વલસાડ જિલ્લાના રાબડા ગામમાં આવેલું મા વિશ્વંભરી તીર્થધામ શ્રાવણ માસ દરમિયાન ભક્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. લીલીછમ વનરાઈ અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ ધામમાં શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. પ્રકૃતિની ગોદમાં વિકસેલું આ તીર્થધામ આધ્યાત્મિક ચિંતન, સનાતન સંસ્કૃતિ અને જ્ઞાનનું ધામ બની રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ધામના શાંત અને પવિત્ર વાતાવરણમાં પ્રવેશતા જ તેમને અનોખી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે. ધામમાં આવેલી વિવિધ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર ધામમાં આવેલી પાઠશાળામાં મા વિશ્વંભરીના દર્શન થાય છે. અહીં હિમાલયની ગુફાની પ્રતિકૃતિમાં સ્થાપિત શિવલિંગ પણ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત ગોકુલધામમાં શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જ્યાં નંદબાબાની કુટીર પણ આવેલી છે. વૈકુંઠધામમાં આવેલી ગૌશાળામાં ગીર ગાયોની સેવા અને સંભાળ રાખવામાં આવે છે. પંચવટી વિભાગમાં શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીની પ્રતિમાના દર્શન કરીને ભક્તો રામાયણકાળના પ્રસંગોને યાદ કરે છે. અંધશ્રદ્ધા દૂર કરી ઘરને મંદિર બનાવવાનો સંદેશ મા વિશ્વંભરી તીર્થધામ દ્વારા ભક્તોને ‘અંધશ્રદ્ધા છોડો અને ઘરને મંદિર બનાવો’નો પાવન સંદેશ આપવામાં આવે છે. અહીં લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહીને પોતાના ઘર-પરિવારમાં જ ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોને જીવંત રાખવા માટે પ્રેરણા અપાય છે. આ ધામ નાત-જાત, ઊંચ-નીચ જેવા ભેદભાવથી ઉપર ઉઠીને સનાતન ધર્મ અને વૈદિક સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને સમાજમાં ઉજાગર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે. સત્ય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા ધામમાં જ્ઞાન, ભક્તિ અને કર્મના સમન્વય સાથે સત્ય-અસત્યનો ભેદ સમજાવવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને સાચા ધર્મ, નીતિમત્તાપૂર્ણ કર્મ, ભક્તિ અને આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સંગમ સમાન આ ધામ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે શ્રદ્ધા અને ભક્તિનું શિખર બની રહ્યું હતું.
વલસાડના રાબડાના મા વિશ્વંભરી તીર્થધામમાં શ્રાવણ માસે ભક્તોનું મહેરામણ:હિમાલયની ગુફા અને ગોવર્ધન લીલાની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ; 'અંધશ્રદ્ધા છોડો, ઘરને મંદિર બનાવો'નો અપાયો દિવ્ય સંદેશ
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
