વર્લ્ડબેંકના રિપોર્ટે ભારતને ઉઘાડું પાડ્યું:અમેરિકાના ગરીબો કરતાં દેશના અમીરોની કમાણી ઓછી, મધ્યમ વર્ગનો મરો, આર્થિક અસમાનતાનું વરવું સત્ય જાણો

📅 Published: November 9, 2026 | 📂 Category: International

હમણાં વર્લ્ડ બેન્કનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં લખ્યું છે કે ભારતના અમીરો એટલું નથી કમાતા જેટલું અમેરિકા કે કેનેડાના ગરીબો કમાય છે ! દુનિયાના અમીર દેશો અને ભારતના લોકોના જીવન ધોરણ એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં કેટલો તફાવત છે, તેનો અંદાજ વર્લ્ડ બેંકના નવા આંકડા પરથી લગાવી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા, કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સૌથી ગરીબ 10 ટકા લોકોની રોજની કમાણી પણ ભારતના સૌથી અમીર 10 ટકા લોકો કરતાં વધારે છે. આ આંકડાથી એક વાત સ્વીકારી લેવી પડે કે અમીર દેશોની હરોળમાં ભારત પાછળ છે. નમસ્કાર… વર્લ્ડ બેંકે 2026નો પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મનો રિપોર્ટ જાહેર કર્યો. તેમાં ભારતની ઈકોનોમી સામે સવાલ ઊભા થાય તેવા આંકડા છે. ભારતમાં જે સર્વે થયો તે મુજબ, જે વ્યક્તિ મહિને 80 હજાર રૂપિયા કમાય છે તે દેશના સૌથી વધુ કમાણી કરનારા 10 ટકા લોકોમાં સામેલ થાય છે. એટલે ભારતના સૌથી અમીર પરિવારોનું જીવન ધોરણ એટલું નીચું છે કે અમેરિકા- કેનેડાના ગરીબો તેના કરતાં સારી રીતે જીવે છે. અમીર- ગરીબ કેવી રીતે નક્કી થાય છે? વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં સરખામણી આપવામાં આવી છે. તેમાં એવું લખ્યું છે કે ભારતમાં 10 ટકામાં સામેલ સૌથી ગરીબ લોકોની રોજની કમાણી પર હેડ આશરે 3 ડોલર છે. અમેરિકામાં ગરીબોની કમાણીનો આંકડો 25 ડોલરનો છે. કેનેડામાં તે 31 ડોલર છે, જ્યારે જર્મની અને ઓસ્ટ્રેલિયામાં 28 ડોલર છે. બીજી તરફ, ભારતમાં 10 ટકામાં સામેલ સૌથી અમીર લોકોની રોજની કમાણી પર હેડ આશરે 10 ડોલર છે. અમેરિકામાં આ આંકડો 173 ડોલર, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 129 ડોલર અને જર્મનીમાં 128 ડોલર સુધી પહોંચી જાય છે. આ હિસાબે ભારતના અમીર પણ ગરીબ ગણાય !! આ આંકડા શું દર્શાવે છે? ફાઉન્ડેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટની પ્રોગ્રામ એસોસિયેટ અહોના દત્તાગુપ્તાએ એક ટીવી ચેનલને જણાવ્યું કે આ સરખામણી ભારત માટે એક મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે. માત્ર ગરીબી જ નહીં પણ ભારતની ઈકોનોમીમાં મોટું ગાબડું છે. ભારતમાં દરરોજ માત્ર 10 ડોલર કમાનાર વ્યક્તિ સૌથી અમીર 10 ટકા લોકોમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ, કેનેડા, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં એટલી જ રકમ કમાનાર વ્યક્તિને સૌથી ગરીબ 10 ટકા લોકોમાં ગણવામાં આવે છે. ભારતમાં રોજના 10 ડોલર કમાય તો અમીર, પણ વિદેશમાં રોજના 10 ડોલર કમાવ તો ગરીબ !! દત્તાગુપ્તાનો તર્ક છે કે ગરીબ ભારતીયોના જીવન ધોરણમાં સુધારો કરવો જરૂરી છે, પરંતુ માત્ર આવું કરવાથી દેશ સમૃદ્ધ બની જશે એવું નથી. ભલે ગરીબ ભારતીયો આજે સારી સ્થિતિ ધરાવતા પરિવારોના સ્તર સુધી પહોંચી જાય, તેમ છતાં તેમનું જીવન ધોરણ અમીરોની તુલનામાં ઘણું નીચું છે. ભારતે માત્ર ગરીબ અને અમીર ભારતીયો વચ્ચેનું અંતર ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે, સમગ્ર વસ્તીની આવક વધારવાની જરૂર છે. ભારતમાં સારામાં સારી આવક 80 હજાર વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં એક મહત્વની વાત સામે આવી છે. ભારતમાં દર મહિને 80 હજાર રૂપિયા કમાતી વ્યક્તિ પણ ટોચના 10% અમીર લોકોમાં સામેલ ગણાય. એટલે એવરેજ મહિને 80 હજારનો પગાર બહુ સારો કહેવાય. એવી રીતે વિદેશમાં તમે રોજના 80 હજાર કમાવ તો ગરીબ ગણાવ. ભારતના લોકોની આવક વધે એ જરૂરી છે પણ વધે કેવી રીતે? તો આવક વધારવા માટે દરેક સેક્ટરમાં પ્રોડક્શન વધારવું પડે. પ્રોડક્શન વધે તો બિઝનેસ ડેવલપ થાય. બિઝનેસ વધે તો વધારે સારા પગારવાળી નોકરી મળતી થાય. તેના કારણે પરિવારની આવક મજબૂત બને. પણ આ સહેલું નથી. પ્રોડક્શન વધારવા માટે નવા વિચારો અને બિઝનેસમાં પ્રયોગ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. નવા નવા બિઝનેસ મોડેલ બનવા જોઈએ. આપણે વર્લ્ડ બેન્કના રિપોર્ટની વાત કરી. હવે દુનિયાની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાંની એક યુબીએસના ‘ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2026’ની વાત કરીએ. દુનિયાભરમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ યુબીએસ બેન્કના રિપોર્ટ મુજબ, 2025 દુનિયાભરના લોકોની આવક અને સંપત્તિના દૃષ્ટિકોણથી ખૂબ જ શાનદાર વર્ષ રહ્યું છે. જો આખી દુનિયાની સંપત્તિને એકસાથે જોડીને જોવામાં આવે તો તેમાં 11%નો ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. 2017 પછી આવું પહેલીવાર થયું હતું કે ગ્લોબલ વેલ્થ આટલી ઝડપી ગતિએ વધી હોય. આ રિપોર્ટમાં ભારત વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. ભારતમાં અમીર અને મધ્યમ વર્ગ બંનેનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. 2025માં ગ્લોબલ વેલ્થમાં આવેલા આ અણધાર્યા અને રેકોર્ડતોડ વધારાનું સૌથી મોટું કારણ દુનિયાભરના શેરબજારોમાં આવેલી જોરદાર તેજી છે. ગયા વર્ષે અમેરિકાની વોલ સ્ટ્રીટથી લઈને ભારતની દલાલ સ્ટ્રીટ સુધી, તમામ શેરબજારોએ નવા રેકોર્ડ બનાવ્યા. દુનિયાની મોટી અને અગ્રણી કંપનીઓના નફામાં ભારે વધારો થયો. જેના કારણે તેમના શેરના ભાવ રાતોરાત આકાશને આંબી ગયા. આ તેજીનો સીધો લાભ એવા સામાન્ય અને ખાસ રોકાણકારોને મળ્યો, જેમણે કંપનીઓના શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇક્વિટીમાં