વલસાડના કાંઠા વિસ્તારની પ્રોટેક્શન વોલ મુદ્દે વિધાનસભામાં રજૂઆત:ધારાસભ્ય ભરત પટેલે પ્રશ્ન ઉઠાવ્યો, મંત્રીએ સર્વે કરાવી કામગીરીની ખાતરી આપી

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં વલસાડ (179) વિધાનસભાના ધારાસભ્ય ભરત પટેલે દરિયાકાંઠા અને નદી-કાંઠાના વિસ્તારોની સુરક્ષા માટે પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દીવાલ) બનાવવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ 2013થી ધારાસભ્ય છે. કાઠા વિસ્તારમાં દરિયાકાંઠે ધોવાણનો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. દાંતીથી શરૂ કરીને 16 કિલોમીટરના દરિયાકિનારાના આશરે 8 ગામો સતત દરિયાઈ ધોવાણનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કાઠા વિસ્તારના દાંડી, દાંતી, કકવાડી, ભાગલ, કોસંબા, ભટેલી જગાલાલા, તીથલ, સુરવાડા અને મગોદ-ડુંગરી જેવા ગામોમાં દરિયાઈ ભરતી, ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે જમીન અને મિલકતોનું ધોવાણ થાય છે. ગામના લોકો અને ખેડૂતોની સુરક્ષા માટે પ્રોટેક્શન વોલ બનાવવી ખૂબ જરૂરી છે. વિધાનસભામાં રજૂઆત કરતી વખતે તેમણે સ્પષ્ટ કર્યું કે, 2013થી 2026 સુધીના 13 વર્ષના તેમના કાર્યકાળમાં રજૂઆતોના કારણે દાંતી, મોટી દાંતી, દાંડી, કોસંબા, ભદેલી જગાલાલા, તીથલ અને સુરવાડા સુધીના વિસ્તારોમાં 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. જોકે, હજુ પણ ભાગલથી સુરવાડા, કોસંબા અને મગોદ-ડુંગરી વિસ્તારમાં ધોવાણ રોકવા માટે અંદાજે 40 થી 50 કરોડ રૂપિયાના કામો જરૂરી છે. આ ઉપરાંત, સમગ્ર બાકી વિસ્તાર માટે કુલ 150 થી 200 કરોડ રૂપિયાના કામો મંજૂર થાય તો કાઠા વિસ્તારને કાયમી રક્ષણ મળી શકે છે. દરિયાઈ સુરક્ષા પ્રોજેક્ટ વિશે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, પ્રોટેક્શન વોલ માટે મોટાભાગની (લગભગ 90%) ગ્રાન્ટ કેન્દ્ર સરકારમાંથી આવે છે. તેમાં ગુજરાત સરકારનો પણ મોટો ફાળો હોય છે. પૂર્વ સાંસદ કે. સી. પટેલ, વર્તમાન સાંસદ અને દંડક ધવલ પટેલ સાથે મળીને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત રજૂઆતો થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યની રજૂઆતનો જવાબ આપતા જળસંપત્તિ મંત્રીએ સ્વીકાર્યું કે, કાઠા વિસ્તારની પ્રોટેક્શન વોલ અંગેની દરખાસ્ત સરકારને મળી છે. સરકારે આ દરખાસ્તને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારનો યોગ્ય સર્વે કરાવી ઝડપથી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. વલસાડના ધારાસભ્ય પટેલે કહ્યું, “જનતાની સમસ્યા એટલે અમારી જવાબદારી. કાઠા વિસ્તારના લોકોની સુરક્ષા અને વિકાસ માટે અમે સતત જાગૃત છીએ. સરકાર ટૂંક સમયમાં બાકી રહેલા ભાગલ, કોસંબા અને સુરવાડા જેવા વિસ્તારો માટે જરૂરી ગ્રાન્ટ મંજૂર કરી પ્રોટેક્શન વોલ બનાવશે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *