેદાનમાં સૂતેલા અન્ય લોકો અને બાપજી પર પણ ત્રાટક્યું હતું. શિયાળે સવાર સુધી સતત લોકોને નિશાન બનાવ્યા હતા. લક્ષ્મણભાઈના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અંદાજીત 30 થી 40 ગ્રામજનો તેમજ 40 થી 50 જેટલા પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર CHC ખાતે પ્રાથમિક સારવાર મેળવનાર ઈજાગ્રસ્તોની યાદી આ ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સઘન સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
વન્યપ્રાણીનો 15થી વધુ ગ્રામજનો પર જીવલેણ હુમલો:પાટણના વૌવા ગામમાં ભાગદોડ-ચીસાચીસનો માહોલ, તમામને હોસ્પિટલ ખસેડાયા; 3 ગંભીર, લોકોએ કહ્યું-હડકાઈ શિયાળ હતી
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
