વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટના રોજ 15મા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગલમ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં નાણાં, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કનુ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે ટ્રસ્ટની માનવસેવા અને દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓને બિરદાવી રક્તદાતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈ ઉપરાંત જિલ્લા કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વલસાડની જનતા માટે તમામ સેવાઓ અને જરૂરી સંપર્ક નંબરો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ‘વન ટચ સોલ્યુશન’ નામની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. કેમ્પ અંગે માહિતી આપતા અશોક કાંતરિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે 1000થી વધુ લોકોએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી. વલસાડ બ્લડ બેંક, પારડી બ્લડ બેંક, શ્રીમદ રાજચંદ્ર (ધરમપુર) બ્લડ બેંક અને વલસાડ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ વખતે રક્તદાન સાથે અંગદાન જાગૃતિની ખાસ થીમ રાખવામાં આવી હતી. આ અંતર્ગત અગાઉ અંગદાન કરી ચૂકેલા દાતાઓના પરિવારો અને 100થી વધુ વખત રક્તદાન કરનારા ‘સેન્ચુરી ડોનર્સ’નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સ્વયંસેવકો, NSSના યુવાનો અને મીડિયાકર્મીઓએ સહયોગ આપ્યો હતો. મંત્રી કનુ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ઉમિયા સોશિયલ ગ્રુપ સમગ્ર વલસાડ જિલ્લામાં શિક્ષણ, વૃક્ષારોપણ અને રક્તદાન જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. 15મી ઓગસ્ટે દેશભક્તિ સાથે માનવસેવાનો આ સંદેશ આપવો ખૂબ જ પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીના ‘હર ઘર તિરંગા’ અભિયાનની સાથે આવા આયોજનો સમાજમાં નવો ઉત્સાહ પૂરો પાડે છે.’ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ યુવાનોને રક્તદાન કરવા અપીલ કરતા જણાવ્યું હતું કે, રક્તદાન કરીને આપણે એકસાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકીએ છીએ. દર ત્રણ મહિને રક્તદાન કરીને માનવસેવાના આ મહાયજ્ઞમાં જોડાવા યુવા વર્ગને ખાસ વિનંતી કરવામાં આવી હતી.
વલસાડમાં ઉમિયા ટ્રસ્ટનો 15મો મહારક્તદાન કેમ્પ:નાણાં મંત્રી કનુ દેસાઈએ મુલાકાત લીધી, રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
