વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર અને નકલી દારૂ તેમજ ડ્રગ્સના વેચાણ સામે AAP દ્વારા વલસાડના ઐતિહાસિક આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી. આઝાદ ચોક ખાતે ‘આપ’ના સ્થાનિક નેતાએ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ ગામડે ગામડે નકલી અને ઝેરી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં 10થી વધુ લોકોના મોત થયા છે અને 30થી 32 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે ગુજરાતને ‘ઉડતું ગુજરાત’ બનાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ‘આપ’ નેતાઓએ વધુમાં માગ કરી હતી કે સરકારે તાત્કાલિક ધોરણે આ લઠ્ઠાકાંડ માટે જવાબદાર બુટલેગરો તેમજ માફિયાઓની ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા આપવી જોઈએ. તેમણે ગૃહમંત્રીને આ નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી તુરંત પદ પરથી રાજીનામું આપવા જણાવ્યું હતું. પ્રદર્શન વધતાં અને વાતાવરણ ગરમાતાં સ્થળ પર તહેનાત વલસાડ પોલીસે આઝાદ ચોક ખાતેથી વિરોધ દર્શાવી રહેલા આમ આદમી પાર્ટીના તમામા અંદાજે 15-20 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને આઝાદ ચોક વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરી હતી.
વલસાડમાં 'આપ'નું વિરોધ પ્રદર્શન, તમામ કાર્યકરોની અટકાયત:ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
