વરાછામાં અચાનક ઢળી પડેલા આધેડ માટે રાહદારી દેવદૂત બન્યા, CCTV:યુવકે સમયસૂચકતા વાપરી CPR આપતાં ચમત્કારિક રીતે જીવ બચ્યો

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

સુરતના વરાછા વિસ્તારમાં એક જાગૃત નાગરિકની સમયસૂચકતા અને તાત્કાલિક અપાયેલા CPRના કારણે રસ્તા પર અચાનક ઢળી પડેલા એક આધેડ વ્યક્તિનો જીવ બચી ગયો છે. 1 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 5:47 વાગ્યાની આસપાસ વરાછા હીરાબાગથી ગૌશાળા સર્કલ તરફ જતા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી પાસે આ ઘટના બની હતી. પાન મસાલાની દુકાન પર બેઠેલા એક વ્યક્તિ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. આ સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. ભાવેશ જોબનપુત્રાએ સમયસર CPR આપી જીવ બચાવ્યો
વ્યક્તિને બેભાન અવસ્થામાં ઢળી પડેલા જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા ભાવેશ જોબનપુત્રા નામના નાગરિક તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના ગંભીર પરિસ્થિતિ પારખી લીધી અને જમીન પર પડેલા આધેડને છાતી પર પંપિંગ કરીને CPR આપવાનું શરૂ કરી દીધું હતું. ભાવેશભાઈ દ્વારા યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી આપવામાં આવેલા CPRના કારણે બેભાન બનેલા વ્યક્તિ ધીમે ધીમે શ્વાસ લેવા લાગ્યા હતા અને હોશમાં આવી ગયા હતા. 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આ બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. 108ના ઇએમટી નીતિનભાઈએ જણાવ્યું હતું કે, કૉલ મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે વ્યક્તિ ભાનમાં આવી ચૂક્યા હતા અને તેમની પ્રાથમિક તપાસ કરતા બીપી (BP) તેમજ પલ્સ નોર્મલ જણાયા હતા. તેમને ક્યા કારણોસર ચક્કર આવ્યા કે તેઓ ઢળી પડ્યા તે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ તેમની સ્થિતિ સ્થિર હતી. પરિવારે મોટી હોસ્પિટલ જવાનો ઇનકાર કર્યો
આધેડની છેલ્લા બે દિવસથી કોઈ સ્થાનિક ક્લિનિકમાં સારવાર ચાલતી હોવાથી તેમના પરિવારે તેમને મોટી હોસ્પિટલના બદલે તે ક્લિનિકમાં જ લઈ જવાનો આગ્રહ રાખ્યો હતો. 108ની ટીમે હોસ્પિટલ જવા સમજાવટ કરી હતી, પરંતુ પરિવારે ઇનકાર કરતા જરૂરી કાયદેસરની પ્રક્રિયા અને સહી મેળવીને દર્દીને પરિવારને સોંપ્યા હતા. આ બનાવમાં યુવકે દાખવેલી માનવતા અને પ્રાથમિક સારવારની સમજથી એક મોટો અકસ્માત ટળી ગયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *