વલસાડ તાલુકાના વશિયર ખાતે વાંકી નદી પર આશરે ₹4 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજને લઈને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને પ્રજાના નાણાંના દુરુપયોગના આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આગામી વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. સંતોષકારક જવાબ નહીં મળે તો ધરણાંની ચીમકી
અનંત પટેલે જણાવ્યું કે જો વિધાનસભામાં બ્રિજ અંગે સરકાર તરફથી સંતોષકારક જવાબ નહીં મળે, તો તેઓ આ મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણાં કરશે. તેમના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન વલસાડના અનેક ગામો સંપર્કવિહોણા બની જાય છે, જ્યારે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ પણ હજુ પૂર્ણ થયું નથી. 500 મીટરના અંતરે બ્રિજ હોવા છતાં નવો બ્રિજ કેમ?
ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો કે વશિયર ખાતે જ્યાં નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે પહેલેથી જ બીજો બ્રિજ આવેલો છે. તેમ છતાં કોઈ કરોડપતિ અથવા ભાજપના નેતાની વાડી કે ખેતર સુધી પહોંચવા માટે પ્રજાના ₹4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પ્રજાના પૈસાનો આ પ્રકારનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. નારગોળમાં તાડી-દારૂના વેપારની માંગ પર અનંત પટેલનો વિરોધ
બીજી તરફ નારગોળના સરપંચ સ્વીટી ભંડારી દ્વારા વિસ્તારમાં તાડી અને દારૂના વેપાર અંગે કરાયેલી રજૂઆતને લઈને પણ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે. અનંત પટેલે સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને હાસ્યાસ્પદ ગણાવી હતી. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવી જોઈએ. સાથે જ તેમણે ભાજપ સરકાર પર ગિફ્ટ સિટી જેવા વિસ્તારોમાં છૂપી રીતે દારૂની છૂટછાટ આપવાનો આક્ષેપ કર્યો હતો. સરપંચ સ્વીટી ભંડારીએ રજૂઆતનો કર્યો બચાવ
નારગોળના સરપંચ સ્વીટી ભંડારીએ પોતાની રજૂઆતનો બચાવ કરતા જણાવ્યું કે નારગોળ દમણ, દાદરા-નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલું ગામ છે. તેમના જણાવ્યા મુજબ ભૂતકાળમાં તેમના પૂર્વજો અને વડીલો, ખાસ કરીને ભંડારી અને પારસી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય તાડી સાથે સંકળાયેલો હતો. સ્થાનિક રોજગારી અને આજીવિકાનો મુદ્દો હોવાનું સરપંચનું કહેવું
સ્વીટી ભંડારીએ વધુમાં જણાવ્યું કે તાડી સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે અને અનેક ગરીબ તથા ખેડૂત પરિવારોની આજીવિકા તેના પર નિર્ભર રહી છે. તેથી તેમની રજૂઆતનો હેતુ દારૂબંધીનો વિરોધ કરવાનો નહીં, પરંતુ સ્થાનિક રોજગારી અને આજીવિકાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવાનો હતો. આ મુદ્દે હવે કોંગ્રેસના ધારાસભ્ય અને સ્થાનિક સરપંચના અલગ-અલગ અભિપ્રાયને કારણે વલસાડના રાજકારણમાં ચર્ચા વધુ વેગવાન બની છે.
વલસાડના વશિયર ખાતે ₹4 કરોડના બ્રિજને લઈને રાજકારણ ગરમાયું:ધારાસભ્ય અનંત પટેલે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