પોતાના પૈસા રોક્યા હતા. કોર્પોરેટ સેક્ટરની આ ગ્રોથે લોકોની વ્યક્તિગત સંપત્તિ વધારવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી. જોકે, યુબીએસના રિપોર્ટમાં એક ચિંતાજનક પાસું પણ સામે આવ્યું છે. ભલે દુનિયાની કુલ સંપત્તિમાં ઐતિહાસિક વધારો થયો હોય, પરંતુ તેનો લાભ સમાજના તમામ વર્ગોને સમાન રીતે મળ્યો નથી. શેરબજાર અને મોટા બિઝનેસમાંથી થતી કમાણીનો એક બહુ મોટો હિસ્સો પહેલેથી જ અમીર લોકોના ખાતામાં ગયો છે. તેના કારણે અમીર લોકો વધુ અમીર બન્યા છે, ગરીબ વધારે ગરીબ બન્યો છે. હવે તો મિડલ ક્લાસ પણ ગરીબની વ્યાખ્યામાં આવતો જાય છે. ઈનશોર્ટ, અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધતી જાય છે. હવે પિરામિડ નહીં, મોડા ડાયમંડ જેવું આર્થિક માળખું આ રિપોર્ટનું સૌથી રસપ્રદ અને સકારાત્મક પાસું ગ્લોબલ વેલ્થના સ્ટ્રક્ચરમાં આવેલો ફેરફાર છે. યુબીએસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે હવે દુનિયાનું આર્થિક માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અગાઉ દુનિયાનું આર્થિક માળખું પિરામિડ અથવા ત્રિકોણ જેવું હતું. આ જૂના માળખામાં નીચેનો ભાગ ખૂબ પહોળો હતો, જેનો અર્થ એ હતો કે અત્યંત ગરીબ અથવા ખૂબ ઓછી આવક ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધારે હતી, જ્યારે ટોચ પર અત્યંત ઓછા અમીર લોકો રહેતા હતા. પરંતુ છેલ્લા 25 વર્ષોમાં દુનિયા બદલાઈ ગઈ અને સાથે આ આર્થિક માળખું પણ બદલાઈ ગયું. હવે તે પિરામિડના બદલે ‘ફેટ ડાયમંડ’ (વચ્ચેથી જાડા હીરા) જેવું થઈ ગયું છે. આ નવા માળખાનો સીધો અને સરળ અર્થ એ છે કે દુનિયામાં સૌથી નીચલા સ્તરે રહેતા ગરીબોની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે મધ્યમ સ્તર એટલે કે મિડલ ક્લાસનો વ્યાપ ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યો છે. પણ આ ગ્લોબલ પિક્ચર છે. ભારતમાં હજી પિરામિડ જેવી જ સ્થિતિ છે. ગરીબો ઘણા છે, અમીરો બહુ ઓછા છે. જો આંકડાના દૃષ્ટિકોણથી જોઈએ, તો 2000ની સાલમાં દુનિયાના લગભગ 75% લોકો એવા હતા જેમની કુલ સંપત્તિ 10,000 ડોલર (આજના હિસાબે લગભગ 8 લાખ રૂપિયા)થી ઓછી હતી. પરંતુ 2025 સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને હવે આવા લોકોની સંખ્યા ઘટીને માત્ર 41% રહી ગઈ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા અઢી દાયકામાં દુનિયાભરના કરોડો લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે. દુનિયામાંથી ગરીબી ઘટી રહી છે, ભારતમાંથી નહીં. ભારતમાં ગરીબો વધ્યા, તેની સામે અમીરો પણ વધી રહ્યા છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા સ્વિત્ઝર્લેન્ડ દેશ જેટલી યુબીએસનો આ રિપોર્ટ ભારતીય ઈકોનોમી માટે એક ખૂબ મોટો સીમાચિહ્ન સાબિત થયો છે. ભારતમાં અમીરોની સંખ્યા એટલી ઝડપથી વધી છે કે તેણે વિશ્વના સૌથી સમૃદ્ધ અને સંપન્ન દેશોમાંના એક સ્વિટ્ઝર્લેન્ડની બરાબરી કરી લીધી છે. ભારતમાં ડોલર કરોડપતિઓની સંખ્યા વધી છે. એટલે કે એવા લોકો જેમની પાસે આશરે 8 કરોડ રૂપિયા અથવા તેથી વધુની વ્યક્તિગત સંપત્તિ છે)ની સંખ્યા ઝડપથી વધીને 9 લાખ 44 હજાર થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા નાના અને અતિ અમીર દેશમાં પણ કરોડપતિઓની કુલ સંખ્યા લગભગ 9.44 લાખ જેટલી જ છે. સ્વિટ્ઝર્લેન્ડ દાયકાઓથી વિશ્વભરના અમીરો, મોટી બેંકો અને સુરક્ષિત રોકાણનો ગઢ ગણાય છે. આવી સ્થિતિમાં ભારતનું કરોડપતિઓની સંખ્યાના મામલે સ્વિટ્ઝર્લેન્ડની બરાબરી પર પહોંચવું એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે ભારતીય ઈકોનોમી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. આ રિપોર્ટ તેની રીતે સાચો છે પણ ભારતની ઈકોનોમી યોગ્ય વ્યક્તિઓ સુધી સારી રીતે પહોંચતી નથી. દુનિયામાં કરોડપતિઓ ને અબજોપતિઓ વધતા જ જાય છે 140 કરોડની વસ્તીવાળા ભારતમાં કેટલા કરોડપતિઓ છે? અંદાજો લગાવી શકો? તો આંકડો યાદ રાખી લો. ભારતમાં માત્ર 9.44 લાખ કરોડપતિઓ છે. અને અમેરિકામાં? અમેરિકામાં છેલ્લા એક જ વર્ષમાં 10 લાખ લોકો કરોડપતિ બની ગયા. યુબીએસ બેન્કનો રિપોર્ટ કહે છે કે વિશ્વમાં સૌથી વધુ કરોડપતિઓ અમેરિકા અને ચીનમાં રહે છે. વિશ્વની કુલ વ્યક્તિગત સંપત્તિનો આશરે 54% હિસ્સો આ બે દેશ પાસે છે. બાકીની 46% સંપત્તિમાં આખું વિશ્વ સમાયેલું છે. આ યાદીમાં ભારત 9.44 લાખ કરોડપતિઓ સાથે 14મા સ્થાન પર છે. કરોડપતિઓની સાથે-સાથે દુનિયામાં અબજોપતિઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. 2025માં દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા 13%થી વધીને 3,302 થઈ ગઈ છે. આ અબજોપતિઓ ત્રણ જ દેશમાં વધારે છે. અમેરિકા, ચીન અને ભારત. ભારતમાં માત્ર 229 અબજોપતિઓ જ છે. આર્થિક અસમાનતાનું કડવું સત્ય યુબીએસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભલે દુનિયાની કુલ સંપત્તિ વધી રહી હોય અને મિડલ ક્લાસ વિસ્તરી રહ્યો હોય પણ ઘણા દેશોમાં નાગરિકોની વાસ્તવિક સંપત્તિમાં ઘટાડો થયો છે. તેનો અર્થ એ છે કે દેશના પૈસા ગણ્યા ગાંઠ્યા અમીર પરિવારોના હાથમાં જ રહે છે. રશિયા, UAE, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ દુનિયાના સૌથી અસમાન દેશોમાં સામેલ છે, જ્યાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘણું વધારે છે. આ યાદીમાં ભારત પણ ખરું. છેલ્લે… બીજા દેશો આટલા આગળ છે એનું કારણ એ છે કે ત્યાં ભારતની જેમ દર મહિને તહેવારો પાછળ ખર્ચ થતા નથી. આપણે એક વર્ષમાં તહેવારો પાછળ 14 લાખ કરોડનો ખર્ચ કરી નાખીએ છીએ. હવે વિચારો, 14 લાખ કરોડમાંથી કેટલો વિકાસ થઈ શકે…. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી | Yashpal Baxi)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *